વિશ્વભરમાં સ્માર્ટ ફોને વેચાણની બાબતમાં ફીચર ફોનને હરાવ્યા
નવી દિલ્હી, 14 ઓગસ્ટ : વર્ષ 2013ના બીજા ત્રિમાસિક ગાળામાં દુનિયાભરમાં વેચાણના મામલે સ્માર્ટ ફોને ફીચર ફોનને પાછળ છોડી દીધા છે. આ સમયગાળા દરમિયાન સ્માર્ટ ફોનનું વેચાણ 46.5 ટકા વધીને 22.5 કરોડ યુનિટ સુધી પહોંચી ગયું છે.
બીજી તરફ ફીચર ફોનનું વેચાણ 21 ટકા ઘટીને 21 કરોડ યુનિટ થઇ ગયું છે. આ માહિતી એનાલિસિસ ફર્મ ગાર્ટનરે આપી છે. વિશ્વભરમાં આવો ટ્રેન્ડ પ્રથમવાર જોવા મળ્યો છે કે વેચાણની બાબતમાં સ્માર્ટ ફોને ફીચર ફોનને પાછળ છોડી દીધા છે. વર્ષ 2013ના બીજા ત્રિમાસિક ગાળામાં દુનિયાભરમાં મોબાઇલ ફોનનું કુલ વેચાણ 43.5 કરોડ યુનિટ રહ્યું છે.

બીજા ત્રિમાસિક ગાળામાં મોબાઇલ ફોનના વેચાણમાં સ્માર્ટ ફોનનો હિસ્સો 51.8 ટકા રહ્યો છે. આ પ્રમાણ ગયા વર્ષની સરખામણીએ 3.6 ટકા વધારે છે. સ્માર્ટ ફોનનું સૌથી વધારે વેચાણ એશિયા પ્રશાંત, લેટિન અમેરિકા અને પૂર્વ યુરોપમાં રહ્યું છે. અહીં વેચાણમાં ક્રમશ: 74.1 ટકા, 55.7 ટકા અને 31.6 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
વૈશ્વિક સ્માર્ટ ફોન માર્કેટમાં 31.7 ટકા માર્કેટ શેર સાથે સેમસંગ પહેલા ક્રમે છે. જ્યારે 14.2 ટકા હિસ્સા સાથે એપલ બીજા ક્રમે, એલજી ત્રીજા ક્રમે અને લેનોવો ચોથા ક્રમે રહી છે. ઓપરેટિંગ સિસ્ટમના મામલે એન્ડ્રોઇડ 79 ટકા સાથે પ્રથમ ક્રમે રહી છે.












Click it and Unblock the Notifications
