માત્ર મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં ગણાય, જરૂરી ધાર્મિક વિધિઓ અનિવાર્ય: ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે હિંદુ લગ્ન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી દેવાથી હિંદુ લગ્ન કાયદેસર માન્ય બની જતા નથી. હિંદુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ લગ્નને માન્યતા મેળવવા માટે કાયદામાં નિર્ધારિત આવશ્યક ધાર્મિક વિધિઓનું પાલન કરવું ફરજિયાત છે.

હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, જો હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્નની આવશ્યક વિધિઓ, જેમ કે સપ્તપદી (સાત ફેરા) અથવા સંબંધિત પરંપરા અનુસારની અન્ય ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી ન હોય, તો માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે લગ્નને કાયદેસર ગણાવી શકાય નહીં. કોર્ટનું કહેવું છે કે લગ્નનું રજિસ્ટ્રેશન માત્ર લગ્નનો રેકોર્ડ છે, તે પોતે લગ્નને માન્ય બનાવતું નથી.
આ કેસમાં વિદેશમાં રહેતા એક વ્યક્તિએ દલીલ કરી હતી કે તેના નામે લગ્નનું રજિસ્ટ્રેશન થયું હતું, પરંતુ હકીકતમાં બંને વચ્ચે હિંદુ પરંપરા મુજબ કોઈ લગ્નવિધિ થઈ નહોતી. કેસની સુનાવણી દરમિયાન મહિલાએ પણ સ્વીકાર્યું હતું કે બંનેએ ધાર્મિક વિધિ મુજબ લગ્ન કર્યા નહોતા.
આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો અગાઉનો નિર્ણય રદ કર્યો અને સંબંધિત લગ્નને શરૂઆતથી જ અમાન્ય (Null and Void) જાહેર કર્યા.
કાનૂની નિષ્ણાતોના મત મુજબ, આ ચુકાદો ભવિષ્યમાં આવા અનેક વિવાદાસ્પદ કેસોમાં મહત્વનો દાખલો બની શકે છે. સાથે જ, હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ કાયદેસર લગ્ન માટે માત્ર રજિસ્ટ્રેશન નહીં પરંતુ જરૂરી ધાર્મિક વિધિઓનું પાલન પણ એટલું જ આવશ્યક હોવાનું આ નિર્ણય ફરી એકવાર સ્પષ્ટ કરે છે.












Click it and Unblock the Notifications
