BHP બિલિટને ભારતમાંથી પોતાની ઓઇલ એન્ડ ગેસ યોજના પડતી મૂકી
મુંબઇ, 22 ઓક્ટોબર : ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં ઉત્ખનનમાં અગ્રણી કંપનીઓમાં સામેલ બીએચપી બિલિટને ભારતમાંથી પોતાની ઓઇલ અને પ્રાકૃતિક ગેસની યોજનામાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. બીએચપી બિલિટને આ નિર્ણય ભારત સરકારના વિભાગો દ્વારા નિર્ણયો લેવામાં વિલંબ થવાને કારણે લીધો છે.
આ અંગે બીએચપી બિલિટને જણાવ્યું છે કે તેણે ભારતમાં પોતાની નવ યોજનાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર બાદ કંપની ભારતમાં માત્ર એક યોજના પર કામ કરશે. આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી ભારતમાં તેલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદન પર અસર પડશે. આ કારણે ઓઇલ અને ગેસ અંગે ભારતની અન્ય રાષ્ટ્રો પર નિર્ભરતા વધશે.
આ નિર્ણયને પગલે ભારત સરકાર માટે મોટો આંચકો હોવાનું માનવમાં આવે છે. બીએચપી બિલિટનના નિર્ણયથી ભારતમાં વિદેશી કંપનીઓના રોકાણની યોજનાને મુશ્કેલી નડશે. આ મહિનાના પ્રારંભમાં વિદેશી રોકાણની સીમા પરના પ્રતિબંધને કારણે મુશ્કેલી નડતા તેણે પણ સંયુક્ત સાહસને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલા દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો અને લક્ઝમ્બર્ગ સ્થિત સ્ટીલ મેકર કંપની આર્સેલર મિત્તલે પણ ભારતમાં પોતાના વેપાર સંબંધી નિયમોનો હવાલો આપતા પોતાનો પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.