આજે પણ શેરમાર્કેટ 343 પોઇન્ટ ગગડ્યું, રૂપિયો 19 પૈસા ગગડ્યો
સેન્સેક્સમાં ભારે ઘટાડો સોમવારે પણ ચાલુ જ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફટી 105 પોઇન્ટ ગગડીને 10,208 પર કારોબાર કરી રહી છે. જયારે બીએસઇ 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 343 પોઇન્ટ ગગડીને 34,033.67 સ્તરે કારોબાર કરી રહ્યો છે.
આમ જોવા જઇયે તો સેન્સેક્સ સવારે 50 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો. પરંતુ તેમાં ખુબ જ જલ્દી ભારે ઘટાડો જોવા મળ્યો. આ પહેલા શુક્રવારે પણ સેન્સેક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 792.17 પોઇન્ટ ઘટાડા સાથે 34,376.99 પર સેન્સેક્સ બંધ થયો હતો. ગુરુવારે પણ સેન્સેક્સમાં 806.47 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી
છેલ્લા કેટલાક દિવસોમાં શેરમાર્કેટમાં ઘટાડાને કારણે હાહાકાર મચી ગયો છે. જયારે રૂપિયો પણ ડોલર સામે સતત ગગડી રહ્યો છે. રૂપિયો સોમવારે પણ ડોલર સામે કમજોર પડ્યો છે. સોમવારે રૂપિયો ડોલર સામે 19 પૈસા ગગડીને 73.96 પર ખુલ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં ડોલર સામે રૂપિયામાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય રૂપિયો જ નહીં પરંતુ બીજા પણ ઘણા દેશોની કરન્સી ડોલર સામે નબળી પડી છે.
ક્રૂડની કિંમત વધવાથી, ટ્રેડ વોર, કેડ વધવાની આશંકા, ડોલરમાં મજબૂતી, અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે. આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું.
આ પણ વાંચો: IL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત?
જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.