US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક
US-Iran War: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ અમેરિકાએ ઈરાન પર મોટા હુમલા શરૂ કરી દીધા છે. મળતી માહિતી મુજબ, તેહરાન અને શિરાજ જેવા અગ્રણી શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ઉત્તરી અરબી સમુદ્રમાં તૈનાત અમેરિકી નૌકાદળના જહાજો પરથી છોડવામાં આવેલી ટોમહોક મિસાઈલોએ ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન શરતો નહીં માને તો આખા દેશની પાવર ગ્રીડ અને બ્રિજ નેટવર્કને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે.
અમેરિકી નૌકાદળના 'અર્લે બર્ક-ક્લાસ' ડિસ્ટ્રોયર્સે તેહરાનના સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ ગોળીબાર કર્યો છે. શિરાજમાં ઈરાની 'ઈન્ટેલિજન્સ મિનિસ્ટ્રી'ના ઠેકાણાઓ પર પણ સચોટ બોમ્બમારો થયાના અહેવાલ છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કુવૈત તરફથી લગભગ 30 મિસાઈલોએ ઈરાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી મહત્વના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે. આ હુમલાઓથી ઈરાનની રાજધાનીમાં અફરાતફરીનો માહોલ છે અને ઘણી સરકારી ઈમારતો સળગી ગઈ હોવાની માહિતી મળી છે.

આ વખતે અમેરિકાની વ્યૂહરચના ઈરાનની કમર તોડવાની છે. હુમલામાં માત્ર સૈન્ય મથકો જ નહીં, પરંતુ રેલવે બ્રિજ અને પરિવહનના મુખ્ય માર્ગોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ અને પુલોને કાટમાળમાં ફેરવી શકે છે. તેમનો હેતુ ઈરાનની સપ્લાય લાઇન અને વીજ વ્યવસ્થાને સંપૂર્ણપણે ઠપ કરવાનો છે જેથી તેઓ વાતચીતના ટેબલ પર ઝૂકવા મજબૂર થઈ જાય.
ખાર્ગ આઈલેન્ડ પર પણ એટેક
રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના ખાર્ગ આઈલેન્ડ (Kharg Island) પર ભારે હવાઈ હુમલા કર્યા છે. આ ટાપુ ઈરાનનું સૌથી મોટું તેલ નિકાસ હબ છે, જ્યાંથી દેશના લગભગ 90% કાચા તેલની નિકાસ થાય છે.
હુમલામાં આઈલેન્ડના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મિસાઈલ સ્ટોરેજ અને નૌકાદળની સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે. અમેરિકી દાવા મુજબ ત્યાંના સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે. ખાર્ગની સાથે કાશાન રેલવે, યાહ્યા આબાદ બ્રિજ અને કોમના મહત્વના પુલોને પણ નષ્ટ કર્યાના અહેવાલ છે, જેનાથી ઈરાનની રશદ (સપ્લાય) અને અર્થતંત્ર પર ઊંડું સંકટ મંડરાઈ રહ્યું છે.
ટ્રમ્પની 24 કલાકની અંતિમ ચેતવણી
વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવતા કહ્યું કે ઈરાન પાસે હવે સમય પૂરો થઈ ગયો છે. તેમણે મંગળવારે રાત્રે 8 વાગ્યે (અમેરિકી સમય મુજબ)ની સમયસીમા નક્કી કરી હતી. ટ્રમ્પે કહ્યું કે "આખા દેશને એક જ રાતમાં ખતમ કરી શકાય છે." તેમના જણાવ્યા અનુસાર, અમેરિકાએ પૂરતો સમય અને તક આપી હતી, પરંતુ ઈરાન દ્વારા 45 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને ઠુકરાવ્યા બાદ આ પગલું ભરવું પડ્યું છે.
ઈરાનનું વલણ અને વૈશ્વિક પ્રભાવ
ઈરાને હાલમાં કોઈ પણ કરાર કરવાનો ઈનકાર કરતા યુદ્ધને કાયમી ધોરણે ખતમ કરવાની માંગ કરી છે. તેહરાનનું કહેવું છે કે તેઓ કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં. આ સૈન્ય કાર્યવાહીએ આખી દુનિયાને ડરાવી દીધી છે કારણ કે તેનાથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ શકે છે અને યુદ્ધનો વ્યાપ વધી શકે છે. જો આ હુમલા ચાલુ રહેશે, તો આવનારા થોડા જ કલાકોમાં ઈરાનનું આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર 'કમ્પ્લીટ ડિમોલિશન' (સંપૂર્ણ વિનાશ)ની કગાર પર પહોંચી શકે છે.












Click it and Unblock the Notifications
