
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની રચના બાદ ભારતીય કંપનીઓનો બિઝનેસ કોન્ફિડન્સ વધ્યો
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની રચના બાદ દેશના અર્થતંત્રમાં ભારતીય કંપનીઓનો વિશ્વાસ વધી ગયો છે. આ વાત માત્ર હવાઇ તુક્કા નથી પરંતુ આંકડાઓની વાસ્તવિકતા છે.
કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ફિક્કી જેવાં રાષ્ટ્રીય સ્તરનાં બિઝનેસ-ઉદ્યોગ સંગઠનો દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ કોન્ફિડન્સની વાત ઉજાગર થઇ છે.
આ સર્વેના રસપ્રદ તારણો જાણવા આગળ ક્લિક કરો...

સર્વેમાં કેટલી કંપનીઓ સામેલ?
આ બન્ને સંસ્થાઓએ કરેલા સર્વેમાં 150 કંપનીઓએ ભાગ લીધો હતો. સર્વેમાં કંપનીઓ પોતાની કામગીરીને લઈને વધુ આશાવાદી હોવાનું CIIના સર્વેમાં જણાયું છે, જ્યારે ફિક્કીના સર્વેમાં આશાવાદમાં સાધારણ સુધારો થયો હોવાનું જણાયું છે.

CIIના સર્વેના તારણો
CII દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં બિઝનેસ કૉન્ફિડેન્સ ઇન્ડેકસ (BSI) 57.40 પોઇન્ટ સાથે ત્રણ વર્ષની ઊચી સપાટીએ રહ્યો હતો. આગલા વર્ષના આ જ ત્રિમાસિક ગાળામાં 53.70 પોઇન્ટ હતો.

કેટલો BSI હોય તો હકારાત્મક કહેવાય?
CII દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 2013-14ના બીજા ત્રિમાસિક ગાળામાં BSI 45.70 પોઇન્ટ સાથે ઑલ ટાઇમ લો હતો. આ અગાઉ 2011-12ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 62.50 પોઇન્ટ સાથે BSI સૌથી ઊંચો હતો. 50 પોઇન્ટથી ઉપરના BSIને હકારાત્મક માનવામાં આવે છે.

ફિક્કીના સર્વેના તારણો
ફિક્કીએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો સર્વે કર્યો હતો જેમાં BSI 72.70 પોઇન્ટ સાથે પોણાચાર વર્ષની ઊંચી સપાટીએ હતો જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 49 પોઇન્ટ હતો.

ઉદ્યોગોમાં મોદી મેજિક
CII દ્વારા હાથ ધરવામાં આવેલા બીજા ત્રિમાસિક ગાળાના સર્વેમાં મોદી સરકારની રચના બાદનું ઉદ્યોગોનું પ્રતિબિંબ જોવા મળ્યું છે, જ્યારે ફિક્કીના પ્રથમ ત્રિમાસિક ગાળાના સર્વેમાં નવી સરકારનું આંશિક પ્રતિબિંબ જોવા મળ્યું હતું. કેન્દ્રમાં નવી સરકારની રચના મે મહિનાના અંતે થઈ હતી.

નવી સરકારે વિશ્વાસ વધાર્યો
ફીલ ગુડ ફેક્ટરને પુનર્જીવિત કરવા સાથે વિકાસને વેગ આપવાની નવી સરકારની નીતિથી ઉદ્યોગોનો વિશ્વાસ વધ્યો હોવાનું CII એ જણાવ્યું છે. વિવિધ ક્ષેત્રોની કંપનીઓને આ સર્વેમાં આવરી લેવાઈ હતી.

આગામી છ મહિનામાં સ્થિતિ વધુ સુધરશે
ઉદ્યોગોની ઉત્પાદનક્ષમતા વધારવા પ્રયાસ થવા જોઈએ એમ ફિક્કીએ હાથ ધરેલા સર્વેમાં ભાગ લેનારા લોકોએ મત વ્યક્ત કર્યો હતો. 93 ટકા સહભાગીઓએ આગામી છ મહિનામાં આર્થિક સ્થિતિ સારી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું ફિક્કીનાં સૂત્રોએ જણાવ્યું હતું.