મુંબઈ, 8 જાન્યુઆરી : વરુણ ધવન અભિનીત બદલાપુર ફિલ્મના ગીત જી કરદા...નો ઑડિયો રિલીઝ થઈ ચુક્યો હતો. હવે ગીતનો વીડિયો ઇરોઝ નાઉએ રિલીઝ કર્યો છે. વરુણ ધવન બહેતરીન ડાન્સર છે અને તે આ વીડિયોમાં નજરે પણ પડે છે.
બદલાપુર ફિલ્મના જી કરદા... ગીતમાં હુમા કુરૈશી, યામી ગૌતમ અને નવાઝુદ્દીન સિદ્દીકીની પણ ઝલક દેખાય છે. જોકે ફિલ્મની રિલીઝમાં હજી સમય છે, પણ જી કરદા... ગીત આપને ફિલ્મ સાથે વધુ ઉંડાણપૂર્વક જોડી નાંખશે.
જી કરદા... ગીતમાં વરુણ ધવન ઝનૂની અવતારમાં નજરે પડે છે. તેમના એક્સપ્રેશન અને એક્ટ બંને પ્રશંસનીય છે, તો તેમનો ડાન્સ પણ સારો છે. તેમનામાં ગુસ્સો, ઝનૂન અને બદલો છે.
દિવ્ય કુમારનો અવાજ ક્યાંકને ક્યાંક સુખવિંદરની યાદ અપાવે છે. જોકે દિવ્ય કુમાર અગાઉ ભાગ મિલ્ખા ભાગ, ઇશકઝાદે તેમજ શુદ્ધ દેસી રોમાંસમાં ગાઈ ચુક્યા છે, પરંતુ બદલાપુરના જી કરદા... ગીતમાં તેઓ વધુ નિખર્યા છે.
એક તરફ સચિન જિગરના સંગીતે ગીતમાં પ્રાણ પુર્યા છે, તો બીજી બાજુ શ્રીરામ રાઘવનના દિગ્દર્શન હેઠળ શૂટ થયેલ ગીત ખૂબ જ સારૂ લાગી રહ્યું છે.
દિનેશ વિજન તથા સુનીલ લુલા નિર્મિત બદલાપુર ફિલ્મમાં વિનય પાઠક અને દિવ્યા દત્તા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 20મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.