વિશ્વરૂપમ પર મનાઈ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કમલ
ચેન્નઈ, 30 જાન્યુઆરી : કમલ હસન મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેમની ફિલ્મ વિશ્વરૂપમ સામે 4થી ફેબ્રુઆરી સુધી ફરમાવવામાં આવેલ વચગાળાના મનાઈ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

કમલ હસન મદ્રાસ હાઈકોર્ટની ડબલ બેંચ દ્વારા ફિલ્મ સામે આગામી સોમવાર સુધી મનાઈ હુકમ ફરમાવાતાં ખૂબ દુઃખી છે. સવારથી ચાલતાં ઘટનાક્રમ હેઠલ કમલ હસને પ્રથમ દેશ છોડવાની ધમકી આપ્યા બાદ સમજૂતી માટે તૈયારી દર્શાવી છે, તો બીજી બાજુ મદ્રાસ હાઈકોર્ટના આ મનાઈ હુકમથી કમલને જોરદાર ઝાટકો લાગ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટના આ ચુકાદાને કમલ હસન સુપ્રીમ કોર્ટમાં પડકારશે. કમલ અગાઉ જ કહી ચુક્યાં છે કે વિશ્વરૂપમ તેમની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મ ઉપર તેમનું બધું જ દાવ પર લાગેલું છે. તેથી તેની રિલીઝિંગમાં વિઘ્નો આવતાં મોટું નુકસાન થઈ રહ્યું છે.
મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેંચે મંગળવારે બપોરે વિશ્વરૂપમ ફિલ્મને બેંગલુરૂના 12 થિયેટરોમાં રજુ કરવાની મંજૂરી આપી હતી અને મોડી રાત્રે ફિલ્મ ઉપરના પ્રતિબંધને ગેરકાયેદસર ઠેરવી તેને મંજૂરી આપી દીધી હતી. જોકે તામિળનાડુ સરકારે આ ચુકાદાને હાઈકોર્ટની ડબલ બેંચ સમક્ષ પડકાર્યો હતો. તેની ઉપર બુધવારે સવારે શરૂ થયેલી સુનાવણીને અંતે હાઈકોર્ટે વિશ્વરૂપમ સામે 4થી ફેબ્રુઆરી સોમવાર સુધી વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટના આ ચુકાદાથી કમલ હસનને મોટો ફટકો પડ્યો છે.












Click it and Unblock the Notifications
