
"ભારત કોઇની વાત સાંભળવાની સ્થિતિમાં નથી", PCBની ધમકી પર અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ
ભારતના રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સ્ટેન્ડ પર પ્રતિક્રિયા આપી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી હતી કે ભારત આવતા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય, પરંતુ આ સ્પર્ધા તટસ્થ સ્થળે યોજાશે. જેના જવાબમાં પીસીબીએ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. આ તમામ બાબતો વિશે વાત કરતાં ઠાકુરે કહ્યું કે ભારત એવી સ્થિતિમાં નથી કે જ્યાં તે કોઈની વાત આટલી સાંભળે.

ભારત કોઇની વાત સાંભળવાની સ્થિતિમાં નહી
રમત ગમત મંત્રીનું કહેવું છે કે ODI વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે. પાકિસ્તાન સહિત અન્ય દેશોને સારા વાતાવરણમાં આમંત્રિત કરવામાં આવશે અને ટૂર્નામેન્ટ શિડ્યુલ મુજબ ચાલશે. અનુરાગ ઠાકુરે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ દરમિયાન એક ઈવેન્ટમાં આ વાત કહી હતી. ઠાકુરે કહ્યું કે આ બીસીસીઆઈનો મામલો છે અને તે આ મામલે નિવેદન આપશે. ભારત રમતગમતનું પાવર હાઉસ છે જ્યાં ઘણા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છેકે ભારતમાં આવતા વર્ષે ODI વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે અને તેમાં તમામ ટીમો ભાગ લેશે. કોઈપણ રમતમાં ભારતની અવગણના કરી શકાય નહીં. ભારતે રમત-ગમત ઘણુ યોગદાન આપ્યુ છે, ખાસ કરીને ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે.

આ ફક્ત ક્રિકેટની વાત નથી
BCCI સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ પણ છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરીએ. અહીં નોંધનીય બાબત એ છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી વિશ્વની સૌથી મોટી ટીમ પાકિસ્તાન આવી રહી છે અને ક્રિકેટ રમી રહી છે.આવતા વર્ષે વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે અને તે એક ઐતિહાસિક અને ભવ્ય ઈવેન્ટ હશે. ગૃહ મંત્રાલય નિર્ણય લેશે કારણ કે પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતાઓ છે. તે માત્ર ક્રિકેટની વાત નથી પરંતુ ભારત અન્ય કોઇ વાતે પણ બીજાનુ સાંભળે તેવી સ્થિતિમાં નથી.

પાકિસ્તાને કડક વલણ અપનાવ્યુ
પાકિસ્તાન તરફથી ઘણા લોકોએ કડક વલણ અપનાવ્યું છે. તેમનુ કહેવુ છેકે ભારતને અહીં આવીને રમવામાં શું તકલીફ છે. પાકિસ્તાને હાલમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવાનો ઇનકાર કરવાની ચાલ ચલી છે, પરંતુ બંને ક્રિકેટર દેશો વચ્ચેની વાતચીત ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો