
'જો નાટો રશિયન સેના સાથે ભિડાયુ તો વૈશ્વિક વિનાશ થશે', ખુલ્લા મંચથી પુતિને ફરીથી આપી ચેતવણી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ચેતવણી આપીને કહ્યુ કે રશિયા સેના સાથે નાટો સૈનિકોની ટક્કર થઈ તો વૈશ્વિક વિનાશ થશે. કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં એક પત્રકાર પરિષદને સંબોધીને પુતિને કહ્યુ, 'રશિયન સૈન્ય સાથે સીધો સંપર્ક અથવા સૈનિકો સાથે નાટોનો સીધો મુકાબલો ખૂબ જ ખતરનાક પગલુ હશે. જે વૈશ્વિક વિનાશ તરફ દોરી શકે છે. હું આશા રાખુ છુ કે જે લોકો આ કહે છે ઘણા સમજદાર છે કે આવુ પગલુ નહિ લે.'
મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નાટો બોર્ડરથી માત્ર 20 માઈલ દૂર 11 પરમાણુ બૉમ્બર્સ તૈયાર કર્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલુ યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને દેશો વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. રશિયાના ક્રિમિયા પુલના વિનાશ બાદ સ્થિતિ ફરી વણસી છે. આ પહેલા રશિયન સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી સેક્રેટરી એલેક્ઝાંડર વેનેડિકતોવે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે યુક્રેન જાણતુ હતુ કે જો તે નાટોમાં જોડાશે તો તે આ યુદ્ધને ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવી દેશે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે આ પ્રકારનુ પગલુ ભરવાના પરિણામો નાટોના સભ્યો પોતે સારી રીતે સમજી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગયા મહિને યુક્રેનના ચાર પ્રદેશોને જોડ્યા પછી રશિયન પ્રદેશના સંરક્ષણ માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ચેતવણી આપી હતી. આ પગલાની સંયુક્ત રાષ્ટ્રએ આ અઠવાડિયે નિંદા કરી હતી. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામા આવ્યુ છે કે મંગળવારે સાત સમૂહ(G7) રાષ્ટ્રોએ ચેતવણી આપી હતી કે યુક્રેન પર પરમાણુ હથિયારોના ઉપયોગના ભયંકર પરિણામો આવશે.
તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેનના ચાર પ્રાંત પર કબજો જમાવ્યો છે. જો કે, યુક્રેનના ચાર પ્રાંતોને જોડવાના રશિયાના પગલાની આંતરરાષ્ટ્રીય સમુદાયના મોટાભાગના સભ્યોએ નિંદા કરી છે અને તેને ગેરકાયદેસર ગણાવ્યુ છે. યુએસ પ્રમુખ જો બાઈડને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન પર યુક્રેનના પ્રદેશ પર ખોટા દાવા કરવાનો આરોપ મૂક્યો છે અને કહ્યુ છે કે આ પગલુ યુએન ચાર્ટરને કચડી નાખશે અને સર્વત્ર શાંતિપૂર્ણ રાષ્ટ્રોના ખ્યાલની ઉપેક્ષા કરે છે.