Chandipura Viral Encephalitis: શું છે ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ? જાણો લક્ષણો અને ઇતિહાસ
- ચાંદીપુરા કોઇ નવો રોગ નથી વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો
- વરસાદી ઋતુમાં સામાન્યત: જોવા મળતો રોગ છે
- વેકટર -અસરગ્રસ્ત સેન્ડા ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે
- 9 મહીનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે
- બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું
What is Chandipura Viral Encephalitis?: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગ થી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.
આ કોઇ નવો રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે.
જે વેકટર -અસરગ્રસ્તણ સેન્ડવ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે.
હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે, ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
મંત્રીએ રાજ્યમાં હાલ આ રોગની સ્થિતિ વિશે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

જે તમામ ના સેમ્પલ પુના ખાતેની લેબમા પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનું પરિણામ સરેરાશ 12 થી 15 દિવસમાં આવે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે, પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે.
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.
રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. મંત્રીએ આ ક્ષણે રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં, પરંતુ સાવચેતી જરૂરથી રાખવા જણાવ્યું છે, અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મગજના તાવ (સીએચપીવી)નો રોગચાળો તાવના લક્ષણો સાથે વર્ષ 1965માં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો.
આ વાયરસ જીન્સ વેસિક્યુલોવાયરસ કુટુંબને અનુસરે છે. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે, ખાસ કરીને ઉત્તર-મધ્યગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે.












Click it and Unblock the Notifications
