Salman Khan House Firing : સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે અપાઈ હતી આટલા લાખની સોપારી
સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. હવે પોલીસ સામે સોપારીને લઈને ખુલાસા થયા છે.
આ કેસના આરોપી સાગર પાલ અને વિકી ગુપ્તા મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બિહાર જઈને બંને આરોપીઓના પરિવારજનોનું નિવેદન નોંધ્યું છે.

હવે આ કેસમાં ખુલાસો થયો છે કે આરોપીઓને સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરવા માટે લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, સાગર પાલ અને તેના ભાગીદાર વિકી ગુપ્તા બંનેને કથિત રીતે ફાયરિંગ માટે 4 લાખની ઓફર કરવામાં આવી હતી. આમાં 1 લાખ એડવાન્સ આપવામાં આવ્યા હતા. બંનેને કામ પૂરું થયા બાદ બાકીના પૈસા ચૂકવી દેવાની ખાતરી આપવામાં આવી હતી.
જણાવી દઈએ કે, આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલની સોમવારે રાત્રે કચ્છના માતાના મઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા. તેમણે પૈસા માટે ફાયરિંગ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરતા પહેલા તેણે અભિનેતાના ઘરની આસપાસ ત્રણ વખત ચક્કર લગાવ્યા હતા. પોલીસને ઈદના દિવસે પણ તેમની હાજરીની શંકા છે.
ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા વિક્કી ગુપ્તા અને સાગર પાલને સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, રવિવારે બે વ્યક્તિઓ બાઇક પર આવ્યા હતા અને સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. તેમણે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટના બાદ સલમાન ખાનનો પરિવાર આઘાતમાં છે. સલમાનના ભાઈ અરબાઝ ખાને નિવેદન જાહેર કર્યું હતું કે આ એક હેરાન કરનારી ઘટના છે.
ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે સલમાન ખાનને તેના ઘરે મળ્યા હતા. આ દરમિયાન સલમાનના પિતા સલીમ ખાન પણ તેમની સાથે હતા.












Click it and Unblock the Notifications
