ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી બફાટ, વધુ એક વખત ભારતને ધમકી આપી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે ફરી કડક વલણ અપનાવ્યું છે. વેનેઝુએલા પરની કાર્યવાહી બાદ ચર્ચામાં આવેલા ટ્રમ્પે ભારતને વેપાર મોરચે સીધી ચેતવણી આપી કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે તો આયાત શુલ્ક (ટેરિફ)માં વધારો થઈ શકે છે.
જો કે, ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સારા માણસ ગણાવી વ્યક્તિગત પ્રશંસા કરી, છતાં રાષ્ટ્રીય હિતોમાં કોઈ છૂટછાટ ન આપવાનો સ્પષ્ટ સંકેત આપ્યો.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના રશિયા સાથેના તેલ વેપારને અમેરિકા માટે ચિંતાનો વિષય ગણાવ્યો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી જાણતા હતા કે તેઓ આ સોદાથી ખુશ નહોતા. ટ્રમ્પે ચેતવણી આપી કે, જો ભારત રશિયા પાસેથી તેલ આયાત ઘટાડશે નહીં તો ટૂંક સમયમાં ટેરિફ વધારી દેવાશે. આ વ્યૂહરચના ભારતને રશિયાથી દૂર કરી અમેરિકી ઊર્જા બજાર તરફ વાળવાનો પ્રયાસ છે.
આ પહેલા ઓગસ્ટ 2025માં ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર 50%નો મોટો ટેરિફ લાદ્યો હતો. વિવાદનું મુખ્ય કારણ ટ્રમ્પની એવી ઈચ્છા છે કે ભારત તેના ડેરી અને કૃષિ ક્ષેત્રો અમેરિકી કંપનીઓ માટે સંપૂર્ણપણે ખોલે. જો કે, ભારત પોતાની સ્થાનિક અર્થવ્યવસ્થા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા મક્કમ છે. આ ખેંચતાણને લીધે બંને દેશો વચ્ચેની લાંબા સમયથી પ્રસ્તાવિત વેપાર સંધિ પણ અધ્ધરતાલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ચેતવણીએ ભારત-અમેરિકાના રાજદ્વારી વર્તુળોમાં તણાવ વધાર્યો છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર છે. અમેરિકી વહીવટીતંત્ર માને છે કે ભારત સસ્તા રશિયન તેલ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને ફાયદો પહોંચાડી રહ્યું છે, જે અમેરિકાના ભૌગોલિક-રાજકીય હિતોની વિરુદ્ધ છે.
ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે વ્યક્તિગત મિત્રતા હોવા છતાં વેપાર યુદ્ધ અને ટેરિફ જેવા મુદ્દાઓએ આ સંબંધોની કસોટી કરવાનું શરૂ કર્યું છે. ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા (Strategic Autonomy) જાળવીને અમેરિકી દબાણ વચ્ચે કેવી રીતે સંતુલન સાધે છે, તે જોવું રસપ્રદ રહેશે.












Click it and Unblock the Notifications
