PNBમાં થયું 11,500 કરોડનું કૌભાંડ, નિરવ મોદીની સંડોવણી?
પંજાબ નેશનલ બેંકમાં 11,500 કરોડના કૌભાંડ થયું હોવાની વાત બહાર આવી છે. જેમાં જાણીતા જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદીનું નામ પણ બહાર આવ્યું છે. જાણો આ સમાચાર અંગે વધુ વિગતો અહીં.
પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીમાં 1.77 બિલિયન ડોલર એટલે કે લગભગ 11,500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડ મુંબઇ સ્થિત બેંકની બ્રાન્ચમાં થયું છે. ભારતની બીજી સૌથી મોટી સરકારી બેંક તેવી પીએનબી તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરી આ અંગે જાણકારી આપવામાં આવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પંજાબ નેશનલ બેંક જે જાણકારી આપી છે તે મુજબ કેટલાક ચોક્કસ ખાતા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. બેંકે પોતાના નિવેદનમાં ટ્રાંજેક્શનના કેટલાક ખાસ ખાતા ગ્રાહકોની સહમતિથી આ ગફલત થઇ હોવાનું જણાવ્યું છે. જો કે આ કૌભાંડમાં અનેક મોટા લોકોના નામની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો આ આ અંગે તપાસ એજન્સી દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.

કૌભાંડ કેવી રીતે થયું?
માનવામાં આવે છે કે બેંકમાં ખાતાઓ દ્વારા લેટર ઓફ ક્રેડિટ અથવા તો શેર ખાતા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. પંજાબ નેશનલ બેંકમાં છેતરપીંડિના બે કેસ સામે આવ્યા છે. સામાન્ય રીતે બાયર્સ ક્રેડિટ એક પ્રકારની લોન હોય છે. જે દ્વારા કંપની કોઇ વસ્તુ ખરીદતી હોય છે તો બેંકો મારફતે ખરીદનારી કંપી બાયર્સ ક્રેડિટ થકી નાણાંની ચૂકવણી કરતી હોય છે. જે લેટર્સ ઓફ અન્ડર ટેકિંગ ઇસ્યુ કરીને કરવામાં આવે છે. વળી કંપની દ્વારા વિદેશમાં થતી ખરીદી વખતે આવું ખાસ કરીને કરવામાં આવે છે. આ કૌભાંડમાં પણ આ રીતે જ બેંક સાથે છેતરપીંડી કરવામાં આવી હોય તેવી ચર્ચા છે.

10 બેંકના અધિકારી થયા સસ્પેન્ડ
આ મામલે પંજાબ નેશનલ બેંકે તેની મુંબઇ બ્રાંચના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અને દસ જેટલા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્ડ મામલે બેંકના ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

શેર પડ્યા
જો કે આ કૌભાંડ બહાર આવતા જ શેર બજારમાં બેંકના શેર પર પણ અસર થઇ છે. શેરના ભાવ 10 ટકા તૂટી જતા બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન 3844 કરોડ ઘટી ગયું હતું. વળી બેંકના શેરમાં રોકાણ કરનાર લોકોને પણ પૈસા ગુમાવાનો વારો આવ્યો હતો. વધુમાં માનવામાં આવે છે કે આ બેંકના કૌંભાડની અસર અન્ય બેંકો પર પણ વરતાશે.

નિરવ મોદી
પીએનબીએ કરેલી જાહેરાત મુજબ મુંબઇમાં જે કૌભાંડ થયું છે તેમાં જાણીતા જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદીની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. નોંધનીય છે કે નિરવ મોદી વિરુદ્ધ 280 કરોડના કૌભાંડ મામલે સીબીઆઇની તપાસ ચાલુ જ છે. તેવામાં આ કૌભાંડમાં પણ તેમની સંડોવણી બહાર આવી હોવાથી આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે ફોર્બ્સ દ્વારા 2017માં નિરવ મોદીને ભારતના સૌથી પૈસાદાર લોકોની લિસ્ટમાં 57મું સ્થાન આપવામાં આવ્યું હતું. અને બોલીવૂડ થી લઇને હોલીવૂડના પ્રસિદ્ધ લોકો અને કલાકારો નિરવ મોદી દ્વારા ડિઝાઇન કરેલી જ્વેલરી પહેરતા હોય છે. વધુમાં આ કેસમાં બીજા પણ અનેક મોટા માથાની સંડાવણી હોવાની ચર્ચા છે.

PNB બેંક
નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક છે. વળી આ કૌભાંડને વિજય માલ્યા અને લલિત મોદી દ્વારા કરવામાં આવેલા કૌભાંડ કરતા પણ મોટી માનવામાં આવી છે. ત્યારે દેશની મોટી બેંકમાં કેવી પોલંપોલ ચાલી રહી છે તે આ કૌભાંડે બહાર પાડ્યું છે. ત્યારે સામાન્ય માણસ જે પોતાનો પૈસા બેંકમાં રાખે છે તેના પૈસા કેટલા સલામત છે તે સવાલ અહીં ઊભો થાય છે.












Click it and Unblock the Notifications
