
ડ્રગ કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતને મળ્યા જામીન, બેંગલુરુથી બહાર જવા પર રોક
બેંગલુરુઃ જાણીતા ફિલ્મ અભિનેતા શક્તિ કપૂરના દીકરા અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની સોમવારે બેંગલુરુ સ્થિત એક ક્લબમાં પાર્ટી દરમિયાન ડ્રગ્સનો ઉપયોગ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હવે તેને આ મામલે જામીન મળી ગયા છે. સિદ્ધાંત કપૂર સાથે ચાર અન્ય લોકોને પણ પોલિસે કસ્ટડીમાં લીધા હતા તેમને પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે. સિદ્ધાંત કપૂરને એ શરતે જામીન મળ્યા છે કે તે બેંગલુરુથી બહાર નહિ જાય અને પોલિસની પૂછપરછમાં મદદ કરશે.
બેંગલુરુના ડીસીપી ઈસ્ટ ભીમા શંકરે જણાવ્યુ કે જ્યારે પોલીસ બોલાવશે ત્યારે સિદ્ધાંત કપૂર અને અન્ય ચારને પૂછપરછ માટે આવવુ પડશે. નોંધનીય છે કે સિદ્ધાંત કપૂરની રવિવારે રાત્રે બેંગલોર પોલીસે પાર્ટી દરમિયાન ડ્રગ્સનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરી હતી. બેંગલોર સિટી પોલીસના ડેપ્યુટી કમિશનરે કહ્યુ કે સિદ્ધાંત કપૂરના મેડિકલમાં ખુલાસો થયો છે કે તેણે ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો. અમે તેની ધરપકડ કર્યા બાદ યોગ્ય પ્રક્રિયાને અનુસરી હતી. અમે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલીશુ.
બેંગલુરુ પોલીસને માહિતી મળી હતી કે રવિવારે રાત્રે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બેંગલોરના એમજી રોડ પર આ પાર્ટી યોજાઈ હતી. જે દરમિયાન ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીસીપીએ કહ્યુ કે અમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન 35 લોકોની અટકાયત કરવામાં આવી. અમને કોઈ વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મળ્યુ નથી પરંતુ નજીકમાં જ MDMA અને ગાંજો મળી આવ્યા હતા. અમે CCTV ફૂટેજ તપાસીશુ અને જાણીશુ કે અહીં MDMA અને ગાંજો કોણે રાખ્યો હતો.
દવાનો ઉપયોગ કરનારાઓના સેમ્પલ મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. પોલીસે જણાવ્યુ હતુ કે તે સ્પષ્ટ નથી થયુ કે આ શખ્સોએ ડ્રગ્સનો ઉપયોગ હોટલમાં કર્યો હતો કે પાર્ટીમાં ડ્રગ્સ લઈને આવ્યા હતા. હોટલને પણ નોટિસ આપવામાં આવી છે અને તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. બેંગલોર પોલીસે ડ્રગ્સ સામે યુદ્ધ છેડ્યુ છે. આ મહિનાની શરૂઆતમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે 34 લોકોનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.