IND-W vs AUS-W: ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય મહિલા ટીમે 2-1થી જીતી સીરિઝ
IND-W vs AUS-W: ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝના ત્રીજા મુકાબલામાં ભારતીય બેટર્સનો દબદબો જોવા મળ્યો હતો. ઓપનર સ્મૃતિ મંધાનાની આક્રમક ઈનિંગ અને જેમિમા રોડ્રિગ્સની અડધી સદીની મદદથી ભારતે કાંગારૂ ટીમ સામે જીતવા માટે 177 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતે આ મેચ જીતીને ત્રણ મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મક્કમ રહી હતી, પરંતુ શેફાલી વર્મા (7 રન) જલ્દી પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ સ્મૃતિ મંધાનાએ મોરચો સંભાળ્યો અને ઓસ્ટ્રેલિયન બોલરોની બરાબરની ક્લાસ લીધી હતી. મંધાનાએ માત્ર 55 બોલમાં 82 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઈક રેટ 149થી વધુનો રહ્યો હતો, જેણે ભારતને મોટા સ્કોર તરફ આગળ વધાર્યું હતું.
બીજા છેડે જેમિમા રોડ્રિગ્સે મંધાનાને શાનદાર સાથ આપ્યો હતો. જેમિમાએ સમજદારીપૂર્વક બેટિંગ કરતા 46 બોલમાં 59 રન બનાવ્યા હતા. પોતાની આ ઈનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા અને મંધાના સાથે મળીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. આ બંનેની ભાગીદારીએ જ ભારતને 170 રન પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નિચલા ક્રમમાં રિચા ઘોષે નાની પણ અત્યંત વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે માત્ર 7 બોલમાં 18 રન (2 ચોગ્ગા, 1 છગ્ગો) ફટકારીને રન રેટ તેજ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌર 2 રન બનાવી અણનમ રહી હતી. જોકે, અંતિમ ઓવરોમાં તાલેમેલના અભાવે ભારતે અમનજોત કૌર (1) અને દીપ્તિ શર્મા (1) ના રૂપમાં બે રન-આઉટ પણ ગુમાવ્યા હતા.
જવાબી ઈનિંગમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર બેથ મૂની 6 અને જ્યોર્જિયા વોલ 10 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ પરત ફરી હતી. ત્યારબાદ ફોબી લિચફિલ્ડે થોડીવાર ટકીને બેટિંગ કરતા 26 રનની ઈનિંગ રમી હતી, પરંતુ એલિસ પેરી માત્ર 1 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.
વિકેટો પડવા વચ્ચે એશ્લે ગાર્ડનરે પોતાની તરફથી પૂરો પ્રયાસ કરતા રન બનાવવાનું ચાલુ રાખ્યું અને શાનદાર અડધી સદી ફટકારી હતી. તે 45 બોલમાં 57 રનની ઈનિંગ રમીને આઉટ થઈ ગઈ હતી. અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 9 વિકેટે 159 રન જ બનાવી શકી અને ટીમ ઈન્ડિયાએ 17 રને વિજય મેળવ્યો હતો. શ્રેયંકા પાટિલ અને શ્રી ચરણીએ 3-3 વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
