NPK Price Hike : ખાતર ભાવ વધારા સામે કિસાન સંઘે બાયો ચડાવી, આંદોલનની ચિમકી
NPK Price Hike : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાતરના ભાવમાં કરવામાં આવેલા વધારા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ ઇફ્કો કંપની દ્વારા NPK ખાતરના ભાવમાં પ્રતિ થેલી 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારા સામે કિસાન સંઘે મોરચો માંડ્યો છે અને જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આરકે પટેલે જણાવ્યું કે, ખેડૂતોને માત્ર ભાવ વધારાનો જ નહીં, પરંતુ ખાતરની અછત અને વિતરણમાં થતી ગેરરીતિઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સબસીડાઈઝ્ડ ખાતર સાથે અન્ય ખાતરો પણ ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે સમયસર ખાતર ન મળતાં પાકના ઉત્પાદન પર સીધી અસર થાય છે.
તેમણે આગળ જણાવ્યું કે, ભેળસેળયુક્ત ખાતર, દવાઓ અને બિયારણ જેવી ગંભીર સમસ્યાઓ સામે સરકારે કડક પગલાં લેવા જોઈએ.
ખેડૂતોના હકનું ખાતર ઉદ્યોગોને વેચવામાં આવી રહ્યું છે, અને સહકારી મંડળીઓને મળતું ખાતર ખાનગી કંપનીઓને પહોંચાડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. કિસાન સંઘે સરકારને ચેતવણી આપી છે કે જો આ ગેરરીતિઓ અટકાવવામાં નહીં આવે, તો ખેડૂતો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે.
બીજી તરફ, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરની અછત અંગેના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇફ્કોએ આ વર્ષે જાન્યુઆરીમાં પણ NPK ખાતરના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ફરીથી જુલાઈના અંતમાં 130 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ સતત ભાવવધારાથી ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે.












Click it and Unblock the Notifications
