Agricultural Diversification Scheme: સુરત જિલ્લામાં 5231 ખેડૂતોને લાભ અપાયો, જાણો શું છે કૃષિ વૈવિધ્યકરણ યોજના
Agricultural Diversification Scheme: ગુજરાતના આદિજાતિ ખેડૂતોને આધુનિક તેમજ બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
જેના ભાગરૂપે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં અંદાજે 5231 આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.
કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ સુરત જિલ્લાના ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલી તાલુકાના આદિજાતિ ખેડૂતોનો સમાવેશ થાય છે, તેમ આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.
આદિજાતિ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે.
જ્યારે ચાલુ વર્ષે મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનનું વડાપ્રધાન મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.
આ અભિયાનને વધુ બળ આપવા આદિજાતિ ખેડૂતોને અડદ, તુવેર, જુવાર જેવા કઠોળની ખેતી માટે વિશેષ સહાય આપવામાં આવે છે.
આ ખેડૂતો પરંપરાગત ખેતીથી બાગાયત ખેતી કરતા થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં કારેલા,ભીંડા,રીંગણ અને ટામેટા વગેરે શાકભાજી માટે બિયારણ સહાય આપવામાં આવે છે.

મંત્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, કૃષિ પાક માટે આદિજાતિ ખેડૂતોને સમયસર ગુણવત્તા યુક્ત બિયારણ અને ખાતર મળી રહે તે માટે અંદાજે રૂપિયા 5300ની કિંમતની કીટ વિના મુલ્યે આપવામાં આવે છે.
આ કીટમાં ખાતર સ્વરૂપે DAP , પ્રોમ અને નેનો યુરિયા પણ આપવામાં આવે છે તેમ, મંત્રીએ ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.
શું છે કૃષિ વૈવિધ્યકરણ યોજના? - કૃષિ ક્ષેત્રની વૈવિધ્યકરણ પ્રાયોજના હેઠળ ખેડૂતોને ઉચ્ચકક્ષાનું બિયારણ અને ખાતર તેમજ અદ્યતન ખેતી પધ્ધતિની તાલીમ આપવામાં આવે છે. આ માટેના નાણા ભંડોળની વ્યવસ્થા આદિજાતિ પેટા યોજના માટે ખાસ કેન્દ્રિય સહાય (SCA to TSP) માંથી ઉપલબ્ધ કરાશે.
જેમાં લાભાર્થીનો ફાળો નહિવત હશે. તેના વહીવટી ખર્ચ માટે ડી-સેગ અને આદિજાતિ પેટા યોજનાની પ્રાયોજના વહીવટદાર દ્વારા ઉપલબ્ધ કરાશે. કૃષિ વૈવિધ્યકરણ પ્રાયોજના માટે જે કૃષિ પાક આવરી લેવાયા છે તેમાં મકાઈ, કારેલા, દૂધી, ટામેટા, રીંગણ, બાજરી અને રાગીનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
