For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેન પર હુમલો કરનારા રશિયાના રાષ્ટ્રપતિને તમે કેટલા ઓળખો છો?

વ્લાદિમીર પુતિન : યુક્રેન પર હુમલો કરનારા રશિયાના રાષ્ટ્રપતિને તમે કેટલા ઓળખો છો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

"50 વર્ષ પહેલાં લેનિનગ્રાન્ડની ગલીઓમાં હું એક નિયમ શીખ્યો હતો. જો તમને લાગે કે હિંસા થવાની જ છે, તો પહેલો મુક્કો તમે મારો." ઑક્ટોબર-2015માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ વાત કહી હતી.

પુતિન જૂડોમાં બ્લૅક બૅલ્ટ છે. કુટિલતા તથા આક્રમકતા અને માર્શલ આર્ટના આ ખેલની બે ખૂબી તેમનામાં સવિશેષ જોવા મળે છે.

પુતિન જૂડોમાં બ્લૅક બૅલ્ટ છે

ગુરુવારે તેમણે યુક્રેનના દૉનબાસ પ્રાંતમાં સૈન્ય અભિયાનને મંજૂરી આપી દીધી. અમેરિકા અને પશ્ચિમી દેશો પુતિનના આ નિર્ણયથી હતપ્રભ થઈ ગયા.

જોકે, પુતિને આવું પ્રથમ વખત નથી કર્યું. 2014માં તેમણે ક્રિમિયાને પોતાની સાથે ભેળવી દીધું હતું, સીરિયામાં બળવાખોરોની ઉપર હવાઈ હુમલા કર્યા, ત્યારે પણ પશ્ચિમી દેશોને ગાઠ્યા ન હતા.

અમેરિકા તથા પશ્ચિમી દેશોએ રશિયાની બૅન્કો, કંપનીઓ, રાજદ્વારીઓ તથા સૈન્ય અધિકારીઓ ઉપર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી, છતાં પુતિનને અટકાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

પુતિને રશિયાની ગુપ્તચર એજન્સી કેજીબીના જાસૂસ તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે. છતાં તેઓ પોતાના પરિવારની અંગત જિંદગી ઉપર પડદો રાખવામાં સફળ રહ્યા છે.


લેનિનગ્રાડથી મૉસ્કો વાયા જર્મની

https://www.youtube.com/watch?v=o_U9r3SwIrc

વ્લાદિમીરનો ઉછેર લૅનિનગ્રાડ (હાલના સેન્ટ પિટ્સબર્ગ)ના સામૂહિક વિસ્તારમાં થયો હતો. અહીં મોટી ઉંમરના તથા વધુ તાકતવાળા છોકરાઓ સાથે વારંવાર માથાકૂટ થતી. આથી તેઓ જૂડો શીખ્યા.

સત્તાવાર વેબસાઇટ ઉપર જણાવ્યા પ્રમાણે, વ્લાદિમીર નાનપણથી જ ગુપ્તચર તંત્રમાં કામ કરવા માગતા હતા. આ અંગેનો નિર્ધાર તેમણે શાળાકાળ દરમિયાન જ કરી લીધો હતો, એટલે જ કાયદાનો અભ્યાસ કરીને કેજીબીમાં જોડાઈ ગયા.

ડિસેમ્બર-1989માં જર્મનીની દીવાલના પતન પછી દેરસ્દનમાં પૂર્વ જર્મનીની ગુપ્તચરસંસ્થાના મથક પર લોકોનું એક ટોળું ધસી ગયું. તેઓ ઇમારત પર કબજો કરી કરવા માગતા હતા.

આ સમયે રશિયાના એક સૈન્ય અધિકારી આવ્યા અને કહ્યું, "બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ ન કરશો. મારા સાથીઓ પાસે હથિયાર છે અને કટોકટીના સમયમાં હથિયાર વાપરવાની તેમને છૂટ છે." અધિકારીની ચીમકીની અસર થઈ અને ભીડ વિખેરાઈ ગઈ. આ અધિકારી એટલે પુતિન. વિદેશમાં આ તેમનું પ્રથમ પોસ્ટિંગ હતું.

જર્મનીમાં કામ કરતા હતા ત્યારે તેમનો સૈન્ય હોદ્દો મેજરનો હતો, એ અરસામાં જ તેમને લેફટનન્ટ કર્નલ તરીકે બઢતી મળી. પુતિનને તેમની સેવાઓ બદલ પૂર્વ જર્મનીએ સન્માનિત કર્યા હોવાનો પણ સત્તાવાર રીતે દાવો કરવામાં આવે છે.

સોવિયેટ સંઘની જાસૂસી સંસ્થા કેજીબીમાં પુતિને 16 વર્ષ સુધી કામ કર્યું હતું. આ ગાળા દરમિયાન તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ માટે તેમણે કેજીબીમાંથી રાજીનામું આપ્યું હતું.

રાજકારણમાં તેમના પ્રવેશ બાદ 1999માં તેમને વચગાળાના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા અને ચાર જ મહિના પછી ચૂંટણીમાં પુતિન પૂર્ણ સમયના પ્રમુખ તરીકે સત્તા પર બેસી શક્યા.

ત્યારથી તેઓ સત્તા પર છે અને 1953માં અવસાન પામેલા સોવિયેટ નેતા જોસેફ સ્ટાલિન પછી સૌથી વધુ સમય પ્રમુખપદે રહેનારા નેતા બન્યા છે.

ગત વર્ષે એપ્રિલમાં બંધારણમાં સુધારો કરીને વિવાદિત સ્થિતિમાં રાષ્ટ્રીય મતદાન કરવામાં આવ્યું હતું અને તેમાં 2024માં તેમની પ્રમુખ તરીકેની ચોથી મુદત પૂરી થાય તે પછી પણ તેમને લાંબો સમય સત્તામાં રહેવાની તક મળી ગઈ છે.

આના કારણે હાલમાં 69 વર્ષના પુતિન 2036 સુધી સત્તામાં રહી શકે છે. આ સિવાય તેમને કાયદા દ્વારા સુરક્ષા મળી છે. જે મુજબ તેમની કે તેમના પરિવારની સામે પોલીસ ફરિયાદ દાખલ નહીં થઈ શકે કે કાયદેસરની કાર્યવાહી નહીં થઈ શકે.

પુતિનના ટીકાકારો કહે છે કે તેમણે સોવિયેટ સંઘના સમયમાં પોતાને જે રીતે તૈયાર કર્યા હતા, તેવી રીતે જ તેઓ અત્યારે પ્રમુખ બનીને કામ કરી રહ્યા છે.

લંડનની કિંગ્સ કૉલેજના વૉર સ્ટડીઝના પ્રોફેસર નતાશા કુહર્ટે આ પહેલાં બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "દસ વર્ષ પહેલાં તેઓ એવું કહેતા હતા કે રશિયાએ પોતાને સૌ માટે આકર્ષક દેશ બનવાની જરૂર છે. તે માટે પોતાના સૉફ્ટ પાવરનો ઉપયોગ કરવાની જરૂર છે. "

"પણ હવે તેઓ બદલાઈ ગયા છે. હવે મૉસ્કોમાં એવી વાત કોઈ નથી કરતું કે આપણે વિશ્વ માટે આકર્ષક બનવું જોઈએ. તેઓ રશિયાને આંતરરાષ્ટ્રીય ફલક પર એક ખેલાડી તરીકે જોવા માગે છે. તેઓ ઇચ્છે છે કે દુનિયા રશિયાને સ્વીકારે અને તેમની વાત સાંભળવામાં આવે. તમે વ્યૂહાત્મક રીતે જુઓ તો પુતિને જે ધાર્યું હતું તે પ્રાપ્ત કરી લીધું છે ખરું."

પુતિનની રાજકીય શક્તિને રશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બૉરિસ યેલ્તસિને પીછાણી હતી અને તેમને આંતરિક સુરક્ષા સેવાના વડા બનાવ્યા હતા. 1999માં યેલ્તસિને પદ પરથી રાજીનામું આપ્યું એ પછી પુતિનને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવ્યા. અહીંથી પુતિન તથા રશિયાના એક નવા યુગની શરૂઆત થઈ.


રશિયા, પુતિન અને પરિવર્તન

ગોર્બાચેવે 25 ડિસેમ્બર 1991નો રોજ રાજીનામું આપી દીધું હતું. નવા ચૂંટાયેલા પ્રમુખ બોરિસ યેલ્તસિનને તેમણે સત્તા સોંપી દીધી હતી

ગોર્બાચેવે 25 ડિસેમ્બર 1991નો રોજ રાજીનામું આપી દીધું હતું. નવા ચૂંટાયેલા પ્રમુખ બોરિસ યેલ્તસિનને તેમણે સત્તા સોંપી દીધી હતી. આ પહેલાં તેમની કોર ટીમે રશિયાના વિઘટનની યોજના ઘડી કાઢી હતી.

એ જ રાત્રે ક્રૅમલિન પર ફરકતાં હથોડાના ચિહ્ન સાથેના સોવિયેટ ધ્વજને ઉતારી લેવાયો હતો અને તેની જગ્યાએ રશિયાનો ધ્વજ લહેરાવા લાગ્યો હતો. બીજા દિવસે સુપ્રીમ સોવિયેટ સંઘ સાથે જોડાયેલાં ગણરાજ્યોની સ્વાધીનતાનો સ્વીકાર કરીને સત્તાવાર રીતે યુએસએસઆરને વિખેરી નાખ્યું.

આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાનો પ્રભાવ ઘટ્યો અને મૉસ્કોના વર્ચસ્વ હેઠળ રહેનારા પૂર્વ યુરોપના દેશોમાં પણ હવે નેટોનો પ્રવેશ થવા લાગ્યો હતો. અમેરિકા તથા પશ્ચિમી દેશો રશિયાને 'મહાસત્તા' તરીકે નહોતા જોતા.

સોવિયેટ સંઘના વિઘટન પછીના રૂબલનું મૂલ્ય ગગડી ગયું. આ સમયગાળા દરમિયાન વધારાની આવક રળવા માટે તેમણે ટૅક્સી ડ્રાઇવર તરીકે કામ કરવું પડ્યું હતું અને પશ્ચિમી સહેલાણીઓને ફેરવવા લઈ જતા.

આથી જ 2000ની સાલમાં પ્રચંડ બહુમતી સાથે રશિયામાં સત્તા પર આવ્યા પછી પુતિને સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા અને નેટોના સાથી દેશો દ્વારા અપમાન વર્ષો સુધી સહન કર્યાં પછી તેઓ હવે રશિયાને ફરીથી મહાસત્તા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ યુએસએસઆરના વિઘટનને ભૂલી નથી શક્યા.

આજે રશિયા દુનિયાનો સૌથી વિશાળ દેશ છે, જેનું ક્ષેત્રફળ 1.7 કરોડ ચોરસ કિલોમિટર છે. રશિયા રોજનું 10.27 લાખ બેરલ ખનીજ તેલનું ઉત્પાદન કરે છે અને તે રીતે અમેરિકા પછી બીજા નંબરનું સ્થાન ધરાવે છે.

સૌથી વધુ પરમાણુ શસ્ત્રોની બાબતમાં પણ તે 6,375 સાથે અમેરિકા પછી બીજા નંબરે છે. સંરક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ કરનારા દેશોમાં રશિયા ટોચના પાંચ દેશોમાં સામેલ છે.

રશિયાએ પોતાના સંરક્ષણ પાછળ 66,840 મિલિયન અમેરિકન ડૉલરનો (વર્ષ 2020માં) ખર્ચ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી સભ્ય તરીકે રશિયા પાસે વીટો પાવર પણ છે.

રશિયન બાબતોનાં જાણકાર મીરા મિલસેવિકના કહેવા પ્રમાણે, "પુતિન પોતાને રશિયાના મસીહા તરીકે જુએ છે, કેમ કે 1990ના દાયકામાં દેશમાં લોકતંત્ર માટેના પ્રયાસો નિષ્ફળ ગયા તે પછી રશિયાનું પતન થઈ રહ્યું હતું અને દેશ દેવાળિયો બનવા તરફ જઈ રહ્યો હતો. પુતિને રશિયાને બચાવી લીધું અને તેને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની રાજકીય ભૂમિકામાં મૂકી આપ્યું."

સીરિયામાં રશિયાની સૈન્યદખલ અંગે કહ્યું હતું કે રશિયામાં તમે ઉગ્રપંથીના હુમલાની રાહ જુઓ એના બદલે સીરિયામાં જઈને તેમની સાથે લડો.


પુતિનનો પરિવાર

પુતિન પોતાનાં બાળકો વિશે બહુ થોડી વાત કરે છે અને તેમની આસપાસ ગુપ્તતાનો પડદો જાળવી રાખે છે.

દીકરીઓનાં બાળકો સામાન્ય બાળપણ જીવી શકે તે માટેની ખાસ કાળજી રાખવામાં આવે છે. કહેવાય છે કે તેમની બંને દીકરીઓ મૉસ્કોમાં રહે છે અને વિજ્ઞાન તેમજ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તેઓ રાજકારણમાં કોઈ પણ પ્રકારની દખલ દેતાં નથી.

પુતિને 1983મા લ્યૂડમીલા પુતિન સાથે લગ્ન કર્યાં હતાં. મારિયા અને યેકાતેરીનાને લ્યૂડમીલાનાં દીકરી કહેવામાં આવે છે. વર્ષ 2013 અથવા 2014માં બંને અલગ થઈ ગયાં. પોતાનાથી ખૂબ જ નાની ઉંમરની રશિયન ઍથ્લીટ સાથે સંબંધની ચર્ચા ચાલી હતી, પરંતુ એ સંબંધોને કોઈ ઔપચારિક માન્યતા મળી નથી.

લ્યૂડમીલા લાઇમલાઇટથી દૂર જ રહે છે. જોકે, રશિયાનાં પ્રથમ મહિલા તરીકે તેમણે અનેક વિદેશપ્રવાસ કર્યા છે. તે વર્ષ 2004માં રાષ્ટ્રપતિ પુતિનની સાથે ભારત પ્રવાસ પર પણ આવ્યાં હતાં. બંને તાજમહલ જોવા માટે પણ ગયાં હતાં.


'નામ'ની ચૂંટણી

સપ્ટેમ્બર-2021માં રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો હતો

સપ્ટેમ્બર-2021માં રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો હતો. આગલી ચૂંટણીની સરખામણીએ તેમના સમર્થનમાં થોડો ઘટાડો થયો હોવા છતાં સરકારમાં તેમનું પુનરાગમન થયું, ત્યારથી જ માનવામાં આવતું હતું કે તેઓ યુક્રેન મુદ્દે કોઈ નિર્ણય લેશે.

સંસદીય ચૂંટણીમાં મોટા ભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે. પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને લગભગ 50 ટકા મત મળ્યા છે.

પાછલી ચૂંટણીની સરખામણીએ પાર્ટીને મળેલા મતોમાં ઘટાડો થયો છે. વર્ષ 2016માં પુતિનની પાર્ટીને 54 ટકા મત મળ્યા હતા.

રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકારોને ચૂંટણીમાં ભાગ ન લેવા દેવાયો. ચૂંટણી દરમિયાન ગોટાળાના પણ અહેવાલો સામે આવ્યા હતા. બીજા નંબર પર રહેલી કૉમ્યુનિસ્ટ પાર્ટીને 19 ટકા મત મળ્યા, કૉમ્યુનિસ્ટ પાર્ટીના મત આઠ ટકા વધ્યા છે.

વિપક્ષી નેતા એલેક્સી નવેલનીને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, છતાં તેમના સમર્થનમાં આખા રશિયામાં અનેક રેલીઓ કાઢવામાં આવી હતી. કથિત રીતે રશિયાના જાસૂસોએ નર્વ એજન્ટથી તેમનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જર્મનીમાં તાત્કાલિક ઉત્તમ સારવાર મળતાં તેઓ બચી જવા પામ્યા હતા.

ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના આરોપ થયા, પરંતુ રશિયાના ચૂંટણીપંચે આ આરોપોને ફગાવી દીધા હતા. કથિત રીતે રાષ્ટ્રપતિ પુતિનના સત્તા પર આવ્યા બાદ રશિયામાં ચૂંટણીઓ દેખાડા પૂરતી જ રહી ગઈ છે, કારણ કે દેશનાં રાજકીય સમીકરણો પર તેની કોઈ અસર નથી પડતી.

ફૂટર


https://youtu.be/2tRqIE-yXNg

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Vladimir Putin: How well do you know the Russian president who invaded Ukraine?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X