For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેન સંકટ: પુતિન કોનું સાંભળે છે? કોણ છે એ લોકો જે પુતિનને સલાહ આપી શકે છે?

યુક્રેન સંકટ: પુતિન કોનું સાંભળે છે? કોણ છે એ લોકો જે પુતિનને સલાહ આપી શકે છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

યુક્રેન પરના રશિયાના હુમલાને અઠવાડિયું થઈ ગયું છે અને હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને એવા મહત્ત્વના નિર્ણયો લીધા છે, જેનો પડઘો યુક્રેન અને રશિયામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં પડી રહ્યો છે.

વ્લાદિમીર પુતિન

અનેક દેશો પુતિન પર તાનાશાહીનો આરોપ લગાવે છે ત્યારે શું આ નિર્ણયો લેતા પહેલાં પુતિને કોઈ સાથે સલાહવિમર્શ કર્યો હશે? પુતિને કેટલાક મંત્રીઓ અને સલામતી સલાહકારોના બનેલા 'સિલોવિકી' તરીકે ઓળખાતા જૂથના પ્રભાવમાં આક્રમક વલણ લીધું છે એવું પણ કેટલાક વિશ્લેષકો માને છે. શું છે 'સિલોવિકી'?

રશિયાને પ્રખર-પ્રમુખીય પદ્ધતિનું લોકતાંત્રિક રાષ્ટ્ર કહી શકીએ: પ્રમુખ તરીકે પુતિન પાસે વ્યાપક સત્તાઓ છે અને દેશના વહીવટને લગતા તમામ નિર્ણયો તેમની વ્યક્તિગત સહમતી પછી જ લેવામાં આવે છે.

આટલી અબાધિત સત્તાઓ છતાં પુતિન અમુક મહત્ત્વના લોકોની સલાહ લેતા હોય છે. ખાસ કરીને લાંબા સમયથી તેમની સાથે રહેલા અને જેમની પર વિશ્વાસ હોય તેમની સાથે તે ચર્ચા કરતા હોય છે.

તેમના આ અંગત વર્તુળમાં એવા અધિકારીઓ પણ છે, જેઓ સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરી ચૂક્યા છે અને તેમના અભિપ્રાયનું વજન પડતું હોય છે.

રશિયામાં એકથી વધુ સુરક્ષા અને કાયદાપાલનની સંસ્થાઓ છે, જેને રશિયન ભાષામાં "સિલોવિકી" (રશિયનમાં "સિલા" એટલે શક્તિદળ). પુતિનની પોતાની કારકિર્દી પણ આવી જ એક સંસ્થા સાથે શરૂ થઈ હતી.

સોવિયેટ સંઘની જાસૂસી સંસ્થા કેબીજીમાં તેઓ કામ કરતા હતા. સોવિયેટ વિઘટન પછી તેનું નામ હવે રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) કરી દેવાયું છે.

પુતિન સત્તા પર આવ્યા ત્યાર પછી આ પ્રકારનાં સુરક્ષા દળોનો પ્રભાવ વધ્યો છે.


પ્રભાવકારી પાંચ સંસ્થાઓ

સલામતી સમિતિના સૅક્રેટરી તરીકે કામ કરતાં નિકોલોય

રશિયાની આંતરિક બાબતો તથા વિદેશનીતિ અંગેની સૌથી અગત્યની બાબતોનો નિર્ણય સલામતી સમિતિની બેઠકમાં લેવાતો હોય છે.

આ સલામતી સમિતિમાં સિલોવિકીના ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે.

FSB અને વિદેશ ગુપ્તચર તંત્રના વડાઓ તથા ગૃહ, વિદેશ અને સંરક્ષણમંત્રીઓ તેના સભ્યો છે. વડા પ્રધાન, સંસદના બંને ગૃહના અધ્યક્ષો સહિત 30 લોકો આ સમિતિના સભ્યો છે.

સલામતી સમિતિના સૅક્રેટરી તરીકે કામ કરતાં નિકોલોય પેતરુશેવ, FSBના વડા ઍલેક્ઝાન્ડર બોર્ત્નિકોવ, વિદેશ ગુપ્તચર વિભાગના વડા સરગેય નેરિશ્કીન આ બધા દાયકાઓથી પુતિનના પરિચિત રહ્યા છે.

1970ના દાયકામાં તે વખતે લેનિનગ્રાદથી આ લોકોએ કામ કર્યું છે, સેન્ટ પિટર્સબર્ગમાં પુતિન કામ કરતાં હતા ત્યારે તેમની સાથે આ અધિકારીઓએ કામ કરેલું છે.

આ ત્રણ અમલદારો ઉપરાંત સંરક્ષણમંત્રી સરગેઈ શોઇગુ અને વિદેશમંત્રી સરગેઈ લાવરોવ આ પાંચેય પુતિનના સૌથી વિશ્વાસુ મનાય છે. વિદેશનીતિની બાબતમાં નિર્ણયો લેતા પહેલાં આ પાંચ લોકોનો અભિપ્રાય પુતિન લેતા હોય છે.

આ ત્રણ અમલદારો ઉપરાંત સંરક્ષણમંત્રી સરગેઈ શોઇગુ અને વિદેશમંત્રી સરગેઈ લેવરોવ આ પાંચેય પુતિનના સૌથી વિશ્વાસુ મનાય છે.

સલામતી સમિતિના વડા તરીકે પુતિનની સાથે સેક્રેટરી તરીકે સૌથી અંગત રીતે કામ કરે છે નિકોલોય પેતરુશેવ, જેમને આ સમિતિમાં સૌથી આક્રમક માનવામાં આવે છે.

તેઓ બંને 1970ના દાયકામાં લેનિનગ્રાદમાં કેજીબીમાં સાથે કામ કરતા હતા. 1999માં પુતિને પોતાના સ્થાને પેતરુશેવને કેજીબીની જગ્યાએ બનેલી FSBના વડા બનાવ્યા હતા.

2008 સુધી એ હોદ્દા પર તેઓ રહ્યા હતા. તેમને પુતિનના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. જોકે, એક મત એ પણ છે કે તેઓ એટલા અંગત ન પણ હોય.

કદાચ સૌથી વિશ્વાસુ સંરક્ષણમંત્રી શોઇગુ છે કે જેમની પાસે રશિયાના લશ્કરી જાસૂસી તંત્રનો પણ હવાલો છે. GRU તરીકે ઓળખાતા આ તંત્ર પર આરોપ છે કે તેણે રશિયન એજન્ટ સર્ગેઇ સ્ક્રાઇપેલને 2018માં યુકેમાં ઝેર આપ્યું હતું.

2020માં રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નેવેલિનીને પણ સાઇબીરિયામાં ઝેર અપાયાનો આક્ષેપ આ સંસ્થા પર થયો હતો. શોઇગૂ મૂળ સાઇબિરિયાના છે અને છેલ્લાં થોડાં વર્ષોથી પુતિન સાથે તેમની દોસ્તી ગાઢ બની હોવાનું કહેવાય છે. તેઓ સાથે રજાઓ માણવા સાઇબીરિયા જતા હોય છે.

વિદેશમંત્રી સરગેઈ લેવરોવ આ પાંચેય પુતિનના સૌથી વિશ્વાસુ મનાય છે.

FSBના વડા ઍલેક્ઝાન્ડર બોર્ત્નિકોવ પણ પુતિન સાથે કેજીબીમાં હતા. તેમને 2008માં પેતરુશેવની જગ્યાએ FSBના વડા બનાવાયા હતા. દેશમાં થતી જાસૂસી પર નજર રાખવાની બાબતમાં તેમનો દાયકાઓનો અનુભવ છે.

અન્ય કોઈ માહિતી સ્રોત કરતાંય FSB તરફથી મળતી માહિતી પર જ પુતિન સૌથી વધારે આધાર રાખે છે એમ માનવામાં આવે છે.

અન્ય કાયદાપાલન એજન્સીઓ પર FSBનો પ્રભાવ રહે છે, જેમ કે ગૃહ મંત્રાલય હેઠળની પ્રોસિક્યુટર જનરલની ઑફિસ. FSBના પોતાના અલગથી વિશેષ દળો પણ છે, જેમાં આલ્ફા અને વિમ્પેલ ગ્રૂપ જેવા ખાસ દળોનો સમાવેશ થાય છે.

વિદેશમંત્રી સરગેઈ લાવરોવ આ બધાથી અલગ સૌમ્ય માનવામાં આવે છે. તેઓ સૌથી અનુભવી રશિયન રાજદ્વારી છે. 2004થી વિદેશમંત્રી તરીકે વિદેશનીતિનો હવાલો સંભાળતા આવ્યા છે.

પુતિન સાથે ગુપ્તચર તંત્રમાં તેમણે કામ કર્યું નથી, પરંતુ પુતિનને તેમના માટે માન હોવાનું કહેવાય છે. પુતિનના અંગત મિત્રવર્તુળમાં તેમનો સમાવેશ થતો નહોતો, પરંતુ સખત મહેનત અને કાર્યકુશળતાથી તેમનો ભરોસો મેળવ્યો છે.

વિદેશ જાસૂસી તંત્રના વડા સરગેઈ નારિશ્કીન પણ વ્લાદિમીર પુતિન સાથે લેનિનગ્રાદમાં કામ કરી ચૂક્યા છે. જાસૂસી તંત્રમાં કામ કરતા હોવા છતાં જાહેરમાં દેખાતાં રહે છે અને અનેક પત્રકારોને ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે.

બીબીસીના સ્ટિવ રોસેનબર્ગને પણ તેમણે ઇન્ટરવ્યૂ આપેલો છે. તેમને નજીકથી જાણનારા કહે છે કે નારિશ્કીન પુતિનના વફાદાર છે અને અમલદાર તરીકે તેઓ આદેશનું પાલન કરવા માટે ટેવાયેલા છે.

તેમણે સુરક્ષા એજન્સીમાં કામ કર્યું છે, તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે છે અને પ્રોફેશનલ અનુભવ પણ છે એથી તેઓ પુતિનના અંગત વર્તુળમાં સ્થાન પામી શક્યા છે.


સલામતી સમિતિ: નીતિ નિર્ણાયક સંસ્થા

FSBના વડા ઍલેક્ઝાન્ડર બોર્ત્નિકોવ પણ પુતિન સાથે કેજીબીમાં હતા.

છેલ્લે સલામતી સમિતિની બેઠક મળી તેમાં યુક્રેનમાં અલગતાવાદી જૂથોના કબજામાં રહેલા બે પ્રાંતોને રિપબ્લિક તરીકે માન્યતા આપવામાં આવી હતી. તે પરથી ખ્યાલ આવે છે કે સમિતિ કઈ રીતે કામ કરે છે.

બીબીસીના પૂર્વ યુરોપના સંવાદદાતા સારા રેઇન્સફોર્ડ આ સમિતિની બેઠકને એક નાટક સમાન ગણાવે છે, જેમાં દરેકને તેમની ભૂમિકા અને સ્ક્રિપ્ટ આપી દેવામાં આવી હોય છે.

રેઇન્સફોર્ડના અહેવાલ અનુસાર, "વ્લાદિમીર પુતિનની આસપાસ અર્ધગોળાકારે આ સૌથી સિનિયર અમલદારો બેસે છે અને તેઓ એક પછી એક સૌને માઇક પાસે આવીને એ વાત જણાવવા કહે છે, જે પોતે સાંભળવા ઇચ્છતા હોય."

જોકે અન્ય વિશ્લેષકો માને છે કે અલગ અલગ પ્રકારના સત્તાનાં સમીકરણો આમાં કામ કરતા હોય છે અને અંગત રાજકારણ પણ તેમાં ચાલતું હોય છે.

કાર્નેગીના મૉસ્કો સેન્ટરના નિષ્ણાત ઍલેક્ઝાન્ડર બોનોવ કહે છે, "આપણે એ સમજવું જોઈએ કે સલામતી સમિતિની બેઠક મળે ત્યારે તેમાં ભાગ લેનારા કોઈ એક ટીમના સભ્યો નથી હોતા. તેઓ એકબીજા સામે સંઘર્ષમાં હોય તેવું પણ બને."

વિદેશ ગુપ્તચર તંત્રના વડા સરગે નારિશ્કિન પુતિનના અંગત મિત્ર છે અને લાંબો સમયથી તેમની સાથે કામ કરે છે,

"તેઓ સમિતિની બેઠકમાં જે પણ કહે તે કંઈ તેમના અંગત અભિપ્રાયોની અભિવ્યક્તિ નથી હોતી, પરંતુ તેમણે એ પ્રયત્ન કરવાનો હોય છે કે પુતિન સામે અન્યોની હાજરીમાં તેમનું ખરાબ ના દેખાય."

આ બેઠક પરથી ખ્યાલ આવતો હોય છે કે કઈ રીતે વ્લાદિમીર પુતિન દરેક સભ્ય પર પોતાનું આગવું પ્રભુત્વ ધરાવે છે. તેઓ જાહેરમાં પણ તેમને ખખડાવી શકતા હોય છે અને લાંબા સમયની મૈત્રી છતાં તેમની તરફેણ થશે જ એવું જરૂરી નથી.

વિદેશ ગુપ્તચર તંત્રના વડા સરગે નારિશ્કિન પુતિનના અંગત મિત્ર છે અને લાંબો સમયથી તેમની સાથે કામ કરે છે, તેમ છતાં તેમણે એવું કહ્યું કે આ નવા પ્રાંતોને માન્યતા આપીએ તે પહેલાં 'પશ્ચિમના સાથીદારો'ને વધુ એક તક આપવી જોઈએ ત્યારે તેમણે પુતિનનો ઠપકો સાંભળવો પડ્યો હતો. તમે ચોખવટથી વાત કરો એવું પુતિને તેમને કહ્યું હતું.

આમ પુતિનની નારાજગીથી હચમચી ગયેલા નારિશ્કિન માટે પણ માન્યતા આપવાની બાબતમાં પોતાનું સમર્થન આપ્યા સિવાય છૂટકો નહોતો.

https://www.youtube.com/watch?v=EGRt0ERwxSE

રૉયલ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટના માર્ક ગેલિઓત્તી કહે છે, "આ બાબતમાં નારિશ્કિનની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી અને પુતિને તેમની ખરાબ હાલત કરી હતી. આ રીતે તેમણે જણાવ્યું કે તમે કોઈ સાથીઓ નથી, પણ બૉસના નોકર છો. તેઓ છેલ્લાં થોડા સમયથી જાહેરમાં ટિપ્પણી કરવા માટે જાણીતા થયા છે, પણ આ પ્રસંગ દર્શાવે છે કે ભૂતકાળમાં તમે સારું કામ કર્યું હોય તેથી તમને કોઈ રક્ષણ મળતું નથી."

સલામતી સમિતિના બીજા સભ્યોની આટલી ખરાબ હાલત નહોતી થઈ. આ બેઠકમાં 30 સભ્યોમાંથી આ સિવાય માત્ર સંરક્ષણમંત્રી શોઇગૂ અને વિદેશપ્રધાન લાવરોવ તથા FSBના વડા બોર્ત્નિકોવને જ બે વાર બોલવા મળ્યું હતું.

લાવરોવે કહ્યું કે રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવા જોઈએ, પરંતુ શોઇગૂ અને બોર્ત્નિકોવ બંનેએ આક્રમક અભિગમ દાખવ્યો હતો. તે બંનેએ કહ્યું કે રશિયા તરફી આ બંને પ્રાંતોને માન્યતા આપી દેવી જોઈએ.

આ બેઠક એ રીતે પણ અનોખી સાબિત થઈ કે તેની કામગીરીનું જીવંત પ્રસારણ રશિયન સ્ટેટ ટીવી પર થયું હતું. મોટા ભાગે સલામતી સમિતિની બેઠક ખાનગીમાં જ યોજાતી હોય છે.

સમિતિની કામગીરીનું જીવંત પ્રસારણ કરાયું હોવાનો દાવો થયો હતો, જોકે આ વાતમાં ઘણાને શંકા છે.

વીડિયોનું નિરીક્ષણ કરનારાઓનું કહેવું છે કે હાજર લોકોની ઘડિયાળનો સમય અને પ્રસારણનો સમય મળતો નહોતો.


અન્ય સલાહકારો

અબજપતિ બંધુઓ બોરિસ અને આક્રેડી રોટેનબર્ગ પણ પુતિનના અંગત મનાય છે.

સુરક્ષા એજન્સીના વડાઓ તથા વિદેશ પ્રધાન ઉપરાંત પુતિન અન્ય પણ કેટલાક લોકો સાથે અંગત ચર્ચાઓ કરે છે તેમ માનવામાં આવે છે.

રશિયન વહીવટીતંત્રના આ અગત્યના લોકો ઉપરાંત તંત્રની બહારના લોકો સાથે પણ તેઓ ચર્ચા કરતા હોવાનું મનાય છે.

રશિયન મીડિયામાં વારંવાર ચમકતા રાજકીય વિશ્લેષક યેવગેની મિન્શેન્કો વર્ષોથી રશિયાના અગ્રણીઓનો અભ્યાસ કરતા આવ્યા છે.

તેઓ નિયમિત વ્લાદિમીર પુતિનની નજીક કોણ છે તેનો અહેવાલ આપતા રહે છે. તેઓ પુતિનના અંગત વર્તુળને "પૉલિટબ્યૂરો 2.0" એવી રીતે ઓળખાવે છે. સોવિયેટ સામ્યવાદી શાસન વખતે પૉલિટબ્યૂરો નીતિ નિર્ધારણની બાબતમાં સૌથી અગત્યનો ગણાતો હતો.

2021માં છેલ્લે મિન્શેન્કોએ આપેલા અહેવાલ અનુસાર મૉસ્કોના મેયર સરગે સોબિયાનિન તથા રોશનેફ્કટ સ્ટેટ ઑઇલ કંપનીના વડા ઇગોર સેચિન પણ પુતિનની નજીક છે.

આ ઉપરાંત અબજપતિ બંધુઓ બોરિસ અને આક્રેડી રોટેનબર્ગ પણ પુતિનના અંગત મનાય છે. આ બંને તેમના બચપણના મિત્રો પણ છે.

રશિયા સામે પ્રતિબંધો જાહેર થયા તેમાં યુકે તરફથી જાહેર થયેલી યાદીમાં આ બંને ઉદ્યોગપતિઓનાં નામો પણ છે. 2020માં ફોર્બ્સ મૅગેઝિને તેમને રશિયાના સૌથી ધનિક પરિવાર તરીકે દર્શાવ્યા હતા.



https://www.youtube.com/watch?v=vMoRJ-wCrR0

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Ukraine crisis: Who is Putin listening to? Who are the people who can advise Putin?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X