અનાજ - ડીઝલના ભાવમાં વધારાથી ફુગાવો 7.81 ટકાએ પહોંચ્યો

ખાદ્ય ઉત્પાદનોમાં ઘઉં 18.63 ટકા મોંઘા થયા છે, જેમાં ઑગસ્ટમાં 12.85 ટકા વધારો નોંધાયો હતો. અન્ય મોટા અનાજની કિંમતોમાં 14.18 ટકાનો વધારો થયો હતો. પાછલા મહિને તેમાં 10.7 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત સરકારે ડીઝલની કિંમતમાં 13 સપ્ટેમ્બરે પ્રતિ લીટર રૂપિયા પાંચનો વધારો કર્યો હતો એટલે કે કિંમતોમાં 8.94 ટકા વધારો નોંધાયો હતો.
ઇંધણ અને વીજળીના વિભાગમાં ફુગાવો 11.88 ટકા વધ્યો છે. આ દર ગયા મહિને 8.32 ટકા હતી. ડીઝલ ઉપરાંત જેટ એન્જિન અને કેરોસિન પણ મોંઘુ થયું છે. જો કે ખાદ્ય ફુગાવાનો દર ઘટીને 7.86 ટકા થયો છે, જે પાછલા મહિને 9.14 ટકા હતો. વાર્ષિક સ્તરે જોવામાં આવે તો બટાકાના ભાવમાં 52.20 ટકા અને ચોખાના ભાવોમાં 12.41 ટકા વધારો થયો છે.
પ્રોસેસિંગ ઉત્પાદનોના વિભાગમાં સુતરાઉ કાપડ, કાગળ અને કાગળમાંથી બનેલા ઉત્પાદનો સાથે રબર અને પ્લાસ્ટિકના ઉત્પાદનોની કિંમતો પણ વધી છે. સપ્ટેમ્બર મહિનામાં તેમાં 6.26 ટકા વધારો નોંધાયો છે, જે ઑગસ્ટમાં 6.14 ટકા હતો.
હવે, રિઝર્વ બેંક 30 ઑક્ટોબરે નાણાકીય નીતિની સમીક્ષા કરવાની છે. સરકારે વેપાર ક્ષેત્રમાં ઉઠાવેલા રાજકોષીય પગલાંને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો વ્યાજના દરોમાં ઘટાડો કરવાની માંગણી કરી રહ્યા છે. પણ હવે ફુગાવાનો દર વધતા આરબીઆઇ વ્યાજના દરોમાં ઘટાડો નહીં કરે એમ લાગી રહ્યું છે.












Click it and Unblock the Notifications
