જિંદગીનો ત્રીજો જન્મદિવસ જેલમાં મનાવશે ‘ખલનાયક’ મુન્નો
નાયકમાંથી ખલનાયક અને ખલનાયકમાંથી ગાંધીગીરી કરનાર નાયક બનેલો બૉલીવુડનો મુન્નો એટલે કે સંજય દત્ત ભલે આજે ભૂતકાળમાં કરેલા કર્મની સજા યરવાડા જેલમાં ભોગવી રહ્યો હોય, પરંતુ તેની સાથે જોડાયેલી બાબતો આજે પણ માનસપટમાં આવતી રહે છે. એક આદરણીય બૉલીવુડ પરિવારમાં જન્મેલા સંજય દત્તનો આજે 54મો જન્મ દિવસ છે. દેશભર તથા વિશ્વભરના તેના ચાહકો તેનો આ જન્મ દિવસ મનાવી રહ્યાં હશે અને તે બહુ જલદી જેલમાંથી બહાર આવી જાય તેવી કામનાઓ કરી રહ્યાં છે, પરંતુ જેલ યાત્રા કરી રહેલા સંજય દત્તના જન્મ દિવસ સાથે એક અનોખો સંયોગ જોડાયેલો છે.
આજે અમે અહીં સંજય દત્તના જન્મ દિવસ પર તેની ફિલ્મી યાત્રા તેના વિવાદ કે પછી અન્ય બાબતો અંગે જરા પણ જણાવી રહ્યાં નથી, પરંતુ આજે અમે એક એવી વાત જણાવી રહ્યાં છીએ કે જે ભાગ્યેજ તેના ચાહકો કે પછી અન્ય ફિલ્મ રસિકો અને સ્ટાર લાઇફ અંગે જાણવા માગતા વાચકો પાસે હશે.
વાત એ દુઃખદ પળથી કરીએ જેણે માત્ર મુંબઇ, ભારત જ નહીં પરંતુ બૉલીવુડ જગતને પણ હચમાચવી નાંખ્યું હતું. આ ઘટના છે. 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટની. વિસ્ફોટ કરવામાં સામેલ ગુનેગારોને 20 વર્ષ બાદ સજા મળી ચૂકી છે. જેમાં ગેરકાયદે રીતે હથિયાર રાખવાના મામલામાં બૉલીવુડ અભિનેતા સંજય દત્તને પણ સજા થઇ. 2007માં સંજય દત્તને સંભળાવવામાં આવેલી છ વર્ષની સજાને ઓછી કરીને પાંચ વર્ષની કરી નાંખવામાં આવી, સંજય દત્તે અગાઉ 18 મહિના જેલમાં વિતાવ્યા હતા અને હાલ તે બાકીના સાડા ત્રણ વર્ષની સજા જેલમાં ભોગવી રહ્યો છે.
વાત જ્યારે તેના જન્મદિવસની કરવામાં આવી રહી છે ત્યારે એ 18 મહિનાને પણ જરૂરથી યાદ કરવા જોઇએ અને અમારી એ વાત પણ ખલનાયકમાંથી ગાંધીગીરી કરનારો મુન્નાભાઇ બનેલા સંજય દત્તના એ 18 મહિના અને તેની જેલ યાત્રા પર છે. સંજય દત્તને 93ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં પહેલીવાર 19 એપ્રિલ 1993ના રોજ મોકલવામાં આવ્યો હતો. તેણે 18 દિવસ જેલમાં વિતાવ્યા બાદ 5 મેના રોજ જામીન મળ્યા હતા અને ત્યાર બાદ તેને 4 જુલાઇ 1994ના રોજ ફરીથી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો. આ વખતે તેણે લાંબો સમય જેલમાં વિતાવવો પડ્યો. આ સમય અવધિ 12 મહિના અને 18 દિવસની હતી. સંજય દત્તને 18 ઓક્ટોબર 1995ના રોજ જામીન મળ્યા હતા અને તે ફરીથી જેલની બહાર આવ્યો હતો.
એ સમયે સંજય દત્ત એટલો મેચ્યોર નહોતો જેટલો હાલ છે, જીવનના અનેક ઉતાર ચઢાવ જોઇ ચૂકેલા અભિનેતાના જીવનની કદાચ આ કરૂણ વાસ્તવિકતા છે કે તેણે તેના જીવનના બે જન્મ દિવસ તો જેલમાં મનાવ્યા છે, પરંતુ તે આજે તેના જીવનનો 54મો અને જેલકાળનો ત્રીજો જન્મ દિવસ જેલમાં અન્ય કેદીઓ સાથે મનાવી રહ્યો છે. યુવાનીના એ જોશમાં કરેલી ભૂલના અફસોસ સાથે જેલના દિવસો કાઢી રહેલો સંજય દત્ત કે પછી સંજુ બાબા કે પછી ખલનાયક કે પછી ગાંધીગીરી કરી અનેક યુવાઓના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી ચૂકેલો મુન્નાભાઇ ઘણો બદલાઇ ગયો છે.