અમેરિકાએ ફરીથી વર્ક પરમિટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા
અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે તાજેતરમાં પ્રવાસી શ્રમિકોના રોજગાર અધિકૃતતા દસ્તાવેજો (EAD) ના સ્વતઃ વિસ્તરણને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી હજારો વિદેશી કર્મચારીઓ ખાસ કરીને ભારતીયો જેઓ અમેરિકાના શ્રમબળનો એક મોટો હિસ્સો છે, તેમના પર ગંભીર અસર થવાની સંભાવના છે.
વિભાગ દ્વારા બુધવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જે એલિયન્સ (અપ્રવાસીઓ) ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ અથવા તે પછી તેમના EAD ના નવીકરણ માટે અરજી કરશે, તેમને હવે સ્વયંસંચાલિત વિસ્તરણનો લાભ મળશે નહીં. જોકે, આ નિયમ ૩૦ ઓક્ટોબર પહેલા સ્વતઃ લંબાવવામાં આવેલા EAD ને લાગુ પડશે નહીં.

ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ નવો નિયમ જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સ્ક્રીનીંગ અને પરીક્ષણને પ્રાધાન્ય આપે છે. આ નિર્ણય બાઈડન વહીવટીતંત્રના અગાઉના નિયમને રદ કરે છે, જેમાં અપ્રવાસીઓને તેમની વર્ક પરમિટ સમાપ્ત થયા બાદ પણ ૫૪૦ દિવસ સુધી અમેરિકામાં કામ કરવાની છૂટ આપવામાં આવતી હતી.
અગાઉના નિયમ હેઠળ, આ સુવિધાનો લાભ લેવા માટે સમયસર નવીકરણ અરજી ફાઇલ કરવી, EAD શ્રેણી સ્વતઃ નવીકરણ માટે પાત્ર હોવી, અને ઇમિગ્રન્ટની વર્તમાન EAD શ્રેણી રસીદ સૂચના પર સૂચિબદ્ધ "પાત્રતા શ્રેણી" અથવા "વિનંતી કરેલ શ્રેણી" સાથે મેળ ખાતી હોવી જરૂરી હતી.
અમેરિકી ગૃહ સુરક્ષા વિભાગે જણાવ્યું છે કે આ નિયમના કેટલાક મર્યાદિત અપવાદો છે. તેમાં કાયદા દ્વારા અથવા સંઘીય રજિસ્ટર નોટિસ દ્વારા TPS-સંબંધિત રોજગાર દસ્તાવેજો માટે આપવામાં આવેલ સમયગાળાના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ફેરફાર પ્રવાસી કામદારોના બેકગ્રાઉન્ડની વારંવાર સમીક્ષા કરવાની પ્રક્રિયાને પણ સમાવે છે.
સરકાર માને છે કે આ પગલાં અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાને છેતરપિંડી રોકવામાં અને સંભવિત હાનિકારક ઇરાદા ધરાવતા વિદેશીઓને ઓળખવામાં મદદ કરશે. વિભાગના નિવેદનમાં જણાવાયું છે કે, કોઈ વિદેશી EAD રિન્યુઅલ એપ્લીકેશન દાખલ કરવામાં જેટલો વધુ સમય લેશે, તેટલી જ તેના રોજગાર અધિકૃતતા કે દસ્તાવેજોમાં અસ્થાયી ચૂક થવાની શક્યતા વધી જશે.
EAD (ફોર્મ I-766/EAD) એ અમેરિકામાં ચોક્કસ સમય માટે કામ કરવા માટે વ્યક્તિ અધિકૃત છે તેનો પુરાવો છે. કાયમી નિવાસીઓ માટે EAD માટે અરજી કરવાની જરૂર નથી, કારણ કે ગ્રીન કાર્ડ (ફોર્મ I-551, કાયમી નિવાસી કાર્ડ) પોતે જ રોજગાર અધિકૃતતાનો પુરાવો છે. બિન-ઇમિગ્રન્ટ સ્ટેટસ (H-1B, L-1B, O, અથવા P) ધરાવતા વ્યક્તિઓને પણ આ દસ્તાવેજની જરૂર પડતી નથી.












Click it and Unblock the Notifications
