એક જ દિવસમાં 1200 કરોડનો ધંધો કરવા કેવી હતી Flipkart, Snapdealની સ્ટ્રેટેજી?
ભારતના ઓનલાઇન રિટેલ માર્કેટમાં સોમવારે અનેક રેકોર્ડ તૂટ્યા છે. લોકોએ માત્ર ગણતરીના કલાકોમાં ધમાકેદાર ઓફર્સની તડાકેદાર ખરીદી કરી હતી. વાસ્તવમાં આ બંને ઓનલાઇન રિટેલર્સે વિવિધ ઉત્પાદનોમાં ભારે છૂટની ઓફર્સ આપી હતી.
જેના કારણે તેમણે એક જ દિવસમાં રૂપિયા 600 - 600 કરોડ થઇને કુલ રૂપિયા 1200 કરોડનો માલ વેચ્યો હતો. આ સાથે તેમણે ગ્રાહકોની ટેકનિકલ સમસ્યાઓ પણ દૂર કરી હતી. બીજી તરફ વિશ્વની અગ્રણી ઓનલાઇન કંપની એમેઝોને દિવાળી પૂર્વે પોતાનું સેલ જાહેર કર્યું છે.

આંકડાની ટક્કર
ફ્લિપકોર્ટે જણાવ્યું છે કે તેણે 10 કલાકમાં 10 કરોડ ડૉલર એટલે કે 600 કરોડ રૂપિયાથી વધુનો સામાન વેચ્યો છે. તો સ્નેપડીલનો દાવો છે કે તેણે એક મિનીટમાં એક કરોડનો માલ વેચ્યો છે.

રેકોર્ડ તોડ વેચાણ
ફિલ્પકાર્ટના સહ સંસ્થાપક સચિન બંસલ અને બિની બંસલનું કહેવું છે કે અમારી ધારણા 24 કલાકમાં 10 કરોડ ડૉલરનો માલ વેચવાની હતી, જે માત્ર 10 કલાકમાં જ થઇ ગયું હતું. ફ્લિપકાર્ટે સવારે 8 વાગે વેચાણ શરૂ કર્યું હતું અને મોટા ભાગનો સામાન બપોર સુધીમાં વેચાઇ ગયો હતો.

એક દિવસમાં લાખો પ્રોડક્ટ્સનું વેચાણ
સ્નેપડીલ કંપનીના સહસંસ્થાપક કુનાલ બહલનું કહેવું છે કે 6 ઓક્ટોબરે અમે એક મિનિટમાં એક કરોડનું વેચાણ કર્યું હતું. આખા દિવસ દરમિયાન લાખો પ્રોડક્ટ્સ વેચી હતી.

સાઇટ ક્રેશ થવાના કિસ્સા
ઓનલાઇન ખરીદી કરવા ગ્રાહકોના ભારે ધસારાને પગલે દિવસ દરમિયાન અનેકવાર ફ્લિપકાર્ટની સાઇટ ક્રેશ થઇ ગઇ હતી. અનેક ગ્રાહકોને તેમની ખરીદીની માહિતી મળી ન હતી. ફ્લિપકાર્ટને એક જ દિવસમાં એક અબજ હિટ્સ મળી હતી.

એમેઝોન તૈયાર છે
ઇ કોમર્સ કંપની એમેઝોન આગામી 10થી 16 ઓક્ટોબર દરમિયાન ખાસ ઓફર્સ લઇને આવી રહી છે. આ માટે તેણે તૈયારી દર્શાવી છે. કંપનીને આશા છે કે તેને પણ ભારતીય ગ્રાહકો તરફથી નિરાશા નહીં સાંપડે.