Stock market : શેર માર્કેટમાં 800 પોઈન્ટનો કડાકો, જાણો કેમ તુટ્યુ માર્કેટ?
Stock market : શુક્રવારે ભારતીય શેરબજાર માટે ઝટકા સમાન રહ્યો છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સ લગભગ 800 અંક ગગડી ગયો, જ્યારે નિફ્ટી પણ 25,000ના મહત્ત્વપૂર્ણ સ્તરથી નીચે આવ્યો. બજાર કરેક્શન મોડમાં જતાં ઘણા શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું છે. ઘણી મોટી કંપનીઓના શેરમાં 5% સુધીનો ઘટાડો નોંધાયો.

બજાજ ફાઇનાન્સના ત્રિમાસિક પરિણામો બાદ ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. બેન્કિંગ જ નહીં, નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં પણ 1.3%નો ઘટાડો નોંધાયો.
આ ઉપરાંત, પીએસયુ બેન્ક, આઈટી, મેટલ જેવા અનેક અન્ય સેક્ટોરલ ઇન્ડેક્સમાં પણ મંદી જોવા મળી. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં અનુક્રમે 1.3% અને 1.7%નો ઘટાડો નોંધાયો. બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.75 લાખ કરોડ ઘટીને 453.35 લાખ કરોડ થઈ ગયું છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.
શેરબજારમાં આજના આ કડાકા પાછળ કેટલાક મહત્ત્વના પરિબળો જવાબદાર છે.
- ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરાર (ટ્રેડ ડીલ) પર અનિશ્ચિતતા યથાવત્ છે. અમેરિકાએ જાપાન, ઇન્ડોનેશિયા, વિયેતનામ, ફિલિપાઇન્સ જેવા ઘણા દેશો સાથે કરાર કરી લીધા છે, પરંતુ ભારત સાથે વાટાઘાટો હજુ ચાલી રહી છે. બીજી તરફ ટેરિફ લગાવવાની ડેડલાઇન 1 ઓગસ્ટ નજીક આવી રહી છે. આ સ્થિતિ રોકાણકારોમાં ચિંતા જગાવી રહી છે.
- શેરબજારના કારોબાર દરમિયાન બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો આવ્યો છે અને નિફ્ટી બેન્કમાં 600થી વધુ અંકોનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 50માં બજાજ ગ્રુપના શેર ટોપ લુઝર્સમાં રહ્યા, જેમાં અનુક્રમે 5.5% અને 4.5%નો ઘટાડો નોંધાયો. નિફ્ટી બેન્કમાં યુનિયન બેન્ક, ઇન્ડિયન બેન્ક અને કેનેરા બેન્કને સૌથી વધુ નુકસાન થયું, જેમાં 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો.
- વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા કરવામાં આવેલી વેચવાલી પણ બજારમાં આવેલા આ ઘટાડાનું એક મોટું કારણ છે. છેલ્લા ચાર દિવસમાં જ વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં ભારતીય શેરોમાંથી લગભગ ₹11,500 કરોડની રકમ પાછી ખેંચી લીધી છે.
- નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા પરિણામોના કારણે રોકાણકારોની ધારણા નબળી પડી છે. કેટલીક કંપનીઓ અપેક્ષાઓ પર ખરી ઉતરી છે, જ્યારે ઘણી કંપનીઓ તેમના લક્ષ્ય ચૂકી ગઈ. આઈટી અને ફાઇનાન્સિયલ સેક્ટરની કંપનીઓના પરિણામો નિરાશાજનક રહ્યા છે.












Click it and Unblock the Notifications
