Sachin-Sara Love Story-Divorce: વિદેશમાં પ્રેમ, પરિવાર વિરુદ્ધ લગ્ન, સચિન-સારાની ફિલ્મી લવસ્ટોરી, છૂટાછેડા...
Sachin-Sara Love Story-Divorce: રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે તેમની પત્ની સારા પાયલટથી છૂટાછેડા લઈ લીધા છે. નોમિનેશન માટે આપવામાં આવેલી એફિડેવિટ દ્વારા આ પહેલીવાર બહાર આવ્યું છે. વાસ્તવમાં સચિન પાયલટે મંગળવારે ટોંકથી નોમિનેશન ભર્યું હતું. નોમિનેશન ફાઈલ કર્યા બાદ આપેલા સોગંદનામામાં તેમણે પત્નીના નામની આગળ 'ડિવોર્સ્ડ' લખ્યુ છે.
પાયલટ અને સારાએ 2004માં લવ મેરેજ કર્યા હતા. લગભગ 19 વર્ષ પછી બંનેએ પોતાનો રસ્તો બદલી નાખ્યો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પાયલોટ અને સારાના છૂટાછેડા ક્યારે થયા? આવો, જાણીએ તેમની પ્રેમ કહાની ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ.

વિદેશમાં થઈ મુલાકાત
કોંગ્રેસ નેતા સચિન પાયલટનો જન્મ 7 સપ્ટેમ્બર 1977ના રોજ વિદેશમાં થયો હતો. સચિન પાયલટના પિતાનું નામ રાજેશ પાયલટ અને માતાનું નામ રમા પાયલટ છે. સચિને એરફોર્સ બાલ ભારતી સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી અને IMT, ગાઝિયાબાદમાંથી માર્કેટિંગમાં ડિપ્લોમા મેળવ્યો.
આ પછી તેમણે ગુડગાંવની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં અઢીથી ત્રણ વર્ષ કામ કર્યું. આ પછી તેઓ વધુ અભ્યાસ માટે વિદેશ ગયા. પાયલોટ વિદેશમાં અભ્યાસ દરમિયાન સારા અબ્દુલ્લાને મળ્યા હતા. સારા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઓમર અબ્દુલ્લાની બહેન છે. સારા અને સચિન વચ્ચે પ્રથમ મુલાકાતમાં મિત્રતા વધી અને તે પ્રેમમાં પરિણમી.
પ્રેમમાં ધર્મ બન્યો અડચણ
અભ્યાસ પૂરો કરીને સચિન પાયલટ વિદેશથી ભારત પરત ફર્યા પરંતુ સારાએ અમેરિકામાં રહીને અભ્યાસ પૂરો કર્યો. લાંબા અંતરમાં પણ તેમની વચ્ચેનો પ્રેમ ઓછો થયો નહીં. બંને ઈમેલ દ્વારા વાત કરતા હતા. આ પછી બંનેએ આ વિશે પોતપોતાના પરિવારજનોને કહેવાનું નક્કી કર્યું. જ્યારે તેમના પરિવારજનોની સામે તેમના સંબંધો પ્રકાશમાં આવ્યા ત્યારે તેમની વચ્ચે ધર્મની દીવાલ આવી ગઈ. સારા મુસ્લિમ હોવાના કારણે અને પાયલટ હિંદુ હોવાને કારણે પરિવાર સમર્થનમાં આવ્યો ન હતો.
બંનેએ 2004માં કર્યા લગ્ન
બંનેના પરિવારજનોએ લગ્ન કરાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ફારુક અબ્દુલ્લા આ લગ્નના સખત વિરોધમાં હતા. સારાએ તેના પિતાને લગ્ન માટે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે રાજી ન થયા. બીજી તરફ પાયલટના પરિવારે તેમના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આ પછી બંનેએ 2004માં લગ્ન કરી લીધા. પરંતુ આ લગ્નમાં માત્ર પાયલટ પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. અબ્દુલ્લાનો પરિવાર હાજર રહ્યો ન હતો. સચિન અને સારાને બે પુત્રો છે. મોટા પુત્રનું નામ આરન પાયલટ અને નાના પુત્રનું નામ વિહાન પાયલટ છે.
સાંસદ બન્યા તો અબ્દુલ્લા પરિવારે સ્વીકાર કર્યો
પિતા રાજેશ પાયલટના અવસાન બાદ સંજોગો એવા બન્યા કે સચિન પાયલટને રાજકારણમાં આવવું પડ્યું. માત્ર 26 વર્ષની ઉંમરે, તેઓ દૌસાથી તેમની પ્રથમ લોકસભા ચૂંટણી લડીને અને મોટા માર્જિનથી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા. થોડા સમય પછી અબ્દુલ્લા પરિવારે પણ પોતાની નારાજગી ભૂલીને સચિન પાયલટને પોતાના જમાઈ તરીકે સ્વીકારી લીધા. ડિસેમ્બર 2018માં, જ્યારે સચિન પાયલટે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા ત્યારે સારા પાયલટ, બંને પુત્રો અને ફારૂક અબ્દુલ્લાએ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
સચિન-સારા સાથે 2018માં સાથે, 2023માં છૂટાછેડા
સચિન પાયલટે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં ટોંક સીટ પરથી દાખલ કરેલા નૉમિનેશન પેપરમાં તેમની પત્નીનું નામ છૂટાછેડા લીધેલ લખ્યું છે, જ્યારે 2018ની ચૂંટણીમાં તેમની પત્નીનું નામ લખવામાં આવ્યું છે. મતલબ કે પાંચ વર્ષમાં સારા અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો એટલા બગડી ગયા કે બંનેએ ગુપ્ત રીતે છૂટાછેડા લઈ લીધા. આ પહેલા 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન સચિન પાયલટ અને સારાના અલગ થવાની વાત થઈ હતી પરંતુ પછી તે માત્ર અફવા હોવાનું કહેવાય છે.












Click it and Unblock the Notifications
