વાયબ્રન્ટ ગુજરાતના અનુભવી એ કે શર્માની PMOમાં એન્ટ્રીથી ઉદ્યોગ જગતને આશા
નવી દિલ્હી, 17 જુલાઇ : ભારતીય ઉદ્યોગ જગતના મધાંતાઓ હવે વડાપ્રધાન કાર્યાલય (PMO - પીએમઓ)માં થયેલી અધિકારીઓની નિમણૂંકથી ખુશ છે. તેમને આશા છે કે તેમના પ્રશ્નો માટે તેઓ વડાપ્રધાન કાર્યાલયનો સીધો સંપર્ક કરી શકશે અને તેમના પ્રશ્નોને ઝડપથી ઉકેલી શકશે. આ કારણે ભારતીય ઉદ્યોગોને ગતિ મળશે. આ પાછળનું કારણ એ છે કે પીએમઓમાં નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ પૈકી એક અધિકારી ગુજરાતના છે. તેઓ વર્ષોથી નરેન્દ્ર મોદી સાથે કામ કરી રહ્યા છે અને વડાપ્રધાનની કાર્યશૈલીને બખૂબી જાણે છે.
આ અધિકારી અરવિંદ કુમાર શર્મા છે. તેઓ ગુજરાતમાં 1988ની બેચના આઇએએસ (IAS)અધિકારી છે. તેમને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન કાર્યાલયમાં અન્ય સંયુક્ત સચિવોની સાથે નિમવામાં આવ્યા છે. તેમને અહીં નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું એ કારણ એ પણ છે કે તેમને ઉદ્યોગો સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેઓ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ જવાબદારી સંભાળે છે.
ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં અરવિંદ કુમાર શર્માનો સિંહફાળો છે. આ ઉપરાંત ટાટા નેનો પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં લાવવાનું શ્રેય પણ તેમને જ જાય છે. આ કારણે નરેન્દ્ર મોદીનો વિશ્વાસ તેમનામાં વધી ગયો છે. તેમની આ કાબેલીયતને આધારે નરેન્દ્ર મોદી તેમને દિલ્હી લઇ ગયા છે. આ અંગે એક ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે 'સંયુક્ત સચિવ કક્ષાના અધિકારીનું વહીવટી તંત્રમાં આટલું પ્રભુત્વ હોય તે ભાગ્યે જ જોવા મળે છે.'

જો કે આ અપવાદ અંગે એક પૂર્વ અધિકારી એવી દલીલ કરે છે કે કોઇ પણ અધિકારીનું કહેવું કેટલું ચાલે છે એ મહત્વનું નથી હોતું. આ પહેલા અનેક વડાપ્રધાનના સચિવોમાં શક્તિશાળી સચિવો આવી ચૂક્યા છે. વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં મણિશંકર ઐયર, આર વાસુદેવન હતા. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનમાં અશોક સાઇકિયા અને વી પી સિંહના શાસનમાં ભૂરે લાલ હતા.
છેલ્લા ત્રણ સપ્તાહથી વધારે સમયથી દેશના ઉચ્ચ ઉદ્યોગ ગૃહોના અધિકારીઓ અનેકવાર શર્મા સાથે વાતચીત કરી ચૂક્યા છે. ઉદ્યોગજગતમાં તેમને એકેના નામથી ઓળખવામાં આવે છે. તેમણે વડાપ્રધાન કાર્યાલય સાથે ઉદ્યોગ ગૃહોની વ્યક્તિગત અને સંગઠિત બેઠકો યોજી છે. આ ચર્ચામાં તેમણે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર પાસેથી તેમના ચૂંટણી ઢંઢેરામાં ઉદ્યોગ ગૃહો માટે કરવામાં આવેલી જાહેરાતના સંદર્ભમાં છે.
આ મુદ્દાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, મોટા પ્રોજેક્ટ માટે પર્યાવરણનું ક્લિયરન્સ, વીજળી સંબંધિત પ્રશ્નો, સ્માર્ટ સિટી બાંધવા અમે તેમાં એફોર્ડેબલ મકાનો બનાવવા જેવી બાબતો માટે વડાપ્રધાન કાર્યાલય ઉદ્યોગ ગૃહો સાથે ચર્ચામાં છે. કહેવામાં આવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યાલય ઉદ્યોગો માટે એક સરખા મોડેલ પર કામ કરશે.
મહત્વની બાબત એ છે કે મોદી સરકારમાં કેટલાક અધિકારીઓને વિશેષ સત્તા આપવામાં આવી હતી. જેના પગલે તેઓ ગમે તે સમયે કેન્દ્રીય પ્રધાનો સાથે મહત્વના મુદ્દે ચર્ચા કરી શકતા હતા. જેથી અટકેલા પ્રોજેક્ટ્સને ઝડપથી ઉકેલ લાવીને કામ શરૂ કરી શકાય.
આ બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે અત્યાર સુધીમાં ભારતીય ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ સાથે ઘણી ઓછી વાત કરી છે. આમ છતાં ઉદ્યોગગૃહો ખુશી અને સંતોષ અનુભવી રહ્યા છે. ભારતીય ઉદ્યોગ જગતને આશા છે કે આ વ્યવસ્થાથી તેમની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી શકશે.
નોંધનીય છે કે મોદીએ ગુજરાતથી બે અધિકારીઓને પીએમઓમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે સામેલ કર્યા છે , જેમાં આઇએએસ અધિકારી એ કે શર્મા અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ભરત લાલનો સમાવેશ થાય છે.
અરવિંદ કુમાર એટ એ ગ્લાન્સ
- અરવિંદ કુમાર શર્મા ઉત્તર પ્રદેશના આઝમગઢથી આવે છે.
- તેઓ ગુજરાતના 1988ની બેચના IAS અધિકારી છે.
- નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એટલે કે 2001થી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરે છે.
- અરવિંદ કુમાર શર્મા ઇન્ડસ્ટ્રીઝ અને કોર્પોરેટ બાબતો તથા નરેન્દ્ર મોદીની વિદેશી પ્રતિનિધિઓ સાથેની મુલાકાત સંભાળતા આવ્યા છે.
- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલના આયોજનમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.
- શર્માએ જ ટાટા નેનોનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળના સિંગુરમાંથી ગુજરાતના સાણંદમાં લાવવામાં મદદ કરી હતી.
- પીએમઓમાં આવતા પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ હતા.












Click it and Unblock the Notifications
