ટ્રાન્સમીડિયા એવોર્ડ માટે આ બે ગુજરાતી ફિલ્મોને મળ્યા સૌથી વધુ નોમિનેશન્સ, જાણો વિગતો
ટ્રાન્સમીડિયા એવોર્ડ માટે આ બે ગુજરાતી ફિલ્મોને મળ્યા સૌથી વધુ નોમિનેશન્સ, જાણો વિગતો
તાજેતરમાં જ વિશ્વભરમાં અતિપ્રતિષ્ઠિત એવા ઓસ્કાર એવોર્ડઝ યોજાઈ ગયા. તો બોલીવુડમાં પણ સૌથી ટોચના ગણાતા ફિલ્મફેર એવોર્ડ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાતી મનોરંજન ક્ષેત્ર પણ આમાં પાછળ નથી. છેલ્લા 18 વર્ષથી ચાલી આવતા ગુજરાતી એવોર્ડ ટ્રાન્સમીડિયાના નોમિનેશન્સ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ એવોર્ડની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે.

ટીચર ઓફ ધી યર – મોન્ટુની બિટ્ટુને સૌથી વધુ નોમિનેશન્સ
આયોજકોએ નોમિનેશન્સ જાહેર કરી દીધા છે. જેમાં 2019માં રિલીઝ થયેલી વિજયગિરી બાવાની ફિલ્મો મોન્ટુની બિટ્ટુ અને સૌનક વ્યાસ-વિક્રમ પંચાલની ફિલ્મ ટીચર ઓફ ધી યરને સૌથી વધુ 12-12 નોમિનેશન્સ મળ્યા છે. તો ફિલ્મ ધુનકી અને ચીલઝડપને 10-10 નામાંકનો મળ્યાં છે. આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મના એવોર્ડ માટે હવે ટીચર ઓફ ધ યર, મોન્ટુની બિટ્ટુ, ગુજરાત 11, ચીલઝડપ, ધુનકી અને કાચિંડો નામાંકનોમાં છે.

આ રહ્યા નોમિનેશન્સ
બેસ્ટ એક્ટર - મૌલિક જગદીશ નાયક(મોન્ટુની બિટ્ટુ), સૌનક વ્યાસ(ટીચર ઓફ ધ યર), કિરણ કુમાર(હવે થશે બાપ રે બાપ), જીમિત ત્રિવેદી(ચીલઝડપ), હિતેનકુમાર(જલસાઘર), ગૌરવ પાસવાલા(ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર) અને પ્રતીક ગાંધી(ધુનકી)ને નોમિનેશન્સ
બેસ્ટ એક્ટ્રેસ - ડેઝી શાહ(ગુજરાત 11), આરોહી પટેલ(મોન્ટુની બિટ્ટુ), સોનિયા શાહ(ચીલઝડપ), દીક્ષા જોશી(ધુનકી), જીનલ બેલાની(ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર) અને પ્રીનલ ઓબેરોય(સાજન પ્રીતની જગમાં થશે જીત)
બેસ્ટ ડિરેક્ટર - ધર્મેશ મહેતા(ચીલઝડપ), ડૉ. વિક્રમ પંચાલ-શૌનક વ્યાસ(ટીચર ઓફ ધ યર), નીરવ બારોટ(હવે થશે રે બાપ રે બાપ), અનીશ શાહ(ધુનકી), હિરેન જાદવાની(તારી મુસ્કુરાહટ), જયંત ગીલાટર(ગુજરાત 11) અને વિજયગીરી બાવા(મોન્ટુની બિટ્ટુ)
નાટકો - સિરિયલ્સના નોમિનેશન પણ જાહેર
ગુજરાતી ફિલ્મોની સાથે મુંબઈથી પ્રસ્તુત નાટકો, ગુજરાતમાં બનેલા નાટકો તેમજ ગુજરાતી સિરિયલ્સ માટે પણ તમામ કેટેગરીઝમાં નોમિનેશન્સની જાહેરાત થઈ ચૂકી છે. આ નોમિનેશન્સ માટે જ્યુરી તરીકે તુષાર વ્યાસ, કાર્તિકેય ભટ્ટ, શ્રીનિવાસ પાત્રો, ચીકા ખરસાણી, અતુલ બ્રહ્મભટ્ટ વગેરેએ નિર્ણાયકની ભૂમિકા ભજવી છે.

આમને મળશે સ્પેશિયલ એવોર્ડઝ
ટ્રાન્સમીડિયા તરફથી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ‘હેલ્લારો'અને ‘સફરજન' નાટકને આ વર્ષે સ્પેશિયલ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ટ્રાન્સમિડિયા સ્પેશિયલ એવોર્ડઝમાં આ વર્ષે સંગીતબેલડીનો શ્રી મહેશ-નરેશ એવોર્ડ કેદાર-ભાર્ગવને, સ્વ. હેમુ ગઢવી એવોર્ડ પ્રફુલ્લ દવેને, સ્વ ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ આનંદ પડિતને, જૈનરત્ન એવોર્ડ કમલકુમાર સચેતીને, લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મિનળ પટેલ અને ફિરોઝ ઈરાનીને જાહેર કરવામાં આવ્યા છે.
આ તારીખે યોજાશે એવોર્ડ્ઝ
ઉલ્લેખનીય છે કે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એડ સ્ટેજ એવોર્ડ મુંબઈના જુહુમાં યોજાવાના છે. 2019 માટેના નાટકો, ફિલ્મો અને સિરીયલ માટે અપાતા આ એવોર્ડ 29 ફેબ્રુઆરીએ જાહેર થશે.












Click it and Unblock the Notifications
