અમિતાભની જેમ નાના પણ વિશ્વાસ નથી ધરાવતા ફિલ્મ પ્રમોશનમાં
મુંબઈ, 28 સપ્ટેમ્બર : આજે જ્યારે પોતાની ફિલ્મો પ્રમોટ કરવા એક્ટર્સ કોઈ પણ સ્ટંટ બાકી નથી રાખતાં ત્યારે અમિતાભ બચ્ચન અને નાના પાટેકર જેવા ટૉપના એક્ટર્સ એવાં પણ છે કે જેઓ પોતાની ફિલ્મો પ્રમોટ કરવામાં વિશ્વાસ નથી ધરાવતાં. ઘણાં સમય બાદ નાના પાટેકર કોઈ ફિલ્મમાં નજરે પડવાનાં છે અને તે ફિલ્મ છે પ્રિયદર્શનની કૉમેડી ફિલ્મ કમાલ ધમાલ માલામાલ.

આ ફિલ્મમાં નાના લીડ રોલમાં નથી, પરંતુ તેમણે એક બહુ જ રોમાંચક પાત્ર ભજવ્યું છે. કારણ કે આ ફિલ્મ અક્ષય કુમારની ઓહ માય ગૉડ ફિલ્મ સાથે રિલીઝ થવાની હતી, તેથી તેને પણ પ્રમોશનની જરૂર હતી, પરંતુ નાનાએ પોતાની ફિલ્મના પ્રમોશનમાં કોઈ પણ પ્રકારે ભાગ લેવાનો એકદમ ઇનકાર કરી દીધો. નાનાનું માનવું છે કે ફિલ્મમાં અભિનય કર્યા બાદ તેમનું કામ સમાપ્ત થઈ જાય છે. પ્રમોશન કરવું તેમનું કામ નથી.
નાનાએ જણાવ્યું, ‘પ્રચાર મારું કામ નથી, મારું કામ અભિનય કરવું અને ફિલ્મમાં પોતાનો અવાજ આપવાનું છે, પરંતુ આજકાલ ટ્રેન્ડ બદલાઈ ગયાં છે. દરેક વ્યક્તિ પોતાની ફિલ્મોનો પ્રચાર કરે છે. મને લોકોને મારી ફિલ્મો જોવાની વિનંતી કરવું નથી છાજતું. મને લાગે છે કે જો ફિલ્મ સારી હોય, તો લોકોએ તે જોવી જ જોઇએ.'
નાનાની વાતો સાંભળી કેટલાંક દિવસ અગાઉ બૉલીવુડના બિગ બી એટલે કે અમિતાભની વાત યાદ આવી ગઈ. અમિતાભે પણ તાજેતરમાં જ બૉલીવુડ એક્ટરો દ્વારા ફિલ્મ પ્રમોશન માટે કરાતી વિચિત્ર કરામાતો અંગે કૉમેટ કરતાં જણાવ્યું હતું કે તેમને ફિલ્મોનું પ્રમોશન કરવું પસંદ નથી. જોકે આજકાલ વગરપ્રમોશને ફિલ્મો ચાલવી મુશ્કેલ છે, પરંતુ આમ છતાં તેઓ પાતની ફિલ્મોનું પ્રમોશન નથી કરતાં.
હવે અમિતાભ સાથે નાના પાટેકર પણ નો પ્રમોશનનું બેનર લઈને ઊભા થઈ ગયા છે, પરંતુ શું વગર પ્રમોશને આજે તેમની ફિલ્મ કમાલ ધમાલ માલામાલ બૉક્સ ઑફિસે સફળતા મેળવી શકશે. બસ ઇંતેજાર કરો બૉક્સ ઑફિસ રિપોર્ટનો.












Click it and Unblock the Notifications
