સ્ટાર ઇન્ડિયાને મળ્યા IPL ના પ્રસારણ અધિકાર, ચૂકવી અધધ રકમ
ગત 10 આઇપીએલથી ઇન્ડિયન પ્રીમિયર લીગનું પ્રસારણ સેટ મેક્સ ટીવી કરી રહ્યું છે. પણ હવે આઇપીએલની મેચ તમને સ્ટાર ઇન્ડિયા પર જોવા મળશે. સ્ટાર ઇન્ડિયાએ IPL મેચોના પ્રસારણનો અધિકારોને મોટી રકમ ચૂકવીને ખરીદી લીધા છે. સ્ટાર ઇન્ડિયાએ આ અધિકાર 16,347.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. સ્ટાઇ ઇન્ડિયાએ ટીવી અને ડિજિટલ માટે વર્ષ 2018 થી 2022 સુધીના રાઇટ્સ ખરીદ્યા છે. આઇપીએલના ટીવી પ્રસારણના અધિકારની આ રેસમાં સોની અને સ્ટાર નેટવર્ક પણ સૌથી આગળ હતા. પણ છેલ્લે આ બાજી સ્ટાર ઇન્ડિયા જીતી ગયું હતું.
આ સાથે જ ડિજીટલ પ્રસારણ માટે એરટેલ, જીયો, ટાઇમ્સ નેટવર્ક અને ફેસબુકે જગ્યા બનાવી હતી. આ નીલામીથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને મોટી કમાણી થઇ છે. આઇપીએલ મીડિયાના અધિકારોને બે ભાગમાં એટલે કે બ્રોડકાસ્ટ અને ડિજીટલ તેમ પાડવામાં આવ્યા છે. તે જોતા હવે આવનારા 5 વર્ષ એટલે કે 2018થી 2022 સુધી આઇપીએલની તમામ મેચોને લાઇવ બતાવાનો અધિકાર સ્ટાર ઇન્ડિયા પાસે રહેશે. ઉલ્લેખનીય છે કે 2008માં સોની ચેનલે આ રાઇટ્સ 8200 કરોડમાં ખરીદ્યા હતા. અને હવે 5 વર્ષ માટે તેના આ અધિકાર સ્ટાર ઇન્ડિયાએ ખરીદ્યા છે.