DiploMODI : પાકિસ્તાનમાં ‘મોદી’ ઊભો કરવાનો ‘સુપર પ્લાન’?

By કન્હૈયા કોષ્ટી
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 મે : તો નવાઝ શરીફ ભારત આવી રહ્યાં છે. તેમણે ભારત આવવાનું નિમંત્રણ સ્વીકારી લીધું છે. ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં નવાઝ શરીફ ભાગ લેવા સોમવારે નવી દિલ્હી આવશે અને આ સાથે જ ભારત સરકાર તો નહીં, પણ હાલ તો નરેન્દ્ર મોદીએ ફેંકેલો પહેલો પાસો બરાબર નિશાને બેસ્યો છે.

નવાઝ શરીફને શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રણ આપવાના નરેન્દ્ર મોદીના નિર્ણય અંગે છેલ્લા એક અઠવાડિયાથી ચારેકોર ચર્ચાઓ ચાલી રહી હતી. તાજી-તાજી બહુમતી મેળવી વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોવાના કારણે બિન-ભાજપી પક્ષો નરેન્દ્ર મોદીના આ પગલાનો ખુલીને વિરોધ નથી કરી રહ્યાં, તો ભાજપ અને મોદીના ટેકેદારો પણ મોદી દ્વારા નવાઝને નિમંત્રણ અપાતા બચાવની મુદ્રામાં આવી ગયાં છે, કારણ કે સામાન્ય રીતે અને સ્વાભાવિક રીતે ભારતીય જનતા પક્ષ તથા નરેન્દ્ર મોદીના નિવેદનો પાકિસ્તાનને લઈને ખૂબ જ સખ્ત રહેતા આવ્યાં છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે નરેન્દ્ર મોદી જાણતા હતાં કે પાકિસ્તાન સાથેનો કોઈ પણ મુદ્દો છંછેડવાનો મતલબ વિવાદ ઊભો કરવો જ હશે, પરંતુ આમ છતાં નરેન્દ્ર મોદીએ કયા કારણોસર નવાઝ શરીફને શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રવાનો જોખમ ઉપાડ્યો? કોંગ્રેસ સહિત તમામ મોદી વિરોધીઓ હાલ દબાયેલી જીભે વિરોધ કરી રહ્યાં છે અને મોદીનું પગલું અવડુ પડવાની રોહ જોઈને બેઠા છે, પરંતુ નરેન્દ્ર મોદી અને તેમની કાર્યશૈલીને નજીકથી જાણનારાઓને કદાચ મોદીનું આ પગલું જરાય આશ્ચર્યજનક નહીં લાગ્યું હોય અને તેઓ મોદીના આ પગલામાં પણ ભારત, ભાજપ અને મોદીનું હિત જ જોતા હશે.

પરંતુ નરેન્દ્ર મોદી વિશે વર્ષોથી લખતા અને છેલ્લા 13 વર્ષની તેમની સરકારી-વહિવટી-રાજકીય કાર્યશૈલી જોતાં હું શપથ ગ્રહણ સમારંભમાં સાર્ક દેશોના નામે નવાઝ શરીફને આમંત્રણ આપવાના નિર્ણય પાછળ નરેન્દ્ર મોદીનો પાકિસ્તાન અંગેનો ‘સુપર પ્લાન' જોઉ છું. નરેન્દ્ર મોદીનું આ પગલું ખૂબ જ દૂરદૃષ્ટિ ભરેલું છે. હું માનુ છું કે નરેન્દ્ર મોદીના આ પગલા અંગે મીડિયામાં અને કૂટનીતિક પંડિતો દ્વારા જે ચર્ચાઓ કે દલીલો અપાઈ રહી છે, તેના કરતા અનેકગણુ આગળનો વિચાર છે નરેન્દ્ર મોદીના આ પગલામાં.

ચાલો સ્લાઇડર સાથે બતાવીએ શું છે નરેન્દ્ર મોદીનો પાકિસ્તાન અંગેનો ‘સુપર પ્લાન'?

જોખમનું બીજુ નામ નરેન્દ્ર મોદી

જોખમનું બીજુ નામ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી એટલે જોખમનો પર્યાય કહી શકાય. ગુજરાતમાં છેલ્લા 13 વર્ષના શાસન દરમિયાન નરેન્દ્ર મોદીએ વહિવટી અને સરકારી રીતે અનેક જોખમો ઉઠાવ્યાં, તો રાજકીય રીતે પણ તેમની સામે જોખમો કે પડકારોની કોઈ ઉણપ નહોતી. નરેન્દ્ર મોદીએ દિલ્હી પહોંચતાં પોતાના ગુજરાત મૉડેલનો પાકિસ્તાન માટેના સુપર પ્લાનને અમલમાં લાવવાનો ઉપયોગ કર્યો અને વિવાદ ઊભા થવાની પાકી શંકાઓ જોવા છતાં તેમણે પોતાના શપથ ગ્રહણ સમારંભમાં નવાઝ શરીફને આમંત્રણ આપવાનો દૃઢ નિર્ણય કર્યો.

વિવાદથી બચવાનો કીમિયો

વિવાદથી બચવાનો કીમિયો

નરેન્દ્ર મોદી જાણતા હતાં કે માત્ર પાકિસ્તાની વડાપ્રધાનને આમંત્રણ અપાતા વિવાદ ઊભો થશે. એટલે જ મોદીએ આવા કેન્દ્રિત વિવાદથી બચવા માટે સાર્ક દેશનો સહારો લીધો. નરેન્દ્ર મોદીએ તમામ સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો કે જેમાં પાકિસ્તાનનો પણ સહજ સમાવેશ થઈ જાય છે. મોદીનું આમ વિચારવું કેટલું સાર્થક હતું, તે સાર્ક દેશો સાથે નવાઝ શરીફને પહોંચેલા આમંત્રણ બાદ ઊભી થયેલી ચર્ચાઓ પરથી સ્પષ્ટ થઈ જાય છે.

ચિત્ત ભી મેરી પટ્ટ ભી મેરી

ચિત્ત ભી મેરી પટ્ટ ભી મેરી

નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને પોતાના શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રણ આપી એવા ધર્મ સંકટમાં નાંખી દીધાં કે નવાઝની હા કે ના બંનેમાં વિજય નરેન્દ્ર મોદીનો જ થાય. જો નવાઝ શરીફે આ આમંત્રણ ન સ્વીકાર્યુ હોત, તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવો સંદેશ જાત કે ભારતની નવી સરકાર તરફથી આગળ કરાયેલ મૈત્રીનો હાથ પાકિસ્તાને ઝાલ્યો નહીં. જોકે નવાઝ શરીફે આવી બદનામીથી બચવા અંતે આમંત્રણ સ્વીકારી જ લીધું અને આમ મોદીની પહેલી ડિપ્લોમૅસી સફળ રહી કે જેને આપણે ડિપ્લોમોદી કહી શકીએ છીએ.

નવાઝને મજબૂર કર્યાં

નવાઝને મજબૂર કર્યાં

નવાઝ શરીફ પોતે પણ જાણે છે કે પાકિસ્તાનમાં પહેલાથી જ ભારત વિરોધી સૂર ઉગ્ર રહેતા હોય છે અને તેમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના પગલે તેઓની વિરુદ્ધ તો પાકિસ્તાનમાં વધુ રોષ છે. એનો દાખલો આતંકવાદી હાફિઝ સઈદ દ્વારા નવાઝ શરીફને ભારત નહીં જવાની ધમકીને ગણી શકાય છે. આમ મોદીના આમંત્રણ બાદ અવઢવમાં મૂકાયેલા નવાઝ શરીફ સામે પાકિસ્તાની પ્રજાના એક ભાગનો આંતરિક વિરોધ તો પડકાર હતો જ અને પછી હાફિઝ સઈદની ધમકી બાદ નવાઝ સામે પડકાર વધુ મજબૂત બની ગયો હતો. બીજી બાજુ નરેન્દ્ર મોદીની છબી એક મજબૂત અને દૃઢ સંકલ્પ નેતા તરીકેની છે અને એક એવા નેતા દ્વારા અપાયેલ આમંત્રણનો અસ્વીકાર કરવો નવાઝને વ્યક્તિગત રીતે પણ ન પોસાતું.

આ છે નરેન્દ્ર મોદીનો સુપર પ્લાન

આ છે નરેન્દ્ર મોદીનો સુપર પ્લાન

હવે વાત આવે છે મુદ્દાની. તમામ કૂટનીતિક વિશેષજ્ઞો નરેન્દ્ર મોદીના નવાઝ શરીફને આમંત્રણના પગલા અંગે જૂની અને ચીલાચાલુ ચર્ચાઓ કરી રહ્યાં છે, પરંતુ મોદીનું આ પગલું દૂરંદેશીભર્યું છે. મોદીનું પગલું માત્ર 26મી, 2014 માટે નહીં, પણ લાંબાગાળા માટેનું છે. નરેન્દ્ર મોદી પાકિસ્તાનની આંતરિક રાજકીય-વહિવટી વ્યવસ્થાઓ અંગે સારી રીતે જાણે છે. મોદીને એ પણ જાણ છે કે પાકિસ્તાનમાં ચૂંટાયેલા વડાપ્રધાનની શક્તિઓ પણ મર્યાદિત છે. પાકિસ્તાનમાં સત્તાના ઘણા કેન્દ્રો છે કે જેમાં એક બાજુ આતંકવાદી સંગઠનો, બીજી બાજુ સૈન્ય અને ત્રીજી બાજુ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન. નરેન્દ્ર મોદી પોતાના સુપર પ્લાન મુજબ નવાઝ શરીફ સાથેની મૈત્રીને આગળ મંત્રણાઓમાં અને લાંબી મંત્રણાઓમાં ફેરવશે અને પાકિસ્તાનમાં પણ પોતાના જેવો મજબૂતીનો પર્યાય ‘મોદી' ઊભો કરશે. નરેન્દ્ર મોદી જાણે છે કે નવાઝ શરીફ હજુ ચાર વર્ષ સત્તા પર રહેવાનાં છે. એવામાં જો પાકિસ્તાનને કાબૂમાં રાખવો હોય, તો વડાપ્રધાન નવાઝ શરીફને પોતાના કાબૂમાં કરવા પડશે અને નવાઝ શરીફ ત્યારે જ કાબૂમાં આવશે કે જ્યારે તેમનો પોતાનો કાબૂ પોતાની સત્તા અને દેશ ઉપર હશે.

નવાઝને ‘નરેન્દ્ર' બનાવશે મોદી?

નવાઝને ‘નરેન્દ્ર' બનાવશે મોદી?

જો નરેન્દ્ર મોદીનો પાકિસ્તાન અંગેનો સુપર પ્લાન સફળ નિવડે, તો પાકિસ્તાનમાં નવાઝ શરીફ પોતાની જાતને નરેન્દ્ર મોદી જેવા બનાવશે. પાકિસ્તાનમાં પોતાની સરકારને મજબૂત બનાવવા નવાઝ શરીફ તેમની સરકાર સામે પડકાર ફેંકનાર તમામ આતંકવાદીઓ તથા સૈન્યને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરશે. જો નવાઝ શરીફને મોદી મંત્ર લાગૂ પડી જાય, તો પાકિસ્તાનમાં એક મજબૂત સરકાર રહે કે જેની સાથે ભારત લાંબાગાળાની સમજૂતીઓ પણ કરી શકે. આમ નરેન્દ્ર મોદીનો પોતાની ડિપ્લોમોદી દ્વારા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝને નરેન્દ્ર બનાવવાનો પ્લાન છે અને નવાઝે જે રીતે તમામ વિરોધો છતાં ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું, તેનાથી સ્પષ્ટ છે કે નવાઝને નરેન્દ્ર બનાવવાનો મોદીનો પ્લાન પહેલા તબક્કામાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયો.

આ ‘નસ' પણ હાથે આવી શકે

આ ‘નસ' પણ હાથે આવી શકે

નવાઝ શરીફ તરીકે જો પાકિસ્તાનમાં નરેન્દ્ર મોદી પેદા થાય, તો નિશ્ચિત વાત છે કે સ્વાતંત્ર્યકાળથી પડતર રહેલ કાશ્મીર મુદ્દો પણ ઉકેલાઈ જાય. પાકિસ્તાન માટે તો કાશ્મીર હંમેશા અગ્રતાક્રમનો મુદ્દો રહેતો આવ્યો છે, પરંતુ ભારતમાં કદાચ નરેન્દ્ર મોદીની એવી પહેલી સરકાર હશે કે જેની યાદીમાં કાશ્મીર મુદ્દો અગ્રતાક્રમનો છે. તેથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે તણખલાઓ વધુ ઝરશે, પરંતુ જો મોદીનો પાકિસ્તાન અંગેનો સુપર પ્લાન સફળ નિવડે, તો પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ નબળા પડશે અને આ સાથે જ કાશ્મીર મુદ્દે સદ્ભાવપૂર્ણ અને ઉદારતા સાથે વાતચીત શરૂ થવાનો માર્ગ પણ મોકળો થશે. નરેન્દ્ર મોદીને જાણનારા કહી શકે છે કે જે રીતે સરદાર પટેલે સોમનાથમાં વગર વિવાદે શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું, તેવી જ રીતે નરેન્દ્ર મોદી પણ પોતાની ડિપ્લોમોદી દ્વારા કાશ્મીરની એક ઇંચ ધરતી પણ પાકિસ્તાનને આપ્યા વગર કાશ્મીર મુદ્દો ઉકેલી નાંખશે.

English summary
DiploMODI : All diplomacy specialists are debates usual about invitaion to Nawaz Sharif in Narendra Modi's oath ceremony, but we thinks that a major ‘Super Plan’ of Narendra Modi for Pakistan. Modi's intent is very previsional. Modi willing to setup a strong ruler in Pakistan and he may be establish Nawaz as Narendra in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X