કરીના કપૂરની પ્રેગનેન્સી બુકને લઈને વિવાદ, ધાર્મિક મુદ્દે હાઈકોર્ટની નોટીસ
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર મોટા વિવાદમાં ફસાઈ છે. કરીનાએ પ્રેગનેન્સી મુદ્દે લખેલી બુકને લઈને મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે.
સમાચારો અનુસાર, મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક નાગરિકની અરજી પર અભિનેત્રી કરીના કપૂર ખાનને નોટિસ ફટકારી છે. આ સમાચાર બાદ કરીના કપૂર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી છે.

કરીના કપૂરે ગર્ભાવસ્થા પર એક પુસ્તક લખ્યું છે જેના શીર્ષકમાં બાઇબલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ કરવા બદલ તેમની સામે ફોજદારી કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે.
અભિનેત્રીનું પુસ્તક કરીના કપૂર ખાન'સ પ્રેગ્નન્સી બાઈબલઃ ધ અલ્ટીમેટ મેન્યુઅલ ફોર મોમ્સ-ટુ-બી ઓગસ્ટ 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અભિનેત્રી આ પુસ્તકને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
વકીલ ક્રિસ્ટોફર એન્થોનીએ પોતાની અરજીમાં કહ્યું છે કે કરીના કપૂરના આ પુસ્તકના શીર્ષકથી ખ્રિસ્તીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પુસ્તકના શીર્ષકમાં બાઇબલ શબ્દનો ઉપયોગ સસ્તી લોકપ્રિયતા મેળવવાના હેતુથી કરવામાં આવ્યો છે અને તે તદ્દન વાંધાજનક છે.
ક્રિસ્ટોફર એન્થોનીએ એડિશનલ સેશન્સ કોર્ટના આદેશને પડકારીને હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. જણાવી દઈએ કે એડિશનલ સેશન્સ કોર્ટે કરીના કપૂરની વિરુદ્ધ કેસ નોંધવાની અરજી ફગાવી દીધી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 1 જુલાઈ 2024ના રોજ થશે.
માહિતી અનુસાર, મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસીએ શરૂઆતમાં કરીના કપૂર વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી વકીલ ક્રિસ્ટોફર એન્થોનીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે પુસ્તકના શીર્ષકથી ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે, કારણ કે બાઈબલ જેવા પવિત્ર પુસ્તકની અભિનેત્રીની પ્રેગ્નન્સી સાથે તુલના કરી શકાય નહીં.
પોલીસે કેસ નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી એન્થોનીએ રાહત મેળવવા મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી. તેની અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી, કારણ કે તે સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો કે કેવી રીતે બાઇબલ શબ્દના ઉપયોગથી ખ્રિસ્તીઓની લાગણીઓને ઠેસ પહોંચી છે.












Click it and Unblock the Notifications
