હવે ટાટા, મહિન્દ્રા અને રિલાયન્સ બનાવેશ ભારત માટે હથિયાર?
વારંવાર પાકિસ્તાન સંરક્ષણ મંત્રાલય તરફથી મળતી અણુ બોમ્બની ચીમકીઓ બાદ હાલમાં દેશ જે સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તે જોતાં ભારત સરકારની શસ્ત્રોને લઈને આત્મનિર્ભર બનવાની નીતિ યથાર્થ લાગી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભારત દુનિયામાં હથિયારો આયાત કરવાના મામલે નંબર વન પર છે. અને શસ્ત્ર-સરંજામથી સુસજ્જ થવાની દિશામાં સરકાર યોગ્ય પગલાઓ પણ લઇ રહી છે. તે માટે દેશનાં તમામ મોટા ઉદ્યોગો સંરક્ષણ ક્ષેત્રે રોકાણ પણ કરી રહ્યા છે.
આ મામલે રિલાયન્સ પ્રથમ હરોળમાં છે, જો કે ટાટા અને મહિન્દ્રા પણ સ્વદેશી હથિયારો બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. સાથે જ ભારત ઇલેક્ટ્રોનીક્સ લીમીટેડ પણ સેના માટે નાના હથિયારોથી માંડીને મિસાઈલ બનાવવામાં કાર્યરત છે. તો નજર કરી લઈએ એ કંપનીઓ પર જે ભારત માટે સ્વદેશી હથિયાર બનાવવા માટે રોકાણ કરી રહી છે.

ડીઆરડીઓ
ભારતીય સેનાની સશક્ત છબી પાછળ સૌથી મોટો હાથ જો કોઈનો હોય તો તે છે ડીઆરડીઓ નો. હથિયારો માટે અન્ય દેશો પરની ભારતની નિર્ભરતાને ડીઆરડીઓએ ખતમ કરવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. સરકારી મદદથી ડીઆરડીઓએ ઓછા રોકાણમાં પણ શ્રેષ્ઠ હથિયારો બનાવ્યા છે. જેમાં હથિયાર નિયંત્રણ પ્રણાલી, એન્ટેના, મિસાઈલ, લેઝર ચેતવણી સંવેદક, હળવા યુદ્ધ વિમાનો, વિમાનોના એન્જીન, ટેંક અને સાથે જ હાલમાં જ શોર્ટ કોર્નર રાઈફલ પણ વિકસિત કરી છે.

રિલાયન્સ ડીફેન્સ
અનીલ અંબાણીની રિલાયન્સ ડીફેન્સ સંરક્ષણ ક્ષેત્રે સૌથી મોટું રોકાણ કરવાની પેરવીમાં છે. હાલમાં જ રિલાયન્સ ડીફેન્સએ 25 ઔદ્યોગિક લાયસન્સ સાથે સંરક્ષણ ક્ષેત્રમાં સૌથી મોટી ખાનગી કંપની તરીકે સામે આવી છે. રિલાયન્સ પાસે હાલમાં રક્ષા ક્ષેત્રમાં સૌથી વધુ પરમીટ છે, જેમાં ભારે હથિયાર, સશસ્ત્ર વાહન, ગોળા-બારૂદ, યુએવી સહીત ઈલેક્ટ્રોનિક વોરફેયર સીસ્ટમ બનાવવાનું લાયસન્સ મળ્યું છે. આ ઉપરાંત પણ રિલાયન્સ નૌસેના માટે પણ કાર્યરત છે.

મહિન્દ્રા
ખાનગી ક્ષેત્રની મહિન્દ્રા પણ સંરક્ષણ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે છે. મહિન્દ્રા યુરોપિયન કંપની એયરબસ સાથે મળીને દેશમાં હેલીકોપ્ટર નિર્માણની દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરાંત બ્રિટનની અલ્ટ્રા ઇલેક્ટ્રોનીક્સ કંપની સાથે મળીને ભારતીય નૌસેના માટે અત્યાધુનિક રેડીઓ પ્રણાલી અને અન્ડર વોટર યુદ્ધાક ઉપકરણોનું નિર્માણ કરશે. હાલમાં સરકાર મહિન્દ્ર દ્વારા નિર્મિત મિલીટરી વહીકલનો ઉપયોગ કરી રહી છે.

ટાટા
ટાટા કંપની ભારતના સંરક્ષણ ક્ષેત્ર સાથે લાંબા સમયથી કાર્યરત છે. ટાટા હાલમાં ભારત માટે ઉન્નત કક્ષાની તોપોનાં નિર્માણમાં લાગી છે. સાથે જ સેનાનાં કાફલા માટે તેજ અને મજબૂત ટ્રક ઉપરાંત એન્ટી લેન્ડમાઈન વહીકલ પણ તૈયાર કરી રહી છે. હાલમાં જ મેક ઇન ઇન્ડિયા હેઠળ તેણે અમેરિકન સંપની બોઇંગ સાથે એક સંધી કરી છે જે અંતર્ગત બંને કંપનીઓ હૈદરાબાદ પાસે ઉન્નત કક્ષાનાં યુદ્ધ હેલીકોપ્ટર અપાચેનું નિર્માણ કરશે.

બોઇંગ
મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં વિદેશ રોકાણનો પ્રવાહ તીવ્ર ગતિથી વધી રહ્યો છે. જે માટે દેશ ઉપરાંત વિદેશી કંપનીઓ પણ પોતાના એકમો ભારતમાં સ્થાપિત કરવા માંગે છે. અમેરિકી કંપની બોઇંગ અને લોકહીટ માર્ટીન દેશમાં ફાઈટર જેટ બનાવવાનું એકમ સ્થાપિત કરવા માંગે છે. હાલમાં તેમાં કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ આગામી સમયમાં આ અડચણો દૂર થઇ શકે છે અને ભારતમાં બનેલા ફાઈટર જેટ દુનિયાનાં ફલકમાં વેંચાણ માટે આવી શકે છે. ભારતની રણનીતિ એ છે કે તે હવે હથિયારો આયાત કરનાર દેશોની શ્રેણીમાંથી બહાર આવવા માંગે છે. અને તેના માટે હાલની મોદી સરકાર કટિબદ્ધ છે. સરકારનાં પ્રયાસો એવા છે કે તેઓ 70% હથિયારો દેશમાં નિર્માણ કરે, જેના માટે મોટી કંપનીઓ પોત-પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે આગળ આવી રહી છે.












Click it and Unblock the Notifications
