
નાના પાટેકરને મળેલી ક્લીન ચિટ પર બોલી તનુશ્રીઃ આ અફવા, પોલિસ તપાસ કરી રહી છે
તનુશ્રી દત્તાએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે નાના પાટેકરને પોલિસે ક્લીન ચિટ આપી નથી. તનુશ્રીએ એ મીડિયા રિપોર્ટ્સને પણ ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે નાના પાટેકરને મુંબઈ પોલિસે ક્લીન ચિટ આપી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે કોઈ પણ પ્રત્યક્ષદર્શી તનુશ્રી દત્તા તરફથી લગાવવામાં આવેલ આરોપોને પ્રમાણિત કરી શક્યા નથી. તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે નાના પાટેકર અને તેમની ટીમ આ પ્રકારની ખોટી અફવાઓ ફેલાવી રહી છે.
આ પણ વાંચોઃ મોદી નેતા નહિ અભિનેતા, સારુ રહેત અમિતાભને જ પીએમ બનાવી દેતઃ પ્રિયંકા ગાંધી

આ કેસની તપાસ હજુ પણ ચાલી રહી છેઃ તનુશ્રી
તનુશ્રી તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે મીડિયામાં એક ખોટી અફવા ચાલી રહી છે કે નાના પાટેકરને યૌન શોષણ મામલે પોલિસે ક્લીન ચિટ આપી દીધી છે. હું સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ કે મુંબઈ પોલિસે એવુ કોઈ નિવેદન આપ્યુ નથી અને આ કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે જેની પુષ્ટિ મારા વકીલ નિતિન સતપુતે અને મુંબઈ પોલિસે કરી છે. મારા વકીલ ટૂંક સમયમાં આ કેસમાં મારા તરફથી પ્રેસ કોન્ફરન્સ કરશે.

નાનાને નથી મળી રહ્યુ કામ
તનુશ્રીએ નાના પાટેકર પર આરોપ લગાવીને કહ્યુ કે આ અફવાને નાના પાટેકરની પીઆર ટીમ ફેલાવી રહી છે. નાના પાટેકરને ઈન્ડસ્ટ્રીમાં કામ નથી મળી રહ્યુ. એટલા માટે પબ્લિકમાં તેમની છબી સુધારવા માટે આમ કરવામાં આવી રહ્યુ છે. તનુશ્રીએ પોતાના નિવેદનમાં લખ્યુ છે કે નાના પાટેકરના લોકો અને નાના પાટેકર આ કેસમાં સાક્ષીઓને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાથી રોકવા માટે ધમકી આપી રહ્યા છે. આના કારણે કોઈ સાક્ષી પોતાનું નિવેદન નથી નોંધાવી રહ્યા. આ તપાસને પ્રભાવિત કરવા માટે ખોટા સાક્ષીઓ બનાવવામાં આવી રહ્યા છે. સાક્ષીઓને અલગ અલગ ફોન નંબર દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે. શું આવી રીતે ન્યાય મળી શકે છે?

ભલે ગમે તેટલો સમય લાગે હું નાના પાટેકરને જેલની અંદર જોવા માટે રાહ જોઈશ
તનુશ્રીએ કહ્યુ કે મને હજુ પણ આશા છે કે ભલે ગમે તેટલો સમય લાગે હું નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, પ્રોડ્યુસર સામી સિદ્દીકી અને ડાયરેક્ટર રાકેશ સાવંતને જેલની અંદર જોવા માટે રાહ જોઈશ. હું આ બધાને સરળતાથી છોડવાની નથી. તમે તમારા કામ માટે પસ્તાશો અને માફી માંગશો. ભલે ન્યાય મળવામાં ગમે તેટલો સમય કેમ ના લાગે. મારી પાસે આના માટે ઘણો સમય છે. અભિનેત્રીની આ ફરિયાદને 6 મહિના થઈ ચૂક્યા છે અને કહેવામાં આવી રહ્યુ છે કે આ કેસમાં હજુ સુધી આગળ કંઈ પણ કરવામાં આવી શક્યુ નથી.

10 વર્ષ પહેલા થઈ હતી આ ઘટના
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અભિનેત્રી તનુશ્રી દત્તાએ બોલિવુડની જાણીતા અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રીએ પોતાના આરોપમાં કહ્યુ હતુ કે દસ વર્ષ પહેલા ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ'ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેમની સાથે છેડછાડ કરી હતી. ત્યારબાદ તે બોલિવુડથી દૂર અમેરિકા જતી રહી હતી પરંતુ અમેરિકાથી ભારત પાછી આવેલી તનુશ્રી દત્તાએ 2018માં એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન આ મુદ્દો ફરીથી ઉઠાવ્યો અને બોલિવુડ સહિત આખા દેશમાં #MeToo નામનું એક તોફાન શરૂ થઈ ગયુ. જો કે નાના પાટેકર તનુશ્રીના લગાવેલા બધા આરોપોને ખોટા ગણાવી ચૂક્યા છે.