અમદાવાદમાં મેગા ડિમોલેશનનો વધુ એક રાઉન્ડ, 430 ગેરકાયદે મકાનો તોડી પડાશે
અમદાવાદ શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ હેઠળ વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ ખાતે આજે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત 430 જેટલા કાચા-પાકા ગેરકાયદેસર બાંધકામોને તોડીને સ્થળનો વિકાસ કરવાનો હેતુ છે. વહેલી સવારથી આ કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

આ ડિમોલિશન ડ્રાઈવ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. 500 પોલીસકર્મીઓ અને 300 AMC કર્મચારીઓ સાથે 12 હિટાચી અને 4 JCB મશીનો કામે લગાડવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
સ્થાનિક રહીશોને વર્ષ 2018થી અને છેલ્લા ત્રણ મહિનાથી આ દબાણ હટાવવા અંગેની નોટિસ આપવામાં આવતી હતી. ગેરકાયદેસર દબાણ દૂર થવાની જાણ હોવાથી, મોટાભાગના લોકોએ કામગીરી શરૂ થાય તે પહેલાં જ સ્વૈચ્છિક રીતે પોતાનો સામાન ખાલી કરી દીધો હતો. તેમને અંદાજ હતો કે આ દબાણો દૂર કરવામાં આવશે.
જો કે, કેટલાક લોકોએ પોતાનો સામાન મકાનોમાંથી હટાવીને નજીકની ફૂટપાથ પર ગોઠવી દીધો. અમુક રહીશોએ વૈકલ્પિક આવાસ ન મળવાની ફરિયાદ કરતા તળાવ પાસે જ રહેવાનું નિવેદન આપ્યું. AMC દ્વારા ઘરવિહોણા બનેલા લોકો માટે AMTS બસો દ્વારા આશ્રય ગૃહોમાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાઈ છે.
આ કાર્યવાહી અંગે આસિસ્ટન્ટ કમિશનર યતીન્દ્ર નાયકે માહિતી આપતા જણાવ્યું કે, વટવામાં વાંદરવટ તળાવ ખાતે AMCએ પોલીસના સહયોગથી મેગા ડિમોલિશન શરૂ કર્યું છે. આ કામગીરી તળાવ ફરતે 18 મીટરના બે અને 24 મીટરના બે રોડ ખોલવા માટે હાથ ધરાઈ છે.
AMCની 8 ટીમો 430થી વધુ ગેરકાયદેસર બાંધકામો દૂર કરશે, જેમાં 30 વ્યાપારિક અને બાકીના રહેણાંક એકમોનો સમાવેશ થાય છે. જો કે, 2 થી 4 ધાર્મિક સ્થળો સિવાયના તમામ બાંધકામોને હટાવવામાં આવશે અને તળાવ ફરતે ફેન્સિંગ કરાશે.
આ દબાણો દૂર થતાં 58,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે, જેના પર તળાવ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવશે. ભવિષ્યમાં સ્થાનિકોને મોટા અને સુવિધાયુક્ત રસ્તાઓ તેમજ આધુનિક વિકસિત તળાવનો લાભ મળશે.












Click it and Unblock the Notifications
