
IPL Auction 2022 : હર્ષલ પટેલ એ ગુજરાતી પ્લેયર જેમણે ક્રિકેટ માટે અમેરિકન ડ્રીમ છોડ્યું, RCB એ 10.75 કરોડમાં ખરીદ્યા
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 15મી સિઝન માટે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયામાં ભારતના ઑલ-રાઉન્ડર હર્ષલ પટેલને રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર(આરસીબી) દ્વારા 10.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે.
Click here to see the BBC interactive
એનડીટીવીના અહેવાલ મુજબ હર્ષલ પટેલ માટે આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હરાજીમાં હોડ લાગી હતી.
હર્ષલ પટેલની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા હતી અને તેમની હરાજી શરૂ થતાની સાથે જ બોલી આઠ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. અંતે હર્ષલ પટેલ પર અંતિમ બોલી આરસીબીએ લગાવી હતી.
હર્ષલ પટેલે ગત વર્ષે આઈપીએલમાં સૌથી વધુ 32 વિકેટ લઈને આઈપીએલના રેકૉર્ડની સરસાઈ કરી હતી. આ પર્ફૉર્મેન્સ બાદ તેમને 31 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.
આઈપીએલની પ્રથમ દિવસની હરાજીમાં હર્ષલ પટેલ આરસીબીએ ખરીદલા ખેલાડીઓમાં શ્રીલંકાના વાનિન્ડુ હસરંગા સાથે સૌથી વધુ મોંઘા ખેલાડી બન્યા.
હર્ષલ પટેલ અમદાવાદના એ વિસ્તારોમાંથી આવે છે જેણે ગુજરાતને અને ભારતને ઘણી પ્રતિભાઓ મળી છે.
અમદાવાદમાં દરિયાપુર વિસ્તાર એટલે એક જમાનામાં તોફાની વિસ્તારની છાપ ધરાવે. એવો પણ સમય હતો જ્યારે શહેરમાં કંઈક પણ નાનું-મોટું છમકલું થાય એટલે સૌપ્રથમ કર્ફ્યુ જાહેર થાય, તો તેમાં ખાડિયા અને દરિયાપુરનાં નામ હોય.
જોકે આ જ વિસ્તારોમાંથી અમદાવાદને, ગુજરાતને અને ભારતને ઘણી પ્રતિભાઓ મળી છે. આવી જ એક પ્રતિભા એટલે હર્ષલ પટેલ.
ક્રિકેટનું સપનું પૂરું કરવા અમેરિકન ડ્રીમ છોડ્યું
અમદાવાદમાં રહેતા હર્ષલે તેમનું ક્રિકેટનું સપનું પૂર્ણ કરવા માટે, 'અમેરિકન ડ્રીમ્સ'ને તિલાંજલિ આપી દીધી હતી.
ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી આ નામ ચર્ચામાં આવ્યું છે. ચાહે તે આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) હોય કે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય.
તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ પણ થયા અને નવેમ્બર 2021 માં ન્યૂઝીલૅન્ડ સામે ટી-20 મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.
ન્યૂઝલૅન્ડ સામે ભારતીય ટીમ માટે રમેલી બે ટી-20 મૅચમાં તેમણે 7.28ની સરેરાશ પર ચાર વિકેટ લીધી હતી.
સ્ટાર સ્પોર્ટ્સ મુજબ 2018માં હર્ષલ પટેલને દિલ્હી કૅપિટલ્સ દ્વારા 20 લાખ રૂપિયાના બેઝ પ્રાઇઝ પર ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલ 2021 સીઝનમાં તેમને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને ટ્રેડ કરવામાં આવ્યા હતા.
1990માં જન્મેલા હર્ષલ પટેલ બાળપણથી જ અમદાવાદમાં સ્થાનિક ક્રિકેટ રમ્યા અને ત્યાર બાદ ગુજરાતની ટીમ માટે અંડર-15થી અંડર-19માં રમ્યા. તેઓ ભારતની અંડર-19 ટીમ સાથે સાઉથ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ અને કેન્યાનો પ્રવાસ ખેડી ચૂક્યા હતા.
લગભગ 2009-10ની આસપાસની. એ વખતે હર્ષલનો પરિવાર અમેરિકા ગયો અને સાથે હર્ષલને પણ લઈ ગયા, પરંતુ એ જ ગાળામાં હર્ષલ એક ઉભરતા ક્રિકેટર હતા અને તેને તો આ જ રમતમાં પોતાની કારકિર્દી ઘડવી હતી.
લગભગ દોઢેક દાયકા અગાઉ હર્ષલ પટેલના પિતા વિક્રમભાઈ અમેરિકા ગયા. શરૂઆતમાં તો તેઓ દીકરાને પણ સાથે લઈ જવા માગતા હતા, પરંતુ જેને ક્રિકેટ સિવાય કોઈ બાબતમાં રસ ન હતો તેવા હર્ષલ પટેલ અમદાવાદમાં જ રોકાઈ ગયા.
ભારતની ટી20 ક્રિકેટ ટીમમાં હર્ષલની પસંદગી થઈ, ત્યારે એક વાતચીતમાં તેમણે સ્વીકાર્યું હતું, "હા, સાચી વાત છે. માત્ર ક્રિકેટ માટે જ અમેરિકાની ચમકદમક જતી કરી હતી અને મારા પરિવારે આ નિર્ણયમાં મને સાથ આપ્યો હતો. હું અમદાવાદમાં એકલો જ રહેતો હતો અને ક્રિકેટ પર ફોકસ કરતો હતો."
- ગુજરાત ટાઇટન્સની અત્યાર સુધીની સફર કેવી રહી છે?
- IPL Auction 2022: ઈશાન કિશન, શ્રેયસ અય્યરથી પણ આગળ નીકળ્યા, બન્યા અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી
ગુજરાત, હરિયાણા અને કર્ણાટક
https://twitter.com/RCBTweets/status/1492466540188672000
હવે વાત ક્રિકેટ કારકિર્દીની. તો 2011 સુધી ગુજરાત માટે જુનિયર ક્રિકેટમાં રમ્યા બાદ હર્ષલનું ભાવિ પલટાયું.
જેમણે પરિવાર સાથે અમેરિકા જવાનું ટાળ્યું હતું, તેણે અચાનક જ નિર્ણય લીધો અને વતન ગુજરાત છોડીને હરિયાણા માટે રમવાનું પસંદ કર્યું. 2011માં તેઓ હરિયાણા માટે રમવા ચાલ્યા ગયા.
આ અંગે હર્ષલ કહે છે કે એ વખતે સંજોગો એવા હતા કે મને લાગ્યું કે ટીમ બદલવાથી કદાચ સિનિયર ક્રિકેટમાં ઝડપથી સ્થાન મળી જશે. અને, એમ જ બન્યું.
નવેમ્બર 2011માં તે હરિયાણા વતી દિલ્હી સામે રણજી ટ્રૉફી રમ્યા. એ જ સીઝનમાં કર્ણાટક સામેની બેંગલુરુ ખાતેની મૅચ હર્ષલની કારકિર્દીની ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ, કેમ કે પહેલા જ દિવસે તેણે આઠ વિકેટ ખેરવીને કર્ણાટકને માત્ર 151 રનમાં આઉટ કરી દીધું.
હરિયાણાની ટીમ કર્ણાટકને તેના જ ગઢ એવા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 151 રનમાં આઉટ કરે અને એક નવોદિત ગુજરાતી બૉલર આઠ વિકેટ ખેરવી જાય તેની કદાચ એ દિવસે પેવેલિયનમાં બેસીને મૅચ નિહાળનારા રાહુલ દ્રવિડ કે અનીલ કુંબલેને કલ્પના નહીં હોય. હરિયાણાએ એ મૅચ જીતી લીધી.
કર્ણાટક અને હર્ષલને કાંઇક અલગ જ સંબંધ હોય તેમ લાગે છે. આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર માટે રમનારા હર્ષલે જાન્યુઆરી 2012માં આઠ વિકેટ ખેરવ્યા બાદ એ જ વર્ષે ડિસેમ્બરમાં કર્ણાટક સામે મૅચમાં પાંચ વિકેટ ખેરવી.
આ વખતે તો કર્ણાટકની ટીમમાં લોકેશ રાહુલ અને રૉબિન ઉથપ્પા જેવા ખેલાડી પણ રમતા હતા. અને ફરીથી 2013ના ડિસેમ્બરમાં કર્ણાટક સામે મૅચમાં 11 વિકેટ ખેરવીને ઝંઝાવાત સર્જી દીધો.
કદાચ આ પર્ફૉર્મન્સ બેંગલોરના ટીમ મૅનેજમૅન્ટને યાદ રહી ગયું હશે અને 2021ની આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરની ટીમે તેમને ખરીદી લીધા હતા. આઈપીએલની 14 મી સીઝનમાં તેમણે બેંગલોર માટે રમીને 32 વિકેટ ખેરવી જેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની હૅટ્રિક પણ સામેલ હતી.
સદાય હસતા રહેતા હર્ષલની ખાસિયત એ છે કે તે બૉલિંગમાં લય પકડી લે તો ઘાતક બની જાય છે. સ્વિંગ પર આધાર રાખતા આ બૉલરે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 226માંથી અડધોઅડધ એટલે કે 123 વિકેટ કૅચઆઉટ દ્વારા અને 67 વિકેટ હરીફ બૅટ્સમૅનને બૉલ્ડ કરીને લીધી છે.
તમામ પ્રકારના ક્રિકેટમાં (જુનિયર સહિત) હર્ષલે 643 વિકેટ ઝડપી છે જેમાંથી 384 વિકેટમાં બૅટ્સમૅન કૅચ આપી બેઠા છે, તો તેણે 259 વિકેટમાં કોઈની મદદ લીધી નથી (બૉલ્ડ અથવા લેગબિફૉર). આ આંક જ તેની બૉલિંગની સટિકતા પુરવાર કરી દે છે.
હર્ષલને 31 વર્ષની વયે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે પરંતુ હવે એમ લાગે છે કે ક્રિકેટ સિવાયની ચમકદમક ધરાવતી કારકિર્દી અને પરિવારથી દૂર રહેવાનું બલિદાન રંગ લાવી રહ્યું છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=opALwqEiK08
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો