તારક મહેતા ફેમ સોઢી ગુરૂચરણ સિંહ ઘરે પરત ફર્યા, જાણો અત્યારસુધી ક્યાં હતા?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર ભજવીને ફેમસ થયેલા અભિનેતા ગુરૂચરણ સિંહ 25 દિવસ ગાયબ રહ્યા બાદ ઘરે પરત ફર્યા છે.
ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગાયબ હતા અને શુક્રવારે ઘરે પરત ફર્યા છે. ઘણા દિવસો સુધી ગુમ થયા બાદ અભિનેતા પોતે આજે ઘરે પરત ફર્યા.

પરિવારજનોએ દિલ્હીમાં તેના ગુમ થવા અંગે એફઆઈઆર નોંધાવી હતી. પરત ફરતાં પોલીસે સોઢીની પૂછપરછ કરી છે.
દિલ્હી પોલીસે અપહરણનો કેસ નોંધ્યો હતો અને અભિનેતાને શોધવા માટે તપાસ ચાલી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણે પૂછપરછ દરમિયાન અધિકારીઓને કહ્યું કે તે પોતાનું સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર હતા.
પોલીસે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં તે અમૃતસર અને લુધિયાણા જેવા અનેક શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયા પરંતુ બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમણે ઘરે પરત ફરવું જોઈએ.
જણાવી દઈએ કે, ગુરૂચરણ સિંહ દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં બેસવાના હતા. જો કે, તે ફ્લાઈટમાં ચઢ્યા નહીં અને ગુમ થઈ ગયા. તેમનો ફોન નંબર 24 એપ્રિલ સુધી સક્રિય હતો, જેના દ્વારા અનેક વ્યવહારો થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જે દિવસથી તે ગુમ થયા તે દિવસના સીસીટીવી ફૂટેજમાં અભિનેતા પીઠ પર બેગ લઈને ચાલતા જોવા મળ્યા હતા. તેમના પિતા હરજીત સિંહે 26 એપ્રિલે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ભારતીય દંડ સંહિતા એટલે કે IPC ની કલમ 365 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સિંહની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે તેમની પાસે ઘણી લોન અને બાકી લેણાં હતાં.
,જણાવી દઈએ કે સીસીટીવી ફૂટેજના આધારે તેનું છેલ્લું લોકેશન દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબરીમાં હોવાનું જાણવા મળ્યું હતું, જ્યાં તે આઈજીઆઈ એરપોર્ટ નજીકથી ભાડે લીધેલી ઈ-રિક્ષામાં પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
