Money Laundering Case: જેકલીન ફર્નાન્ડિઝે કોર્ટમાંથી પાછી ખેચી અરજી, વિદેશ જવાની માંગી હતી મંજુરી
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ ઘણા સમયથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. જેકલીનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે તેના સંબંધો હતા ત્યારથી જ જેકલીન EDના રડાર પર છે. તાજેતરમાં જ જેકલીને વિદેશ જવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી, પરંતુ આજે પણ જેકલીનને રાહત મળી શકી નથી. અભિનેત્રી દ્વારા કોર્ટમાં આપેલી અરજી પાછી ખેંચી લીધી છે.

UAE, ફ્રાન્સ અને નેપાળ જવા માંગી હતી પરવાનગી
હકીકતમાં, 12 મેના રોજ જેકલીન ફર્નાન્ડિઝે અબુ ધાબીમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સમાં ભાગ લેવા માટે વિદેશ જવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. જેકલીન અબુ ધાબીમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માંગતી હતી. જે બાદ તેણે પટિયાલા હાઉસ કોર્ટ પાસે UAE, ફ્રાન્સ અને નેપાળ જવાની પરવાનગી માંગી હતી. મળતી માહિતી મુજબ, આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન તેની તરફેણમાં ઘણી ખામીઓ જોવા મળી હતી, જેના કારણે આખરે જેકલીનના વકીલે તેની અરજી પાછી ખેંચી લીધી હતી.
ફ્રાન્સ અને નેપાળ જવાની પરવાનગી માંગતી અરજી પર, EDએ કોર્ટને કહ્યું કે જેક્લીનનો નેપાળમાં હાજરી આપવાનો આમંત્રણ પાસ રદ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ફ્રાન્સ જવાના મામલે, EDએ નિવેદન આપ્યું હતું કે જેકલીન ED ઓફિસમાં સંતોષકારક દસ્તાવેજો જમા કરાવી શકી નથી, જેના કારણે તેને ફ્રાન્સ જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

EDએ અનેક વારી કરી પુછપરછ
ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કનેક્શન સામે આવ્યા બાદ EDએ જેકલીનની અનેકવાર પૂછપરછ કરી અને તેનું નિવેદન પણ નોંધ્યું. ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરતા, EDએ ગયા મહિને જેકલીનની ભેટો અને સંપત્તિઓ જપ્ત કરી હતી જે તેને સુકેશ દ્વારા આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ ગિફ્ટ્સની કિંમત 7 કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે.

આ રીતે જેકલીનનું નામ સામે આવ્યું
આપને જણાવી દઈએ કે સુકેશ હાલમાં એક મહિલાને તેના પતિને જામીન અપાવવાના નામે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં EDએ ચંદ્રશેખરની કથિત સહયોગી પિંકી ઈરાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી જ બોલિવૂડ અભિનેત્રી જેકલીનનું નામ સામે આવ્યું હતું. એવો આરોપ છે કે પિંકી ઈરાની જેકલીન માટે મોંઘી ગિફ્ટ્સ લાવતી હતી, જેની ચૂકવણી ચંદ્રશેખર કરતો હતો. તે આ ભેટો જેકલીનને આપતી હતી.