ગુજરાત સરકારે ત્રણ જિલ્લાના ખેડૂતો માટે વધારાની 20 હજારની સહાયની જાહેરાત કરી
ગુજરાત સરકારે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કમોસમી વરસાદ અને ખેતરોમાં પાણી ભરાવાને કારણે અસરગ્રસ્ત થયેલા આ ખેડૂતોને પાક નુકસાની ઉપરાંત હેક્ટર દીઠ 20 હજારની વિશેષ સહાય ચૂકવવામાં આવશે. આ પેકેજ ૧ નવેમ્બર ૨૦૨૫ સુધી ખેતરોમાં પાણી ભરાયેલા હોય અને શિયાળુ પાક લેવા માટે અસમર્થ હોય તેવા ખેડૂતો માટે છે.
આ સહાય પ્રતિ ખાતા દીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે, જે ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ કરશે. વાવ-થરાદ અને પાટણ જિલ્લા માટે વધારાની જોગવાઈ કરવામાં આવી છે. લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે જમીનમાં ક્ષાર જમા થઈ ગયો છે, જેથી શિયાળુ પાક શક્ય નથી અને જમીન સુધારણાની જરૂરિયાત ઊભી થઈ છે.

આવા ખેડૂતોને જમીન સુધારણા (Soil Reclamation) માટે રાજ્ય બજેટમાંથી 20,000 પ્રતિ હેક્ટર લેખે વધારાની વિશેષ સહાય ચૂકવવામાં આવશે. આ વધારાની સહાય પણ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ૧ નવેમ્બર ૨૦૨૫ કે તે પછીની સ્થિતિએ ખેતરમાં પાણી ભરાયેલ હોય તેવા સર્વે નંબરનો જીઓ-ટેગ ફોટોગ્રાફ DCS/કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પર અપલોડ કરીને અરજી સાથે પુરાવા તરીકે રજૂ કરવાનો રહેશે.
આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર VCE/VLE મારફત કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર નિઃશુલ્ક ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે ગામ નમૂના નંબર 8-અ, તલાટીનો વાવેતરનો દાખલો (અથવા ગામ નમૂના નં. 7-12), આધાર નંબર, મોબાઈલ નંબર અને બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
પાક નુકસાન અને જમીન સુધારણા બંને સહાય માટે ખેડૂતોએ પોર્ટલ પર અલગ-અલગ અરજી કરવાની રહેશે. આ લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર રહેશે નહીં. સહાય ખાતા દીઠ (ગામ નમૂના નં. 8/અ દીઠ) એક જ લાભાર્થીને મળશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં અન્ય ખાતેદારોનો ના-વાંધા અંગેનો સંમતિ પત્ર રજૂ કરવો ફરજિયાત છે.
વન અધિકાર પત્ર (સનદ) ધરાવતા ખેડૂત ખાતેદારો પણ આ પેકેજનો લાભ મેળવી શકશે. તમામ સહાયની ચુકવણી PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં કરવામાં આવશે. આ સમગ્ર કામગીરીનું જિલ્લા કક્ષાએ સંકલન જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા કરવામાં આવશે.
આ પેકેજમાં વાવ-થરાદ, પાટણ, કચ્છ, જૂનાગઢ અને પંચમહાલ જિલ્લાના કુલ 5 જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓના ગામોને સમાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત મળશે.












Click it and Unblock the Notifications
