Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સૌની યોજનાથી થશે લાખો ખેડૂતોને લાભ, CMએ કરશે ખાતમુહૂર્ત

SAUNI Yojana: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી 11 ફેબ્રુઆરીના રોજ વિંછીયા ખાતે જેનું ખાતમુહૂર્ત કરવાના છે, તે સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના) યોજના લીંક-4, તબક્કા-3 અંતર્ગત રૂપિયા 181.17 કરોડના ખર્ચે વિંછીયા તાલુકાના આસલપુર ગામ પાસે ફીડર પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી ધારેઇ ગામ સુધી પહોંચાડવામાં આવશે.

ધારેઇ ગામ પાસેથી બે અલગ-અલગ પાઇપલાઇન દ્વારા આલણસાગર અને આધિયા ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. જેથી અંદાજે 23 જેટલા ગામોના 45 હજારથી વધુ લોકોને આ યોજનાનો ફાયદો થશે. આસપાસના કુલ 5676 એકર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ થશે.

SAUNI Yojana

આ કામની પાઇપલાઇનની પથરેખા વિંછીયા તાલુકાના આસલપુર, પીપરડી, રૂપાવટી, કંધેવાળીયા, કોટડા, જનડા, અમરાપુર, હિંગોળગઢ, ગુંદાળા, રેવાણીયા, ઓરી, જસદણ તાલુકાના કમળાપુર, દહિંસરા, ભાડલા, લીલાપુર, કડુકા, નાળીયેરી ટીંબો, બાખલવડ, હડમતિયાખાંડા તથા ચોટીલા તાલુકાના ધારેઇ, ઢોકળવા, ગોલીડા, વડાળી ગામોમાંથી પસાર થશે. જે પૈકી લીંક-4 પેકેજ-9 દ્વારા કુલ 72.856 કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્ક દ્વારા કુલ 12 તળાવોને જોડવામાં આવશે.

સૌની યોજનાનો ઇતિહાસ - સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહદ અંશે પથરાળ વિસ્તાર તેમજ ખૂબ જ ટૂંકી લંબાઈ ધરાવતી નદીઓ હોવાથી કોઈ પણ નદી બારેમાસ કુદરતી રીતે પાણીનું વહન કરતી નથી. સૌરાષ્ટ્ર વિસ્તારમાં થતા અનિયમિત વરસાદને લીધે પણ પાણીની અછત વર્તાય છે.

આ સમસ્યાના નિવારણ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તેમજ ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ ઉપલબ્ધિવાળા નદીના બેઝીનમાંથી ઓછી ઉપલબ્ધિવાળા સૌરાષ્ટ્રની નદીઓના બેઝીનમાં પાણી લાવી આ બેઝીનોના આંતરજોડાણ થકી પાણી અછતને પહોંચી વળવાનું આયોજન વિચાર્યું હતું. જે મુજબ તજજ્ઞોની ટીમે કરેલા સર્વેક્ષણ મુજબ નર્મદાના પુરના વધારાના વહી જતા પાણી પૈકી એક મીલીયન એકર ફીટ પાણી (43500 મિલિયન ઘન ફુટ) સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવી શકાય તેમ હતું. જેના આધારે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના (સૌની)નુ આયોજન કરવામાં આવ્યું. જે મુજબ સરદાર સરોવર ડેમમાંથી સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનો સંકલ્પ લઇ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 17મી ફેબ્રુઆરી, 2014ના રોજ સૌની યોજનાની શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી.

સૌની યોજના અંતર્ગત 4 (ચાર) લીન્ક પાઇપલાઇન મારફત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ 115 જળાશયોમાં પાણી સંગ્રહિત કરવાના ભાગરૂપે લીન્ક- 4 દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-2 જળાશયથી ગીર સોમનાથ જિલ્લાના હીરણ-2 જળાશય સુધી પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પહેલા અને બીજા તબક્કાના કામો પૂર્ણ થઇ ચુક્યા છે, અને ત્રીજા તબક્કાના કામો પૂર્ણતાના આરે છે.

સૌની યોજના લીંક-4 દ્વારા વર્ષ-2020 થી 2024 દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાના 37 ગામોના 155 ચેકડેમ, 14 તળાવ અને 07 જળાશયમાં કુલ 4435 એમસીએફટી પાણીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે. આ આયોજનના ભાગરૂપે નર્મદાના એક મિલિયન એકર ફીટ પાણી (43500 મિલિયન ઘન ફુટ)ની સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવણી કરવામાં આવી છે. જેનાથી 115 હયાત જળાશયો મારફતે 970 કરતા વધુ ગામોના 824872 એકર જેટલા વિસ્તારમાં પિયતનો તથા પીવાના પાણીનો લાભ આપવામાં આવશે.

પહેલા તબક્કાનું કામ એપ્રિલ-14 માં શરૂ કરવામાં આવ્યુ હતું. જેનાથી 16 જળાશયો દ્વારા આશરે 166005 એકરમાં સિંચાઈ સુવિધા, 4 શહેરી વિસ્તાર અને 490 ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થયેલ છે.

બીજા તબક્કામાં 12 પેકેજોની મુખ્ય પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયેલ છે. જે મુજબ રાજકોટની જીવાદોરી સમાન આજી-1 જળાશયમાં વર્ષ-2017થી સૌની યોજનાનું પાણી ભરવામાં આવે છે. જેનાં કારણે રાજકોટ જિલ્લાના ન્યારી-1, આજી-1, વેરી અને ભાદર-1. જામનગર જિલ્લાના રણજીતસાગર અને ભાવનગર જિલ્લાના માલપરા, કાળુભાર અને શેત્રુંજી જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તથા સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 57 જળાશયોમાં નર્મદાના નીરથી 377851 એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા તથા ઘરગથ્થુ વપરાશ માટે 80 લાખની વસ્તીને પાણી ઉપલબ્ધ થયેલ છે.

ત્રીજા તબક્કામાં બાકી રહેતા કુલ 42 જળાશયોને જોડવાની કામગીરી અન્વયે ભાવનગર શહેરના બોર તળાવમાં વર્ષ-2021થી નર્મદાના પાણી ભરાયા છે. ત્રીજા તબક્કાની કામગીરીથી સૌરાષ્ટ્ર વિસ્તારના 9 જિલ્લાના 37 જળાશયો મારફતે 243000 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ થશે. સૌની યોજના લીંક-1 દ્વારા રાજકોટ, મોરબી, જામનગર તથા દેવભૂમી દ્વારકા જિલ્લાના 28 જળાશયોને, લીંક-2 દ્વારા ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ તથા અમરેલી જિલ્લાના 19 જળાશયોને, લીંક-3 દ્વારા સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર તથા દેવભૂમી દ્વારકા જિલ્લાના 21 જળાશયોને અને લીંક-4 દ્વારા સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર- સોમનાથ તથા અમરેલી જિલ્લાના 20 જળાશયોમાં નર્મદાના પાણી આપવામાં આવેલ છે.

સૌની યોજના મારફત વર્ષ જાન્યુઆરી - 2024 સુધીમાં 85 જળાશયો, સૌની યોજના સિવાયના 10 (વેરી, ચીભડા, ગોમા, દેવધરી, વડીયા, કરીઆણા, કાનીયાડ, કૃષ્ણસાગર, ચાંચકા અને વાંસલ) જળાશયો અને બોટાદ બ્રાંચ કેનાલ દ્વારા 2 (ગોમાં અને સુખભાદર) જળાશય ભરવામાં આવેલ છે, સાથે 170 તળાવો અને 1330 ચેકડેમોમાં આશરે 88756.00 મિલિયન ઘનફૂટ નર્મદાના નીર ભરવામાં આવેલ છે.

સૌની યોજના અંતર્ગત જાન્યુઆરી 2024 સુધીમાં લિંક 1 માં 13 તળાવો, 140 ચેકડેમો અને 28 જળાશયોમાં 20205 એમસીએફટી જથ્થો, લિંક- 2 માં 58 તળાવો, 259 ચેકડેમો અને 19 જળાશયોમાં 17513 એમસીએફટી જથ્થો, લીંક 3 માં 45 તળાવો, 520 ચેકડેમો અને 24 જળાશયોમાં 34892 એમસીએફટી જથ્થો અને લિંક -4 માં 45 તળાવો, 390 ચેક ડેમો અને 22 જળાશયોમાં 13987 એમસીએફટી જથ્થો નંખાઇ ચુક્યો છે. આ ઉપરાંત ગોમા સુખભાદરમાં 9 તળાવ, 21 ચેકડેમો, અને બે જળાશયોમાં 2159 એમસીએફટી જથ્થો ભરાયો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X