For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Excl : શું ઐશ, શું પરેશ, લાગી છે ‘મોદી રેસ’!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 10 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં પ્રચાર પડઘમ હવે પરાકાષ્ઠાએ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, રાહુલ ગાંધી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, નિતિન ગડકરી, અરુણ જેટલી, સુષમા સ્વરાજ સહિત રાજકીય નેતાઓ છેલ્લો જોર લગાવી રહ્યાં છે, તો બીજી બાજું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે બૉલીવુડ-ટેલીવુડ કલાકારો સાથેના સંબંધો હવે કામે લાગી રહ્યાં હોય તેમ લાગે છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી બૉલીવુડ અને ટેલીવુડના કલાકારોના ધાડેધાડા ઉતરી આવ્યાં છે. શું ઐશ, શું પરેશ? નાના-મોટા અનેક કલાકારોએ ગુજરાતની ચુંટણીમાં મોદીના ટેકામાં ઝંપલાવ્યું છે. નવજોત સિંહ સિદ્ધૂ અને પરેશ રાવલ છેલ્લા કેટલાંક દિવસથી સતત સભાઓ ગજવી રહ્યાં છે, તો ગઈકાલે ઐશ્વર્યા રાયે પણ આડકતરી રીતે મોદીને ટેકો આપતું નિવેદન આપ્યું.

ઐશ્વર્યા રાય ગઈકાલે વડોદરા ખાતે એક જ્વૅલરી શો રૂમના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતાં અને તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના વિકાસથી તેઓ પ્રભાવિત છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ગુજરાતની ખુશ્બુમાં વિકાસની મહેક છે.

નોંધનીય છે કે ઐશના લવિંગ ફાદર ઇન લૉ એટલે કે બિગ બી અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાતના વિકાસના ગુણગાન કરતી જાહેરાત ખુશ્બુ ગુજરાત કી કરતાં હોય તો પછી લવિંગ ડૉટર ઇન લૉને ગુજરાતની ખુશ્બુમાં વિકાસની મહેક કેમ ના અનુભવાય.

એક બાજુ મોદી સતત પ્રચારમાં કોંગ્રેસની આબરૂના લીરેલીરા ઉડાવી રહ્યાં છે, તો તેમને પણ સોનિયા ગાંધી, મનમોહન સિંહ સહિત અનેક કોંગી નેતાઓ તરફથી સણસણતો જવાબ મળી રહ્યો છે. એવી પરિસ્થિતિમાં બૉલીવુડ-ટેલીવુડ મોદીના વહારે હોય, તો તે મોદી અને ભાજપ બંને માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઐશ અગાઉ પરેશ રાવલ અને નવજોત સિંહ સિદ્ધૂએ અનેક સભાઓમાં મોદીના ટેકામાં ભાષણો કરી કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યા છે. બંને હાલમાં પણ ગુજરાતમાં સતત ભાજપનું પ્રચાર કરી રહ્યાં છે, તો ગઈકાલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પણ ગુજરાત આવી પહોંચી છે. દિલીપ જોશી (જેઠાલાલ), દિશા વાકાણી (દયા), સોઢી જેવા કલાકારો પોતાના આગવા અંદાજે ભાજપના ટેકામાં પ્રચાર કરી રહ્યાં છે.

ક્યારેક ટેલીવિઝનના તુલસી તરીકે જાણીતાં અને હાલ ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય પ્રમુખ સ્મૃતિ ઈરાની પણ સતત સભાઓ ગજવી રહ્યાં છે, તો ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મ કલાકારો મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, ફિરોજ ઈરાની જેવા કલાકારો પણ ભાજપ અને મોદીના ટેકામાં સભાઓ ગજવી રહ્યાં છે.

ઉપરાંત ભાજપની વિવિધ જાહેરાતોમાં પણ કેટલાંક કલાકારો દેખાઈ રહ્યાં છે. મનોજ જોશી અને વિવેક ઓબેરૉય મોદી સરકારના વખાણ કરતાં ટેલીવિઝનના પડદે નજરે પડે છે.

બીજી બાજું કોંગ્રેસ તરફથી પણ કેટલાંક કલાકારો પ્રચારમાં દેખાય છે. જેમ કે રાજ બબ્બર, અમીષા પટેલ તથા અસરાની જેવા કલાકારો પણ કોંગ્રેસ માટે મત માંગી રહ્યાં છે. કોંગ્રેસને આ વખતે રાજેશ ખન્નાની ખોટ પણ સાલે છે. તેઓ પણ ગુજરાતમાં ચુંટણી પ્રચારાર્થે આવતા હતાં, પરંતુ થોડાક મહીના અગાઉ તેમનું નિધન થઈ ગયું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X