મુંબઈ, 13 નવેમ્બર : બૉલીવુડમાં પોતાના અલગ અંદાજ અને સ્મિત સાથે રાજ કરનાર અભિનેત્રી જુહી ચાવલાને કદાચ કોઈ પરિચયની જરૂર નથી. આજે જુહી સિલ્વર સ્ક્રીન પર ભલે ઓછા દેખાતા હોય, પરંતુ આજે પણ તેમના એક સ્મિત પર લાખો લોકો ફિદા છે. સુંદર અને સ્ટાઇલ આઇકૉન જુહી ચાવલા આજે 47 વર્ષના થઈ ગયાં છે.
હા જી, જુહી ચાવલાનો આજે જન્મ દિવસ છે. જુહીએ હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીને અનેક સુપર હિટ ફિલ્મો આપી છે. કયામત સે કયામત તક ફિલ્મ દ્વારા આમિર ખાન સાથે બૉલીવુડ ડેબ્યુ કરનાર જુહી ચાવલા 90ના દાયકામાં સૌના દિલો પર રાજ કરતા હતાં. હમ હૈં રાહી પ્યાર કે, યસ બૉસ, બોલ રાધા બોલ, ઇશ્ક, ડર, સ્વર્ગ જેવી અનેક ફિલ્મો જુહીના ખાતામાં છે.
આમિર ખાન અને શાહરુખ ખાન સાથે જુહી ચાવલાની જોડી ખૂબ જામી, તો ગોવિંદા અને ઋષિ કપૂર પણ જુહી સાથે અનેક ફિલ્મોમાં દેખાયાં. જુહીને એકમાત્ર અફસોસ એ જ વાતનો છે કે તેમને સલમાન ખાન સાથે કામ કરવાની તક ન મળી.
1984માં મિસ ઇંડિયાનો ખિતાબ પામી શહોરત હાસલ કરનાર જુહી ચાવલા માત્ર એક અભિનેત્રી જ નહીં, પણ નિર્માત્રી પણ છે. જુહી ચાવલા છેલ્લે ગુલાબ ગૅંગ ફિલ્મમાં પહેલી વાર માધુરી દીક્ષિત સાથે દેખાયા હતાં.