મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવન આધારિત "સાવજનું કાળજું" પુસ્તકનું વિમોચન કર્યુ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણી, ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના જીવનને આલેખતા "સાવજનું કાળજું" પુસ્તકનું વિમોચન કર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણી, ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના જીવનને આલેખતા "સાવજનું કાળજું" પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા પ્રજા માટે જાગતા અને પ્રજાના દુઃખમાં સહભાગી થનારા સક્રિય લોકનેતા હતા. જીવન અને મૃત્યુ એ જીવનનો ક્રમ છે, પરંતુ મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે તેવું જીવન અમુક વીરલાઓને જ પ્રાપ્ત થતું હોય છે, આ વીરલાઓ પૈકીના એક એવા સ્વ. વિઠ્ઠલભાઈ આજે આપણી વચ્ચે નથી, તેમ છતાં પણ તેઓ આજે પણ લોક હ્રદયમાં જીવંત બની રહ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકનેતા સક્રિય હોય, જાગતો હોય, પ્રજાના કાર્યો માટે હરહંમેશ તૈયાર હોય તેવા જૂજ નેતાઓ પૈકીના એક લોકનેતા વિઠ્ઠલભાઈ રાદડિયા હતા. તેઓ આજે "સાવજનું કાળજું" પુસ્તક સ્વરૂપે લોકો વચ્ચે પુનઃ જીવંત બન્યા છે. આ પુસ્તક નવી પેઢીને સક્રિય રાજકારણમાં લોકોની સેવા કરવાની નવી પ્રેરણા આપતું રહેશે. મુખ્યમંત્રીએ પ્રજાના પ્રશ્નો માટે હરહંમેશ જાગૃત રહેલા રાદડીયા પરિવારના કાર્યને બિરદાવતાં ઉમેર્યું હતું કે, પ્રશ્નોથી ભાગવાનો નહીં, પરંતુ સામી છાતીએ મુકાબલો કરવો એ રાદડીયા પરિવારનો ગુણ રહ્યો છે. તેમણે આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાની તેમના પિતા સ્વ. વિઠ્ઠલભાઈની જેમ લોકોની સેવા કરવાની ભાવનાને પણ બિરદાવી હતી.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે મારા પિતાનું સમગ્ર જીવન લોકસેવાને સમર્પિત હતું. તેમનું જીવન અને તેમણે આદરેલા લોકસેવાના કાર્યો સમાજ સેવાની પ્રેરણા આપે છે. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન રાહત સમિતિ, સિટી કાઉન્સીલ ઓફ જેતપુર સહિતની સંસ્થાઓના ઉપક્રમે જેતપુર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે તેમજ સૌરાષ્ટ્રમાં વિવિધ ૪૦ જેટલા સ્થળોએ સેવાના કાર્યો તેમજ રક્તદાન કેમ્પ અંતર્ગત સાત હજાર બોટલ રક્ત દર્દીઓની સારવાર માટે એકત્ર કરાયુ છે, તેમ જણાવીને મંત્રીએ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સહભાગી થવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માન્યો હતો.
વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવન કવનને ઉજાગર કરતા "સાવજનું કાળજુ" પુસ્તકના લેખક રવજી ગાબાણી છે. પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં ૬૧,૦૦૦ રેકોર્ડ બ્રેક પ્રત છપાતાં તેની ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ નોંધ લીધી છે.












Click it and Unblock the Notifications
