વારાણસીમાં ટ્રેડ સેન્ટરની આધારશિલા મૂકશે PM નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 31 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 નવેમ્બરના રોજ વારાણસીમાં ટ્રેડ ફેસિલિટેશન સેન્ટર તથા હસ્તશિલ્પ સંગ્રહાલયની આધારશિલા મૂકવાના છે. નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ આ દિવસે નરેન્દ્ર મોદી પ્રથમવાર પોતાના સંસદીય મતવિસ્તારમાં જઇ રહ્યા છે.
નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા જૂન 2014-15માં રજૂ કરવામાં આવેલા બજેટમાં ટ્રેડ સેન્ટર અને સંગ્રહાલયની સ્થાપનાની દરખાસ્ત આપવામાં આવી હતી. વારાણસીના હાથસાળ ઉત્પાદનોના પ્રચાર અને વિકાસ માટે બજેટમાં રૂપિયા 50,000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ પ્રસંગે ટેક્સટાઇલ પ્રધાન સંતોષકુમાર ગંગવાર પણ વડાપ્રધાન સાથે વારાણસી જવાના છે. બે દિવસની વારાણસી યાત્રા દરમિયાન મોદી પોતાના સંસદીય મતવિસ્તારમાંથી જ સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે એક ગામને દત્તક લેવાની યોજના ઉપર પણ વિચાર વિમર્શ કરવાના છે.
વડાપ્રધાન પોતાની યાત્રા દરમિયાન બનારસ હિન્દૂ વિશ્વવિદ્યાલય પણ જશે. જ્યાં તેઓ એક ટ્રોમા સેન્ટરનું ઉદઘાટન કરશે. આ પહેલા વડાપ્રધાનને 14 અને 15 ઓક્ટોબરના રોજ વારાણસી જવાનું હતું. જો કે વાવાઝોડા હુડહુડને કારણે તેમનો પ્રવાસ કાર્યક્રમ રદ થયો હતો.












Click it and Unblock the Notifications
