keyboard_backspace

માનગઢ હત્યાકાંડની 108મી વર્ષગાંઠ: જાણો એ ઘટના વિશએ જે ઇતિહાસના પન્નામાં દબાઇ ગઇ છે

માનગઢમાં થયેલા એક હત્યાકાંડની કહાની રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર અરવલ્લી પર્વતમાળામાં આજે પણ દટાયેલી છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તે તારીખ હતી 17 નવેમ્બર, 1913ની.

Google Oneindia Gujarati News

જલિયાવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ વીતી ગયા, જે ભારતીય ઈતિહાસના સૌથી દુ:ખદ પ્રકરણોમાંનું એક છે, પરંતુ ગોળીઓથી છલકી ગયેલી ચીસો આજે પણ દેશના કાનમાં ગુંજી રહી છે. 13 એપ્રિલ, 1919ના રોજ, બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયરે જલિયાવાલા બાગમાં શાંતિ સભા યોજી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી આંકડા મુજબ 379 નિર્દોષ લોકો જાહેરમાં માર્યા ગયા હતા. બ્રિટિશ વડાપ્રધાન ટેરેસા મેએ આ હત્યાકાંડને 100 વર્ષ બાદ બ્રિટિશ ભારતીય ઇતિહાસમાં 'શરમજનક ડાઘ' ગણાવ્યો હતો. જો કે, તેમણે આ મામલે ઔપચારિક માફી માંગી ન હતી.

Mangadh Massacre

આ વાત છે 17 નવેમ્બર, 1913ની

જલિયાવાલા બાગની કરુણ કહાની ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે, જ્યારે બગીચાની દીવાલો પરના ગોળીઓના નિશાન આજે પણ તે કાળો દિવસની સાક્ષી આપે છે, પરંતુ માનગઢમાં થયેલા એક હત્યાકાંડની કહાની રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર અરવલ્લી પર્વતમાળામાં આજે પણ દટાયેલી છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તે તારીખ હતી 17 નવેમ્બર, 1913ની. જે દિવસે બર્બર આદિવાસી હત્યાકાંડમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા હતા.

હજારો ગોળીઓના પડઘા આપી રહ્યા છે મૌખિક ઇતિહાસની સાક્ષી

ઈન્ડિયા ટુડે દ્વારા આ અંગે બાંસવાડા, પંચમહાલ, ડુંગરપુર જિલ્લાના ભીલ ગામોની મુલાકાત લઈને અને મૌખિક ઈતિહાસ અને શૈક્ષણિક સંશોધન પર આધારિત અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ માનગઢ ટેકરી ખાતે આદિવાસી નેતા અને સુધારક ગોવિંદ ગુરુના 1,500 સમર્થકોને અંગ્રેજ સૈન્ય દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. આ મૌખિક ઇતિહાસ છે, તેથી ઇતિહાસકારો માને છે કે, માર્યા ગયેલા લોકોની સંખ્યા ઓછામાં ઓછી 1000 હોવી જોઈએ.

બ્રિટિશ નીતિઓ વિરુદ્ધ 'ભગત આંદોલન'

રાજસ્થાનના ડુંગરપુરના વેદસા ગામના રહેવાસી ગોવિંદ ગુરુ વણઝારા સમુદાયના હતા. તેમણે 19મી સદીના મધ્યમાં ભીલોમાં સશક્તિકરણ માટે 'ભગત ચળવળ' શરૂ કરી હતી. આ અંતર્ગત ભીલોએ શાકાહાર અપનાવ્યો અને તમામ પ્રકારના દારૂ અને નશાથી દૂર રહ્યા હતા. ગુરુથી પ્રેરિત ભીલોએ અંગ્રેજોની નીતિઓનો વિરોધ કર્યો અને તેઓ બાંસવાડા, સંતરામપુર, ડુંગરપુર અને કુશલગઢના રજવાડાઓ દ્વારા બંધુઆ મજૂરી સામે ઉભા થયા હતા.

ખચ્ચરની પીઠ પર ગોઠવવામાં આવી તોપો અને બંદૂકો

સ્થાનિક વસ્તીમાં રહેતા શહિદોના વંશજોના જણાવ્યા અનુસાર, જ્યારે ભીલોએ ટેકરી ખાલી કરવાનો ઇન્કાર કર્યો અને અંગ્રેજો તેમને તેમ કરવા માટે મનાવી શક્યા નહીં, ત્યારે ગોળીબાર શરૂ થયો હતો. આ ગોળીબાર એક અંગ્રેજ અધિકારીએ ત્યારે અટકાવ્યો જ્યારે તેમણે જોયું કે, માર્યા ગયેલી ભીલ મહિલાનું બાળક તેની સાથે ચોંટીને સ્તનપાન કરી રહ્યું હતું. 86 વર્ષીય વિરજીભાઇ પારઘી કહે છે કે, તેમના પિતા સોમાભાઇ 1913ના ગોળીબારમાં બચી ગયા હતા. વર્ષ 2000માં 110 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમને કહેતા હતા કે, અંગ્રેજોએ ખચ્ચર પર 'તોપ અને બંદૂકો' લાવ્યા હતા અને તેઓ તેના પરથી ગોળા વરસાવતા અને ગોળી ચલાવતા હતા.

Mangadh Massacre

અંગ્રેજો સમક્ષ મૂકી હતી 33 માંગ

ઐતિહાસિક સંશોધન પણ આ મૌખિક ઇતિહાસની પુષ્ટિ કરે છે. ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસના પ્રોફેસર અરુણ વાઘેલા કહે છે કે, ગોવિંદ ગુરુએ 1890ના દાયકામાં ભીલો વચ્ચે તેમનું આંદોલન શરૂ કર્યું હતું. ભીલ સમુદાય અગ્નિના દેવને પ્રતીક માને છે. 1903માં ગુરુએ માનગઢ ટેકરી ખાતે તેમની ધૂણીની સ્થાપના કરી હતી. તેમની અપીલ પર ભીલોએ અંગ્રેજો સમક્ષ 33 માંગણીઓ મૂકી હતી. જેમાની મોટાભાગની માંગણીઓ અંગ્રેજો અને સ્થાનિક રજવાડાઓ દ્વારા બળજબરીથી મજૂરી, ઉંચું લગાન અને ગુરુના અનુયાયીઓ પરના સતાવણી સાથે સંબંધિત હતી. અંગ્રેજો અને રજવાડાઓએ આ માંગણીઓ સ્વીકારવાની ના પાડી હતી.

પોલીસ સ્ટેશન પર હુમલો અને ઇન્સ્પેક્ટરનું મોત

હત્યાકાંડના એક મહિના પહેલા અંગ્રેજો દ્વારા આંદોલન તોડવાની કાર્યવાહી શરૂ થઈ ગઇ હતી. હજારો ભીલોએ માનગઢ ટેકરી પર કબ્જો કરી લીધો હતો અને અંગ્રેજો પાસેથી સ્વતંત્રતાના શપથ લીધા હતા. છેલ્લી ચાલમાં અંગ્રેજોએ વાર્ષિક ખેડાણ માટે એક ક્વાર્ટર રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ ભીલોએ તેનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો હતો. અંગ્રેજોને ઉશ્કેરનાર પ્રથમ કાર્યવાહી માનગઢ નજીક સંતરામપુરના પોલીસ સ્ટેશન પર હુમલાના સ્વરૂપમાં થઈ હતી. તે ગુરુના નજીકના સાથી પુંજા ધીરજી પારઘી અને તેમના સમર્થકો દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈન્સ્પેક્ટર ગુલ મોહમ્મદનું મોત થયું હતું.

કિલ્લામાં ફેરવાઈ માનગઢ ટેકરી

આ ઘટના બાદ બાંસવાડા, સંતરામપુર, ડુંગરપુર અને કુશલગઢના રજવાડાઓમાં ગુરુ અને તેમના સમર્થકોનો પ્રભાવ વધી ગયો હતો. ભીલોને 15 નવેમ્બર, 1913 સુધીમાં માનગઢ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. લાલશંકર કહે છે, 'ભીલોએ માનગઢ ટેકરીને કિલ્લામાં ફેરવી દીધી હતી. અંદર દેશી બનાવટની પિસ્તોલ અને તલવારોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગોવિંદ ગુરુની આધ્યાત્મિક શક્તિમાં વિશ્વાસ હોવાથી લોકોએ બ્રિટિશ સેનાનો સામનો કર્યો હતો. તેઓએ વિચાર્યું કે, ગુરુની શક્તિ ગોળીઓને ભમરીમાં ફેરવી દેશે.

900થી વધુ ભીલો જીવતા પકડાયા

ત્રણ બ્રિટિશ અધિકારીઓના નેતૃત્વ હેઠળ મેવાડ ભીલ કોર્પ્સ અને રજવાડાઓની તેમની સેનાએ સંયુક્ત રીતે માનગઢને ઘેરી લીધું. પહેલા હવામાં ગોળીબાર થયો, જેણે બાદમાં બર્બર હત્યાકાંડનું રૂપ લીધું હતું. આ હુમલાને અંજામ આપવામાં ફિરંગી એજન્ટ આર. ઇ. હેમિલ્ટનનો મોટો હાથ હતો. આ હત્યાકાંડમાં એક હજારથી વધુ ભીલો માર્યા ગયા, અનેક ઘાયલ થયા અને લગભગ 900 જીવતા પકડાયા.

ગુરુને ફટકારવામાં આવી આજીવન કેદની સજા

ગોવિંદ ગુરુને અંગ્રેજ અધિકારીઓએ પકડી લીધા હતા. ટ્રાયલ ચાલી અને તેને આજીવન કેદની સજા થઈ. લોકપ્રિયતા અને સારા વર્તનને કારણે તેઓ 1919માં હૈદરાબાદ જેલમાંથી મુક્ત થયા હોવા છતાં, રજવાડાઓમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ હતો. ગુરુ ગુજરાતમાં લીંબડી નજીક કંબોઇમાં સ્થાયી થયા અને 1931માં મૃત્યુ પામ્યા હતા. આજે પણ તેમના અનુયાયીઓ કંબોઈના ગોવિંદ ગુરુ સમાધિ મંદિરમાં શ્રદ્ધાંજલિ આપવા આવે છે.

English summary
108th Anniversary of Mangarh Massacre : know What Happened on this day That Changed History
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X