
શું 'ઉકાળો' લીવર ખરાબ કરી શકે? જાણો આયુષ મંત્રાલયે શું આપ્યો જવાબ
નવી દિલ્લીઃ છેલ્લા અમુક સમયથી એવુ કહેવામાં આવી રહ્યુ છે કે લાંબા સમય સુધી ઉકાળા પીવાથી લીવરને નુકશાન થાય છે. જો કે આયુષ મંત્રાલયે મંગળવારે આ દાવાઓને ધરમૂળથી ફગાવી દીધા છે. આયુષ મંત્રાલયનુ કહેવુ છે કે એ ખોટો ભ્રમ છે કે ઉકાળાથી લીવરને નુકશાન થાય છે. ઉકાળો બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે બધી વસ્તુઓ ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મીડિયા સાથે વાતચીતમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ કહ્યુ કે તજ, તુલસી અને મરીનો ઉપયોગ ઉકાળો બનાવવા માટે કરવામાં આવે છે અને તેની શ્વસનતંત્ર પર અનુકૂળ અસર થાય છે તેમજ તે ઈમ્યુનિટી વધારવામાં કારગર પુરવાર થાય છે.

ઉકાળો કેટલો પ્રભાવી છે તે જાણવા માટે સંશોધન
મંત્રાલયે અન્ય વસ્તુઓ સાથે સાથે તુલસી, તજ, કાળા મરી, સૂંઠ(આદુનો પાવડર) અને સૂકી દ્રાક્ષનો ઉપયોગ કરીને ઉકાળો બનાવવા અને દિવસમાં એક-બે વાર તેનુ સેવન કરવાની સલાહ આપી હતી પરંતુ સચિવે એ જરૂર કહ્યુ કે કોવિડ-19 સામે આ ઉકાળો કેટલો પ્રભાવી છે તે જાણવા માટે સંશોધન ચાલુ છે.

આયુષ સ્ટાન્ડર્ડ પ્રોટોકૉલ
તમને જણાવી દઈએ કે મંગળવારે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક વર્ચ્યુઅલ કૉન્ફરન્સ દ્વારા આયુષ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકૉલ લૉન્ચ કર્યુ હતુ જે હેઠળ કોરોનાના લક્ષણ વિનાના અને હળવા લક્ષણવાળા દર્દીઓને હવે ઔપચારિક રીતે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

આ પહેલા કોરોના બિમારીથી રિકવર થયેલા લોકો માટે આયુષ મંત્રાલયે આ ગાઈડલાઈન જારી કરી હતી
- કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના નવા પ્રોટોકૉલમાં બિમારીથી રિકવર થયેલા લોકોએ ચ્યવનપ્રાશ ખાવો, હળદરવાળુ દૂધ પીવુ, યોગ અને ફરવાની સલાહ આપી છે.
- ઘરમાંથી બહાર નીકળતી વખતે હંમેશા માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટંસીંગ જાળવી રાખવુ. હંમેશા ગરમ પાણીનુ સેવન કરવુ અને બહારનુ ભોજન ન કરવુ. ઈમ્યુનિટી વધારતી આયુર્વેદિક દવાઓ લેવી.
- આયુષ મંત્રાલયના નિર્દેશોનુ પાલન કરવુ. હળવી કે મધ્યમ કસરતો કરવી. રોજ યોગાસ, પ્રાણાયામ અને મેડિટેશન કરવુ. ઈલાજ કરનાર ડૉક્ટરે બતાવેલી શ્વાસની કસરતો કરવી.
- સંતુલિત આહાર લેવો. પૂરતી ઉંઘ લેવી અને આરામ કરવો. ધૂમ્રપાન અને દારૂનુ સેવન ન કરવુ.
- ઘરે સેલ્ફ હેલ્થ મોનિટરીંગ કરવુ જેમ કે ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, બ્લડ શુગર, પલ્સ ઑક્સીમીટર વગેરે ચેક કરવુ.
- જો સૂકી ખાંસી કે ગળામાં ખારાશ હોય તો કોગળા કરવા અને વરાળ લેવી જેમાં ઔષધિ કે મસાલાનો ઉપયોગ કરી શકાય છે. એલોપેથિક ડૉક્ટર કે આયુષ ડૉક્ટરની જણાવેલી દવાઓ લેવી.
- જાગૃતિ વધારવા માટે કોરોનાથી રિકવર થયેલા દર્દી પોતાના દોસ્તો, સંબંધીઓ સાથે અનુભવ શેર કરી શકે છે.
ગુજરાતઃ 10મા અને 12માં બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં લેવાશે