
ફાળકેને મરણોપરાંત ભારત રત્ન આપવાનો આગ્રહ
દાદાસાહેબ ફાળકેના પૌત્રોએ તેમના પત્ની સરસ્વતી ફાળકેને પણ સન્માનિત કરવાનો આગ્રહ કર્યો છે. સરસ્વતી ફાળકે પ્રથમ ભારતીય ફિલ્મ ટેક્નિશિયન રહ્યાં છે. આગામી 30મી એપ્રિલે દાદાસાહેબની 143મી જન્મજયંતી છે.
દાદાસાહેબના પૌત્ર ચંદ્રશેખર પુસાલ્કરે જણાવ્યું - જ્યારે દાદાસાહેબ ફાળકે એકલા હતાં, ત્યારે પત્ની સરસ્વતી ઢાળની જેમ તેમની સાથે કાયમ ઊભા રહ્યાં. પોતાના નૌ બાળકોના ઉછેર સાથે સરસ્વતી ફાળકે બપોરના તડકામાં ફિલ્મના શૂટિંગ વખતે છાંયડો કરવા માટે સફેદ ચાદર લઈ ઊભા રહેતાં. તેઓ ફિલ્મ વિકસાવવાની સામગ્રી તૈયાર કરતાં. આખી રાત મીણબત્તીના પ્રકાશમાં ફિલ્મની કાચી શીટ તૈયાર કરતાં. ફિલ્મની આખી ટીમ માટે જમવાનું બનાવતાં.
બીજા પૌત્ર કિરણ ફાળકેએ જણાવ્યું - સરકારે માત્ર એક વાર 1970માં દાદાસાહેબની જન્મ શતાબ્દીએ તેમના પરિવારની નોંધ લીધી હતી. દાદાસાહેબના બંને પૌત્રો મુંબઈમાં રહે છે. કિરણે પોતાના દાદાના સંઘર્ષના દિવસો યાદ કરતાં જણાવ્યું - મને યાદ છે કે 30ના દાયકાના છેલ્લા વર્ષોમાં દાદાસાહેબ ફાળકેએ પોતાના પુત્ર ભાલચંદ્રને એક પત્રમાં લખ્યુ હતું કે બેટા મારી પાસે ઝેર ખરીદવા સુદ્ધાના રુપિયા નથી. મદદ કરો. આ વાતને યાદ કરી આજે પણ મારી આંખો છલકાઈ આવે છે.
દાદાસાહેબનો પરિવાર આ બાબતથી નારાજ છે કે 44 વર્ષથી ભારતીય સિનેમામાં સૌથી વધુ સનમાનિત પુરસ્કાર દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અપાવા છતાં કોઇએ તેમના વંશજોનો સમ્પર્ક સુદ્ધા ન કર્યો કે નથી કોઈ નોંધ લીધી.