ત્રણ વર્ષ બાદ સેન્સેક્સ 21000ની સપાટીને સ્પર્શ્યો
મુંબઇ, 24 ઓક્ટોબર : વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં સુધારો અને વિદેશી રોકાણકારોની ભારે ખરીદીને પગલે મુંબઇ શેરબજારના સેન્સેક્સમાં તેજીનો તણખો જોવા મળ્યો હતો. દિવાળી પહેલા શેરબજારમાં ફુલ ગુલાબી તેજી ફરી વળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી વાર સેન્સેક્સે આજે 21000ની સપાટી વટાવી હતી.
અંદાજે એક મહિના પહેલા ઘટાડાનો રેકોર્ડ બનાવનારા માર્કેટમાં શેરબજારમાં અચાનક આવેલી તેજીને જોઇને સામાન્ય રોકાણકારોને આશ્ચર્ચ થયું છે. આ માયાવી તેજીને કારણે નિષ્ણાતોનું માનવું છે કે માત્ર સેન્સેક્સની ચાલ જોવાને બદલે રોકાણકારોએ વિનિમય દર, જીડીપીના આંકડાઓ પર પણ નજર રાખવી જરૂરી છે.
સવારે સેન્સેક્સ 241 અંકના ઉછાળા સાથે 21008 પર, જ્યારે નિફ્ટી 52 અંક સાથે સપ્તાહની ટોચે 6236 પર પહોંચ્યો હતો. જેના પગલે આજે બેન્ક ઓફ બરોડા, ડીએલએફ, પીએનબી, જયપ્રકાશે એસોસીએટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક, ભારતી એરટેલ, સેસા સ્ટરલાઇટ, હિન્દાલકો, ઓએનજીસી, અને આઇટીસી જેવા અગ્રણી શેરોમાં 2.4-1.5 ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે અંબુજા સિમેન્ટ, એચસીએલ ટેક, એસીસી અને સન ફાર્મા જેવા શેરોમાં 1.9-0.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.
બીએસઇ ખાતે સેન્સેક્સ 97 અંક એટલે કે 0.5 ટકાની મજબૂતી સાથે 20865ની સપાટી પર ટ્રેડ થઇ રહ્યો છે. એનએસઇ ખાતે નિફ્ટી 24 અંક વધીને 6202ની સપાટી પર ટ્રેડ થયો. ડાઉજોન્સ 0.3 ટકાના ઘટાડા સાથે 15413ની સપાટી પર બંધ રહ્યો. જ્યારે નાસ્ડેક અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ પણ નીચા મથાળે બંધ રહ્યા હતા.