
'પઠાન' ફિલ્મનો વિરોધ નહિ કરે વિહિપ, ફિલ્મ જોવી કે નહિ તેનો નિર્ણય જનતા પર છોડ્યો
Pathaan: શાહરુખ ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પઠાન' આજે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગઈ. દેશના ઘણા ભાગોમાં તેને લઈને વિવાદ અને વિરોધ સતત ચાલુ છે. આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. જો કે, હવે વિશ્વ હિંદુ પરિષદે ફિલ્મનો વિરોધ કરવાનો ઈનકાર કરી દીધો છે. વિહિપના પ્રવકતા શ્રીરાજ નાયરે કહ્યુ કે હાલમાં પઠાન ફિલ્મનો વિરોધ વિશ્વ હિંદુ પરિષદ નહિ કરે. પહેલાની આપત્તિઓને ધ્યાનમાં રાખીને ફિલ્મમાં ફેરફાર કરવામાં આવ્યા છે માટે હવે ફિલ્મને જોયા પછી જો અમને કંઈ પણ વાંધાજનક લાગશે તો અમે આ ફિલ્મનો વિરોધ કરીશુ.

દેશભરના ઘણા ભાગોમાં થઈ રહ્યો છે વિરોધ
તમને જણાવી દઈએ કે પઠાનને લઈને દેશભરના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પઠાનની રિલીઝ થવાના એક દિવસ પહેલા બિહારના ભાગલપુરમાં વિરોધ પ્રદર્શન કરીને હિંદુ સંગઠનોના યુવાનોએ સિનેમા હૉલમાં પોસ્ટર ફાડીને સળગાવી દીધા હતા. ઉત્તર પ્રદેશમાં પણ વિરોધ યથાવત છે. આનો જોતા યુપીના ઘણા થિયેટર માલિકોએ મૂવી રિલીઝ માટે સુરક્ષાની માંગ પણ કરી છે.

વિહિપે જનતા પર છોડ્યો નિર્ણય
ઉલ્લેખનીય છે કે પઠાન ફિલ્મ આજથી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ છે. ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને ઘણો વિવાદ થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદે પણ તેનો વિરોધ કર્યો હતો. વિહિપના ક્ષેત્ર મંત્રી આશિક રાવલે પણ એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે સેન્સર બોર્ડે ફિલ્મ પઠાનમાં ફેરફાર કર્યા છે, તેથી લોકો આ ફિલ્મ જોવા માંગે છે કે નહિ તે લોકો પર નિર્ભર છે.

વિહિપે તમામ કાર્યકરોનો માન્યો આભાર
પઠાન ફિલ્મના વિરોધમાં ઘણા શહેરોમાં દેખાવો જોવા મળ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ફિલ્મનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો. આશિક રાવલે કહ્યુ કે સેન્સર બોર્ડે અશ્લીલ ગીતો અને અભદ્ર શબ્દોને ઠીક કર્યા છે. તે સારી વાત છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે લડી રહેલા તમામ કાર્યકરોનો હું આભાર માનુ છુ. હું હિન્દુ સમાજને અભિનંદન આપુ છુ.

ફિલ્મ પઠાનના એડવાન્સ બુકિંગે તોડ્યા રેકૉર્ડ
તમને જણાવી દઈએ કે યશરાજ બેનરની આ ફિલ્મને લઈને ઘણા સમયથી વિરોધ થયો હતો. ફિલ્મમાં સલમાન ખાન અને ઋતિક રોશનના પણ પાત્ર છે. જોકે બંને ગેસ્ટ રોલમાં છે. પઠાન ફિલ્મમાં વૉર અને ટાઈગરનુ પણ કનેક્શન છે. લોકોમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. ફિલ્મે જે પ્રકારનુ એડવાન્સ બુકિંગ કર્યુ છે તે જોતા લાગે છે કે ફિલ્મ મોટી હિટ સાબિત થઈ શકે છે.