Nora Fatehi Road Accident: બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની કારનો થયો અકસ્માત, નશામાં ધૂત ડ્રાઈવરે મારી ટક્કર
Nora Fatehi Road Accident: બોલિવૂડની 'દિલબર ગર્લ' નોરા ફતેહી એક ગંભીર માર્ગ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે નોરા મુંબઈમાં આયોજિત 'સનબર્ન ફેસ્ટિવલ'માં પરફોર્મ કરવા માટે રવાના થઈ રહી હતી. જોકે, રાહતની વાત એ છે કે નોરા સુરક્ષિત છે, પરંતુ તેને સામાન્ય ઈજાઓ પહોંચતા તબીબોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, નોરા ફતેહી મશહૂર ફ્રેન્ચ મ્યુઝિક પ્રોડ્યુસર અને ડીજે ડેવિડ ગુએટાના કોન્સર્ટમાં સામેલ થવા માટે પોતાના ઘરેથી નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે નોરાની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. નોરાની ટીમે તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.
નશામાં ધૂત હતો કારનો ડ્રાઈવર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોરાની કારને ટક્કર મારનાર ડ્રાઈવર નશાની હાલતમાં હતો. દારૂના નશામાં ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડી ચલાવીને નોરાની લક્ઝરી કારને અથડાવી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું છે. પોલીસ દ્વારા આ મામલે ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
નોરા ફતેહીની હેલ્થ અપડેટ
હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોક્ટરોએ સાવચેતીના ભાગરૂપે નોરાનો સીટી સ્કેન (CT Scan) કરાવ્યો હતો. સદનસીબે, રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ઇન્ટરનલ બ્લીડિંગ કે ગંભીર ઈજા જોવા મળી નથી. ડોક્ટરોએ જણાવ્યું છે કે તેને સામાન્ય ઈજાઓ છે અને હાલ તેની સ્થિતિ સ્થિર છે. જોકે, તેને માનસિક આઘાત અને શારીરિક થાકને કારણે આગામી થોડા દિવસો સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ લેવા માટે કહેવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર પ્રાર્થનાનો દોર
નોરાના અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ ચિંતામાં મુકાયા છે. લાખો ચાહકો તેની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ અકસ્માતને કારણે હવે તે આગામી કાર્યક્રમોમાં પરફોર્મ કરી શકશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.












Click it and Unblock the Notifications
